
ઝારખંડમાં ભાજપ વધુ પડતા વિશ્વાસમાં હતી. એકલા હાથે ચૂંટણી લડી અને કૌવત બતાવવાનું નક્કી કર્યું હતું. ભાજપને એમ હતું કે ભાજપનો જ વેવ છે, એટલે ભાજપ એકલાહાથે ચૂંટણી લડીને સરકાર બનાવી દેશે, પણ આ ધારણા ખોટી પડી છે. 2014માં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન(એજેએસયુ) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ત્યારે ભાજપને 37 બેઠકો અને એજેએસયુને 5 બેઠક પર જીત મળી હતી. પણ આ વખતે ભાજપે એજેએસયુને નજરઅંદાજ કરી અને ચૂંટણીના મેદાનમાં એકલાહાથે ઉતરવાનું નક્કી કર્યું. ભાજપનો આ નિર્ણય તેમને ભારે પડ્યો છે.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની અદર બખેડો થયો હતો. ભાજપના જ નેતાઓમાં જ અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સૌથી મોટા નેતા રાધાકૃષ્ણ કિશોર ભાજપ છોડીને એજેએસયુ સાથે હાથ મિલાવી દીધા. કિશોરના જવાથી ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. ટિકીટની ફાળવણીમાં ભાજપે તેમના વરિષ્ઠ નેતા સરયૂ રાયને ટિકીટ ન આપી, તો સરયૂ રાય મુખ્યપ્રધાન રઘુબર દાસની સામે જમસેદપુર ઈસ્ટ બેઠક પર ચૂંટણીમાં ઉભા રહ્યા. સરયૂ રાયના જવાથી ભાજપને બહુ મોટું નુકસાન પડયું.


ઝારખંડ ચૂંટણી વખતે નાગરિકતા એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીનો મુદ્દો આવ્યો હતો, જેને કારણે પણ ક્રોસ વોટિંગ થયું હતું. સીએએ અને એનઆરસીનો મામલો તેની ચરમસીમાએ હતો. આ બન્ને બાબતનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, દેશભરમાં હિંસા ફેલાઈ અને ભાજપ સીએએ અને એનઆરસી મુદ્દે બહુ અડગ રહ્યો અને મોદી સરકાર સ્પષ્ટીકરણ કરવામાં ખુબ મોડી પડી હતી.

ખૂંટીની આસપાસના ગામડામાં હજારો આદિવાસી યુવા ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ અનુસાર આરોપી છે. મીડિયાના રીપોર્ટ અનુસાર ખૂંટીમાં 11,200 લોકો સામે રાજદ્રોહના કેસ નોંધાયા છે, જેમાંથી 10 હજાર લાકો પર દેશદ્રોહના આરોપ છે. આદિવાસીઓ તેમના પર લગાવેલ આરોપોને ખોટા બતાવી રહ્યો છે. આ કારણે આદિવાસીઓમાં ભાજપ પ્રત્યે નારાજગી વ્યાપી હતી.

તો આ તો રાજકારણ છે. પણ ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે, તે સ્પષ્ટ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હાર પછી ભાજપના મોવડીમંડળે 100 ટકા ચિંતન કરીને લોકપ્રિય પગલા લેવા જોઈએ. આમ જનતાના મનની વાત સાંભળવી જરૂરી છે.