
દૂધની શુદ્ધતા અને ગુણવત્તા કેટલી ખરી હોય છે, તે તો દૂધનો ઉપયોગ કરનારા જાણે જ છે. અને દૂધમાં પાણીની મિલાવટ કેટલી હોય છે, તે પણ સૌ જાણે છે. તાજેતરમાં જ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક સર્વે જાહેર કર્યો છે. જે સર્વેના અહેવાલ અનુસાર 41 ટકા પ્રોસેસ્ડ અને કાચા દૂધની ગુણવત્તા જે હોવી જોઈએ તેના કરતાં ઓછી છે. 41 ટકા દૂધમાં ફેટ અને એસએનએફ એટલે કે સોલિડ્સ નોટ ફેટની માત્રા નક્કી કરેલ માપદંડોથી ઓછી જોવા મળી છે.
આ સર્વે પરથી એટલું ફલિત થાય છે કે 47 ટકા દૂધ ઉત્પાદકો યોગ્ય ગુણવત્તાનું દૂધ આપતા નથી. પેકેજ્ડ દૂધના 37.7 ટકા સેમ્પલ કવૉલિટી સ્ટાન્ડર્ડ અનુસાર નથી. આપણને એમ છે કે પેકેજ્ડ દૂધ આવે છે, તે સૌથી સલામત અને ગુણવત્તામાં નંબર વન હશે. ભારતના તમામ શહેરોમાં પેકેજ્ડ દૂધનું ચલણ વધારે છે. પણ તમારી સામે ફૂડ સેફટીવાળાનો રીપોર્ટ આવ્યો છે તે આંખો ખોલનારો છે. પેકેજ્ડ દૂધના 37.7 ટકા સેમ્પલ કવૉલિટી સ્ટાન્ડર્ડ અનુસાર નથી. તેના બે કારણ સામે આવ્યાં છે કે એક તો ગાયને યોગ્ય પ્રોટીનવાળો ખોરાક મળતો નથી અથવા તો દૂધમાં પાણી મેળવીને વેચાઈ રહ્યું છે.


FSSAI એ એક એજન્સી છે, જે દેશમાં તમામ વ્યક્તિઓની તંદુરસ્તી વધુ સારી રહે તે માટે આરોગ્યલક્ષી માપદંડોનું ધ્યાન રાખે છે. FSSAI એ ભારતના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલયની સત્તા હેઠળ આવે છે. FSSAI ની સ્થાપના વેચાઈ રહેલા તમામ ખાદ્યપદાર્થોની ચકાસણી કરવાના ઉદેશ્યથી કરાઈ છે. જેને આપણે ફૂડ લાયસન્સ પણ કહી શકીએ. FSSAIએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પર નિયંત્રણ કરવાનું કામ કરે છે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્રિત કરે છે. તેનું આખું નામ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે. ભારત સરકારે FSSAIની સ્થાપના 5 સપ્ટેમ્બર, 2008ના રોજ કરી હતી. તેની હેડ ઓફિસ દિલ્હીમાં છે. ભારતભરમાં તેના 8 કાર્યાલય શરૂ કરાયાં છે.
