
રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી, પણ કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લૉક ડાઉનનો અમલ થતાં 26 માર્ચની ચૂંટણી રદ કરવી પડી હતી. અને હવે 19 જૂને ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચે કરી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી પર પસંદગી ઉતારી છે.

રાજીનામા આપનાર કોંગ્રેસના 8 ધારાસભ્ય
(1) ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા
(2) સુરેન્દ્રનગર-લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા
(3) ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ
(4) કચ્છ- અબડાસાના ધારાસભ્ય પ્રદ્મુમ્નસિંહ જાડેજા
(5) ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત
(6) કરજણના ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ
(7) કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી
(8) મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા

કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપીને કોંગ્રેસ છોડી છે, તેમની હૈયાવરાળ અલગ છે. કોંગ્રેસમાં જુથવાદ છે. કોંગ્રેસમાં હવે વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે કે કેમ?, કોંગ્રેસમાં કેન્દ્રમાં નેતાગીરી નબળી છે. કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ બનીને કાર્ય નથી કરી રહ્યો, જેવા અનેક કારણો છે. તો સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા નેતાઓને ભાજપમાં જ વિશ્વાસ વધી રહ્યો છે કે કેમ કે તેની પાસે હાલ સત્તા છે. તેઓ તેમના વિસ્તારોમાં ધાર્યા કામ રાજ્ય સરકાર પાસે કરાવી શકે છે. અને પૈસા પણ ભાજપ પાસે છે. હાલ ભાજપને ધારાસભ્યોની જરૂર છે, તો તેઓ રાજીનામુ આપવા સામે રાજ્ય સરકાર પાસે કોઈને કોઈ અભય વચન માંગી લીધુ હશે.

એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરી દેવાઈ છે અને એનસીપીની કમાન ફરીથી જયંત બોસ્કીને સોંપાઈ છે. જેથી એનસીપી રાજ્યસભાની ચૂંટણીમાં બાર્ગેઈન કરી શકશે. એનસીપી પાસે એક વોટ છે, પણ તે ખૂબ મહત્વનો તો છે.

અહીંયા ચર્ચા એ છે કે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે એમ હતું કે કોંગ્રેસ બેઠી થઈ રહી છે, પણ હવે તો કોંગ્રેસ ફરીથી તૂટી છે. તેની પાછળના કારણોની ચર્ચા કેન્દ્રીય લેવલે થવી જ જોઈએ. વિરોધ પક્ષની રીતે કોંગ્રેસ કયા કાચી પડી રહી છે. મોવડીમંડળ તેમના ધારાસભ્યોને સાચવી રાખવામાં સદંતર નિષ્ફળ ગયું છે. પણ ભાજપ પાસે સત્તા છે, જેથી કોંગ્રેસના ધારાસભ્યો સત્તા આગળ ખેંચાઈ આવે, બીજુ કોંગ્રેસના ધારાસભ્યોની કુંડળી ભાજપ રાખે છે. કયા કોનું નાક દબાવવું, અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો. હા ભાજપ અત્યારથી લોકસભાની તૈયારીઓનો પ્રારંભ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જે વિધાનસભા ભાજપ હારી ગયું હતું તે ધારાસભ્યને ભાજપમાં લઈને લોકસભા જીતવાની ગેઈમ સેટ થઈ રહી છે.