69 હજાર કરોડથી વધુના દેવામાં ફસાયેલી સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયા ( Air India )ના વરિષ્ઠ કર્મચારીઓનું એક ગ્રુપ પોતાની જ કંપનીને ખરીદવા માટે આગળ આવ્યું છે. આ કર્મચારીઓ અમેરિકા સ્થિત એક ખાનગી ઈક્વિટી પેઢીની સાથે સરકારી બોલીમાં હિસ્સો લીધો છે. એર ઈન્ડિયાના 209 કર્મચારીઓનું ગ્રુપ યુએસ સ્થિત ખાનગી ફાયનાન્સર સાથેના સહકારથી એરલાઈનમાં 50 ટકા હિસ્સેદારી માટે બોલી લગાવી છે.
એર ઈન્ડિયાના દરેક કર્મચારીએ એક ખાનગી ઈક્વિટી ફંડની સાથેના સહકારથી રાષ્ટ્રીય વાહક માટે બોલી લગાવી છે. બોલી માટે દરેક કર્મચારી એક એક લાખ રૂપિયા યોગદાન આપવાનું કહેવામાં આવ્યું છે. જો આ વાત હકીકતમાં પલટાશે તો દેશના કોર્પોરેટ ઈતિહાસનો આ પહેલો કિસ્સો હશે, કે જેમાં સરકારી કંપનીને તેના જ કર્મચારીઓએ ખરીદી.

એર ઈન્ડિયાને ખરીદવા માટેની બોલીની સમય મર્યાદા આજે એટલે કે 14 ડીસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. જે વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે અગ્રણી કોર્પોરેટ સંસ્થાઓ તાતા, અદાણી અને હિંદુજાને પણ એર ઈન્ડિયા ખરીદવામાં રસ છે. એર ઈન્ડિયાની બોલી લગાવવા માટે 14 ડીસેમ્બર છેલ્લો દિવસ છે, સરકારે તેની સમય મર્યાદા વધારી નથી. જો કે સરકારે એર ઈન્ડિયાની બોલી લગાવનારા માટે ઈન્ટીમેશન તારીખને વધારીને 5 જાન્યુઆરી કરી નાંખી છે, જે પહેલા 29 ડીસેમ્બર સુધીની હતી.

સરકારે એર ઈન્ડિયાની પોતાની 100 ટકા ભાગીદારી વેચવા માટે બોલી મંગાવી છે. તેની સાથે એક ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડમાં પણ એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચાશે. એર ઈન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસીઝ પ્રા. લીમીટેડમાં 50 ટકા ભાગીદારી વેચાશે. 31 માર્ચ, 2019ના રોજ જાહેર કરાયેલ દસ્તાવેજમાં એર ઈન્ડિયાનું કુલ દેવું રૂપિયા 60,074 કરોડ દર્શાવ્યું છે. જેમાં તેના ખરીદનારે રૂપિયા 23,286 કરોડને માથે લેવા પડશે. જ્યારે બાકીની રકમનું દેવું વિશેષ ઉદેશ્ય માટે બનાવાયેલ એક ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લીમીટેડને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.