
કોરોના કાળ વચ્ચે યોજાતી ચૂંટણીમાં ચૂંટણી પચે તો બહુ સરસ નિયમો બનાવ્યા છે, પણ આ નિયમોનું કેટલું પાલન થશે, તે તો ચૂંટણી સમયે ખબર પડશે. ચૂંટણી અને પ્રચાર વખતે કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કર્યું તેવી અનેક ફરિયાદો નોંધાશે. આક્ષેપો પણ થશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય છે કે કેમ? તે માટે રાજકીય આગેવાનોએ ધ્યાન રાખવું પડશે. કોરોના કાળમાં ચૂંટણી દરમિયાન જો કોરોના વધુ વકરશે તો ચૂંટણી પંચ અને સરકારને માથે માછલા ધોવાશે, તે નક્કી છે. અને જો ચૂંટણી શાંતિથી અને કોરોના ન ફેલાય તે રીતે થશે, તો ચૂંટણી પંચની વાહવાહ થશે. ચૂંટણી પંચે તમામ તકેદારીના પગલા લીધા છે, પણ રાજકીય આગેવાનોએ તેનું જો પાલન કરાવશે તો 100 ટકા ચૂંટણી નિર્વિધ્ને થઈ જશે. દરેક પક્ષના લીડરે ધ્યાન રાખવાની જરૂર છે.

2015ની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો એનડીના વિવિધ પક્ષોમાં જનતાદળ(યુ)ને 71 બેઠક, ભાજપને 53 બેઠક, લોક જન શક્તિ પાર્ટીને 2 અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને 2 અને હિન્દુસ્તાન અવામ મોરચાને 1 બેઠક મળી હતી.
તેમની વિરોધમાં આરજેડીને 80 બેઠક, કોંગ્રેસને 27 બેઠક મળી હતી.


એનડીએ તરફથી નિતીશકુમાર સીએમનો ચહેરો છે, તેમજ મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવ સીએમને ચહેરો છે. વોટ ટકાવારીની વાત કરીએ એનડીએ ગઠબંધનને 44.8 ટકા વોટ મળશે. જ્યારે મહાગઠબંધનને 33.4 ટકા વોટ મળશે. આમ જોવા જઈએ તો વોટ શેરમાં ઝાઝો તફાવત નથી. ચૂંટણી પ્રચાર અને બેઠકોની ફાળવણી ખૂબ મહત્વનો ભાગ ભજવશે. જો કે આ તો પ્રાથમિક સર્વે છે, હજી ઘણુ બધુ ચિત્ર બદલાઈ શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ જ તૈયારી કરવામાં આવી છે. અને કેટલાય પગલા લેવામાં આવ્યા છે. મતદાન મથક પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ વખતે એક બુથ પર એક હજાર મતદાતા હશે. તમામ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફલોર પર જ રહેશે. કોરોનાકાળની આ સૌથી મોટી ચૂંટણી છે. જેમાં 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ કરાશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લોવઝ અને 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પીડિત મતદાતા મતદાનના આખરી સમયમાં મત આપી શકશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. કોરોનાકાળમાં નવા સુરક્ષાના માપદંડો સાથે ચૂંટમી યોજાશે. બિહારમાં કુલ 7.79 કરોડ મતદાતા છે. તેમાં મહિલા 3.39 કરોડ મહિલા મતદાતા છે.
ચૂંટણી પંચના કહેવા પ્રમાણે રાજકીય પક્ષો ઘરેઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી શકશે, જેમાં તેમની સંખ્યા પાંચથી વધારે ન હોવી જોઈએ. ઉમેદવારો ઉમેદવારી નોંધાવા જાય ત્યારે માત્ર બે વાહનો લઈને જઈ શકશે. ઉમેદવારી પત્ર ઑનલાઈન પણ ભરી શકાશે. ચૂંટણી પ્રચાર માત્ર વર્ચ્યુલ માધ્યમથી જ થશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી કોરોનાકાળમાં એક દાખલારૂપ ચૂંટણી હશે. 70 દેશોએ ચૂંટણીને ટાળી છે, ત્યારે ભારત માટે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી ન્યૂ નોર્મલ છે. કોરાના કાળમાં બિહારની જનતા તાજ કોના શિરે મુકે છે, તે તો 10 નવેમ્બરે જ ખબર પડશે.