અમદાવાદ- સતત ત્રીજા સપ્તાહે સોના ચાંદી બજારમાં સોનાના ભાવ ઘટ્યા હતા. સોના સાથે ચાંદીમાં પણ ભાવ સામાન્ય ઘટ્યા હતા. સોના ચાંદી બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે. સોનામાં દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરે છે, તેની પાછળ ઘણા બધા કારણો રહ્યા છે. આજના વીડિયોમાં તેની ચર્ચા કરીશું. આગામી સપ્તાહે સોનાના ભાવ વધુ ઘટશે કે પછી અહીંથી સુધારો જોવા મળશે. સોનાના ભાવ ઘટ્યા છે તો શું ખરેખર સોનામાં ખરીદી કરવાનો સમય આવી ગયો છે. આ તમામ સવાલના જવાબ આજના વીડિયોમાં મેળવીશું. આ વીડિયો અંત સુધી જોજો…
સૌથી પહેલા વાત કરીએ સોના ચાંદીના ભાવની વધઘટ પર…
અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ ગોલ્ડ 10 ગ્રામે વધુ રૂપિયા 2,500 ઘટી ભાવ રૂપિયા 96,000 રહ્યો હતો. તેમજ સિલ્વરનો ભાવ એક કિલોએ રૂપિયા એક હજાર ઘટી રૂપિયા 95,500 રહ્યો હતો.
દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ રૂપિયા 95,280 હતો. મુંબઈ તેમજ કોલકતામાં 95,130નો ભાવ હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફયુચરનો ભાવ 3344 ડૉલર વીતેલા સપ્તાહે બંધ હતો. જે ચાલુ સપ્તાહે 3295ની હાઈ બનાવીને ત્યાંથી ઝડપી તૂટી 3123 ડૉલર થઈ સપ્તાહને અંતે 3187 ડૉલર બંધ રહ્યો હતો.
સિલ્વર જુલાઈ ફયુચર 33.43 ડૉલર અન 31.78 ડૉલરની રેન્જમાં અથડાઈને સપ્તાહને અંતે 32.35 ડૉલર બંધ રહ્યો હતો.
સોનાનો ભાવ ગત મહિનાના 3500 ડૉલરના રેકોર્ડ હાઈ ભાવથી હાલ 9 ટકા નીચે છે.
સોનાના ભાવ ઘટવાના કારણો
(1) રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થઈ ચુક્યું છે. બન્ને દેશોના ડેલીગેશન ચર્ચા કરી રહ્યા છે અને બન્ને દેશોના કબજામાં રહેલા સૈનિકોને છોડવા માટે સંમતિ સંઘાઈ ગઈ છે. આમ હાલ એક જીઓ પોલિટિકિલ ટેન્શન સમાપ્ત થયું છે, ભારત પાકિસ્તાન વચ્ચે પણ ચાર દિવસના યુદ્ધ પછી સીઝફાયર થયું છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શન રહ્યું નથી, જેથી ગોલ્ડમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવી રહી છે.
(2) અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને મામલે જબરજસ્ત ટ્રેડ વોર ચાલતું હતું. પણ અમેરિકા અને ચીને સ્વીટ્ઝરલેન્ડના જીનીવામાં ટેરિફના મુદ્દા ચર્ચા કરીને સકારાત્મક પરિણામ લાવી દીધું છે. બન્ને દેશોને બિઝનેસ કરવો છે, પણ પહેલા કોણ ઝુકે, તેની રાહ જોવાતી હતી. અંતે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત થયો છે અને 90 દિવસ સુધી જૂના ટેરિફના દર લાગુ પડશે. આ ફેકટર આવ્યા પછી ગોલ્ડમાં ભારે વેચવાલી આવી હતી. જે કારણે તેજી થઈ હતી, પણ તે કારણ પોઝિટિવ થતાં હવે સોનાના ભાવ ઘટી રહ્યા છે.
Top Treanding News
ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં જંગી વધારો, સોનાનો ભંડાર છલકાયો
(3) અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો છે, જેમાં અમેરિકાએ કતરના દોહામાં શસ્ત્રોનો બહુ મોટી ડીલ કરી છે. અને દુનિયાના બિઝનેસ લીડર્સ સાથે બેઠક કરી હતી. જે પછી એમ કહેવાય છે કે યુએસ ઈકોનોમી મંદીમાં ફસાઈ જશે તેવી આશંકા દૂર થઈ છે. આથી સેફ હેવન સોનામાં વેચવાલીથી ભાવ તૂટ્યા હતા.
(4) યુએસ ઈકોનોમી માટે પોઝિટિવ ફેકટર આવતાં હવે સ્ટોક માર્કેટમાં તેજી થઈ છે. તેની સીધી અસર ગ્લોબલી સ્ટોક માર્કેટ પણ મજબૂત થયા છે. જેથી હવે ગોલ્ડમાં બુલ ઓપરેટરોએ પ્રોફિટ બુક કર્યો છે અને સ્ટોક માર્કેટ અને બિટકોઈનમાં રોકાણ વધાર્યું છે.
(5) અપેક્ષા કરતાં યુએસના આર્થિક ડેટા નબળા આવ્યા છે. જેથી હવે ફેડરલ રીઝર્વની જૂનમાં યોજાનારી મોનેટરી પોલીસીની સમીક્ષા વખતે ફેડ રેટ કટની આશાને જીવંત બનાવી છે. જેને કારણે ડોલર ઘટ્યો છે. ટ્રેઝરી યિલ્ડમાં ઘટાડો થયો છે. આમ ગોલ્ડમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી, અને ભાવ ઘટ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે યુએસ ક્રેડિટ રેટિંગને એક સ્તર ડાઉનગ્રેડ કર્યું છે. યુએસ દેવાનું રેટિંગ એએએ થી ઘટાડીને એએ1 કર્યું છે. તેણે યુએસ પર તેના દ્દષ્ટ્રિકોણને નેગેટિવ પરથી સ્ટેબલ કર્યો છે. આ ન્યૂઝ શુક્રવારે આવ્યા હતા, જે પછી ગોલ્ડમાં નીચા મથાળે નવું બાઈંગ આવ્યું હતું અને ઘટ્યા મથાળેથી ભાવ ઊંચકાયો હતો.
આગામી સપ્તાહ કેવું રહેશે?
આગામી સપ્તાહે સોનામાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવ્યા જ કરશે. કારણ કે હવે પછી તેજીકારક ફેકટર હવે મંદીકારક બની ગયા છે. સેફ હેવન ગોલ્ડની ડિમાન્ડ ઘટી છે. અને ગોલ્ડ હજી નીચા ભાવે મળશે તેવી વાતો બજારમાં ચાલી રહી છે. સોનાના ખૂબ ઊંચા ભાવોને કારણે સોના ચાંદીમાં જ્વેલરી માર્કેટમાં મંદીનો માહોલ હતો. ફીઝીકલ ખરીદી અટકી ગઈ હતી. સોના ચાંદીના દાગીના બનાવનાર અને વેચનાર બન્ને ઘરાકીની રાહ જોઈને બેઠા હતા. હવે જ્યારે સોનાના ભાવ ઘટવા શરૂ થયા છે, ત્યારે જ્વેલર્સને નવી આશા જાગી છે.
હાલ શું સોનું ખરીદવાનો યોગ્ય સમય છે?
જૂઓ સોનું તેના રેકોર્ડ હાઈથી લગભગ 9 ટકા તૂટી ગયું છે, અને હજી પણ ઘટશે કારણે કે સોના ભાવ એટલા બધા ઝડપથી વધ્યા હતા, તેટલા જ ઝડપથી ઘટી રહ્યા છે. આગામી સપ્તાહે પણ સોનાના ભાવ હજી વધુ ઘટવાની ધારણા છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો સોનાનો ભાવ 91,000-92,000ની આજુબાજુ આવે ત્યારે ખરીદીનો યોગ્ય સમય માનીને તક ઝડપી લેવી જોઈએ. કારણ કે સોનું એ કાયમ માટે બેસ્ટ બાય રહ્યું છે.
બીજી તરફ હવે મંદીનો ભય દૂર થયો છે, જેથી ઔધોગિક પ્રવૃત્તિઓ ધમધમશે તો સિલ્વરમાં નવી ડિમાન્ડ નીકળવાની ધારણા છે. સોનાની સામે જોઈએ તો સિલ્વરના ભાવમાં તેજી આવી નથી, તો કદાચ બુલ ઓપરેટરો સિલ્વરમાં એન્ટ્રી લઈ શકે છે.
ટેકનિકલ લેવલ શું કહે છે?
ટેકનિકલી જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 3200 ડૉલરની અતિમહત્વની સપાટી તોડીને નીચે ગયું છે, જે બતાવે છે કે ગોલ્ડમાં સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે. હવે નીચામાં 3000 ડૉલરના ભાવનો ખૂબ જ મજબૂત સપોર્ટ છે. તે સપાટી સુધી ગોલ્ડનો ભાવ આવે તેવી શક્યતા વધી છે. ગોલ્ડમાંથી 60 ટકા બુલ ઓપરેટરોએ એક્ઝિટ લીધી છે, પણ હવે કયારે એન્ટ્રી લેશે તે કોઈને ખબર નથી. ત્યાં સુધી ગોલ્ડના ભાવ વધીને ઘટશે. અથવા બે તરફી વધઘટમાં અથડાઈ શકે છે.
આગામી સપ્તાહની ઈવેન્ટ
ગુરુવારે- યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, પીએમઆઈ, યુએસસ હોમ સેલ્સ ડેટા આવવાના છે
શુક્રવારે- યુએસ ન્યૂ હોમ સેલ્સના ડેટા પણ આવશે