ટ્રમ્પ 401(કે) એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે તો સોના ચાંદીમાં તેજી આવશે?

by Investing A2Z

અમદાવાદ- સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહે બે તરફી વધઘટ વચ્ચે સામાન્ય નરમાઈ રહી હતી. ડૉલર સામે રૂપિયો તૂટીને આવતાં ભારતીય કરન્સીમાં સોના ચાંદીના ભાવ મજબૂત રહ્યા હતા. વીતેલા સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં ટ્રેડિંગ વોલ્યુમ પણ વધ્યું હતું. પણ ધારણા પ્રમાણે તેજી થઈ શકી ન હતી. ઉલ્ટાનું ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

હવે આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? ટ્રમ્પ ટેરિફનો ડર હજી બજારને સતાવી રહ્યો છે? અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દો હજી વણઉકલ્યો છે તેનું શું થશે? અમેરિકન ઈકોનોમીની મંદીની કેટલી અસર? ટેરિફની અમેરિકન વેપાર પર શું અસર? ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં કટ કરશે કે નહી? વિશ્વના દેશોના ચલણ સામે ડૉલરની ચાલ કેવી રહેશે? ટ્રમ્પ 401(કે) એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે તો સોના ચાંદીમાં તેજી આવશે? આ તમામ સવાલોના જવાબ માટે જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 500 વધી રૂપિયા 1,01,500 રહ્યો હતો અને ચાંદીનો ભાવ રૂપિયા 3500 વધી 1,13,500 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધીને 3389 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી આવતાં ઘટી 3309 ડૉલર થઈ સપ્તાહને અંતે નવી લેવાલીથી ઉછળીને 3358 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 6 ડૉલરની નરમાઈ દર્શાવે છે.

સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 39.17 ડૉલર થઈ અને ત્યાંથી ગોલ્ડ પાછળ ઘટી 37.68 ડૉલર થઈ સપ્તાહને અંતે 38.46 ડૉલર બંધ રહ્યો હતો. વીતેલા સપ્તાહની સરખામણીએ સામાન્ય નરમાઈ દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ વધી 3377 ડૉલર અને ઘટી 3309 ડૉલર વચ્ચે અથડાઈને સપ્તાહને અંતે 3350 ડૉલર બંધ થયું હતું.

તેવી જ રીતે સ્પોટ સિલ્વર વધી 39.17 ડૉલર અને ઘટી 37.49 ડૉલર વચ્ચે અથડાઈને સપ્તાહને અંતે 38.19 ડૉલર બંધ થઈ હતી.

ગોલ્ડ સિલ્વર માર્કેટમાં બે તરફી વધઘટ રહી હતી, તેની પાછળના કેટલાક કારણોની ચર્ચા કરીએ તો….

ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ રાજીનામુ આપશે તેવી અફવા ફેલાવામાં આવી હતી. જેને કારણે સોનામાં જોરદાર લેવાલીથી ભાવ ઊંચકાયો હતો. પણ ટ્રમ્પ અને અન્ય લોકોએ બજારોને ખાતરી આપી હતી કે સેન્ટ્રેલ બેંકમાં હાલ કોઈ તાત્કાલિક ફેરફાર થવાનો નથી. પછી સોનાના ભાવ ઘટ્યા હતા.

બીજી તરફ ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં કટ જુલાઈ મહિનામાં નહી કરે. તેવી વાતો વહેતી થઈ છે. કદાચ સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ થાય તેવી શક્યતા છે. જેરોમ પોવલ દર વખતે કહી રહ્યા છે કે ફેડ રેટ કટ કરવાની ઉતાવળ નહી કરે. કારણ કે ટેરિફને કારણે અમેરિકાનો ફુગાવાનો દર કેટલો વધશે તે હાલ કહી શકાય તેમ નથી.

બીજી તરફ રીપોર્ટ એવા છે કે અમેરિકાનો ફુગાવો હજુ નિયંત્રણમાં નથી. એટલે કે ફેડરલ રીઝર્વના લક્ષ્યાંકથી ફુગાવો હજી ઉપર છે. હજુ પણ યુએસનો ફુગાવો કોવિડ પહેલાના સ્તરથી ઉપર છે. એટલા માટે પોવેલ ફુગાવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. એટલા માટે જ દરેક ઘટાડે સોનામાં નવું બાઈંગ આવી જાય છે.

હજી ટ્રમ્પના ટેરિફનો ડર ઉભો છે. ટ્રેડ ડીલ કરવા માટે ઘણા બધા દેશો સાથે વાતચીત ચાલુ છે. ટ્રમ્પે 1 ઓગસ્ટની ડેડલાઈન આપી છે. અને ટ્રમ્પ દરરોજ ટેરિફ અંગે નવી ધમકીઓ આપી રહ્યા છે. બ્રિક્સ દેશો પર 100 ટકા ટેરિફ લાદીશું… રશિયા પાસેથી ખરીદી કરતાં દેશો પર વધુ ટેરિફ હશે… હજી સુધી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની સત્તાવાર જાહેરાત થઈ નથી, જેથી પણ બજારમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.

જીઓ પોલિટિકલ ટેન્શન હજી જેમનું તેમ છે. ઈઝરાયલે સિરીયા પર સૌથી મોટો હૂમલો કર્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને યુરોપિયન દેશો યુક્રેનને શસ્ત્રો આપશે, તેવા સમાચાર આવ્યા છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધુ વણસવાની સંભાવના છે.

આવા બધો નેગેટિવ સંજોગો વચ્ચે સોના ચાંદીમાં દરેક ઘટાડે નવી લેવાલી આવી જ જાય છે. બીજુ ગોલ્ડમાં 3300 ડૉલરનું મજબૂત સપોર્ટ લેવલ છે. તે લેવલ આવે તે પહેલા જ નવું બાઈંગ આવી જાય છે એટલે કે ગોલ્ડમાં 3300 ડૉલરની નીચે જવાની શક્યતા નહીંવત બની ગઈ છે. અને ધારોકે 3300 ડૉલર નીચે જશે તો 3200 સુધીનો ભાવ આવી શકે છે.

એક્ઝિક્યુટિવ ઓર્ડર

ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર અમેરિકાના પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહી છે. જે 401(કે) ફંડ્સને ક્રિપ્ટોકરન્સી અને કિંમતી ધાતુઓ જેવી વૈકલ્પિક સંપત્તિઓમાં રોકાણ કરવાની મંજૂરી આપશે.

401(કે) ફંડ્સ એ કંપની દ્વારા સ્પોનર્સ્ડ કરાયેલ નિવૃત્તિ એકાઉન્ટ છે. જેમાં કર્મચારીઓ તેમની આવકનો એક ભાગનો ફાળો જમા કરાવે છે. આ 401(કે) ફંડ્સમાં અંદાજે 8.7 ટ્રેલિયન ડૉલર જમા છે. જો ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરશે તો બિટકોઈન, સોનું, ચાંદી અને ખાનગી ઈક્વિટીમાં રોકાણ માટેની નવી ચેનલ ખૂલશે. એટલે કે બિટકોઈન, સોનું, ચાંદી અને ઈક્વિટીમાં નવા નાણાનું રોકાણ આવશે.

જો કે વ્હાઈટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોઈપણ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોઈપણ નિર્ણયને સત્તાવાર માનવો જોઈએ નહી.

આગામી સપ્તાહ કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વર બે તરફી વધઘટમાં જ અથડાશે. કારણ કે તેજીના કારણો હજી અકબંધ રહ્યા છે. જેથી ઘટવાની શક્યતાઓ નથી. ટ્રમ્પ ટેરિફ અને ટ્રેડ ડીલ મુદ્દે શુ અપડેટ આવે છે અને ડૉલરની મજબૂતી પર ધ્યાન રાખવાનું રહેશે. અને હજી તો 401(કે) ફંડનું રોકાણ ગોલ્ડ અને સિલ્વરમાં આવશે તો ગોલ્ડ સિલ્વર નવા ઊંચા લેવલ બતાવે તો નવાઈ નહી.

ટેકનિકલ લેવલ

ટેકનિકલી ગોલ્ડમાં 3300 ડૉલરનું મજબૂત સપોર્ટ લેવલ રહેશે. અને ઉપરમાં 3370 ડૉલરની સપાટી કૂદાવશે તો 3400 ડૉલરનું લેવલ કૂદાવી શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 37.50 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલ રહેશે અને ઊંચામાં 39 કૂદાવશે તો 40 ડૉલર કે તેના ઉપરના ભાવ બતાવે તેવી શક્યતા છે.

Top Trending News

કચ્છ, સૌરાષ્ટ્ર ઝોનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ

મંગળવાર- ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વોશ્ગિટન ડીસીમાં એક કાર્યક્રમમાં તેમનું સંબોધન કરશે

બુધવાર- યુએસ એક્સિસ્ટીંગ હોમ સેલ્સ ડેટા

ગુરુવાર- યુરોપિયન સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલીસીની બેઠક છે. યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, પીએમઆઈ ડેટા, યુએસ ન્યૂ હોમ સેલ્સ ડેટા

શુક્રવાર- યુએસ ડ્યુરેબલ ગુડ્ઝ

Related Posts

Leave a Comment