અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં તેજી જોવા મળી હતી. સોનામાં દરેક ભાવે નવી લેવાલી ચાલુ રહી હતી, અને સોનાના ભાવ સપ્તાહને અંતે 100 ડૉલર વધીને બંધ રહ્યા હતા. ભારતીય રૂપિયામાં પણ સોનાના ભાવ ફરીથી એક લાખ રૂપિયાને પાર કરી ગયો હતો. આગામી સપ્તાહે સોનાના ભાવ ઘટશે કે વધશે? ફેડરલ રીઝર્વની બેઠકમાં ફેડના ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પછી સોનાની કેવી ચાલ રહેશે? તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થાય તો તેની સોનાના ભાવ પર કેવી અસર પડશે? તેમજ ગોલ્ડમાં ટેકનિકલી લેવલ પણ આપીશું, તો વધુ માહિતી માટે વાંચો…
સૌથી પહેલા સોના ચાંદીના ભાવની સાપ્તાહિક મુવમેન્ટ પર નજર નાંખીયે.
અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ યાની 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂપિયા 98,500 અને ચાંદી ચોરસા એક કિલોનો ભાવ રૂપિયા 96,500 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફયુચર સપ્તાહ દરમિયાન 100 ડૉલર ઊંચકાયું હતું. સપ્તાહ દરમિયાન વધીને 3448 ડૉલરની હાઈ બનાવી હતી અને ઘટીને 3232 ડૉલરની લો બનાવી હતી. આમ જોવા જઈએ તો સોનામાં હાઈ લેવલથી 200 ડૉલરનો ઉછાળો આવ્યો હતો. પણ 3400 ડૉલર ઉપર જતાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. અને સોનાનો ભાવ ઘટીને સપ્તાહને અંતે 3344 ડૉલર બંધ રહ્યો હતો. તેમ છતાં ગત સપ્તાહની સરખામણીએ 100 ડૉલર ઊંચો રહ્યો હતો.
સિલ્વર જુલાઈ ફ્યુચર સપ્તાહ દરમિયાન વધીને 33.48 ડૉલર અને ઘટીને 32.16 ડૉલર થઈ સપ્તાહને અંતે 32.91 ડૉલર બંધ રહ્યો હતો. સિલ્વરનો ભાવ સાંકડી વધઘટમાં અથડાયો હતો.
સ્પોટ ગોલ્ડ સપ્તાહ દરમિયાન વધીને 3438 ડૉલર અને ઘટીને 3237 ડૉલર થઈ સપ્તાહને અંતે 3324 ડૉલર બંધ રહ્યો હતો.
સ્પોટ સિલ્વરનો ભાવ સપ્તાહ દરમિયા વધી 33.28 ડૉલર અને ઘટીને 32.16 ડૉલર થઈ સપ્તાહને અંતે 32.72 ડૉલર બંધ રહ્યો હતો.
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોક્લ ટેરિફનો અમલ 90 દિવસનો પોઝ આપ્યો છે. તે પછી ઘણા બધા દેશો અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. ભારત પણ ટ્રેડ ડીલ માટે કેટલીક શરતો મુકી છે અને લગભગ ફાઈનલ સ્ટેજમાં પહોચી જશે. બીજી તરફ ચીન અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે ટેબલ પર આવશે, તેવી આશા છે. પણ હાલ આ માત્ર અપૌચારિક વાત છે. તેમ છતાં ટ્રમ્પે 10 ટકા ટેરિફનો અમલ કરી દીધો છે. એટલે કે અમેરિકામાં આયાતી તમામ વસ્તુ 10 ટકા મોંઘી આવી રહી છે. જેથી અમેરિકામાં આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધશે અને લોકોની ખરીદશક્તિમાં ઘટાડો થશે. જે લાંબાગાળે અમેરિકાના અર્થતંત્ર પર નેગેટિવ અસર કરશે.
બીજી તરફ જીઓ પોલિટિકલ ટેન્શન છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ નિવડી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ભૂમિકા ભજવી હતી, પણ તેઓ હવે થાકી ગયા છે.
અમેરિકામાં ફેડરલ રીઝર્વની બેઠક મળી હતી. જેમાં ફેડ રેટને યથાવત રાખવામાં આવ્યા હતા. ટ્રમ્પનું પ્રેશર હોવા છતાં ફેડ ચેરમેન જેરોમ પોવેલ ફેડ રેટ ઘટાડ્યો નથી. જેરોમ પોવેલ જણાવ્યું છે કે જ્યાં સુધી મોંઘવારી અને રોજગારીના આંકડા ઊંચિત નહી આવે ત્યાં સુધી ફેડ રેટમાં ઘટાડો કરવાની ઉતાવળ નહી કરીએ. હાલ થોભો અને રાહ જૂઓની નિતી અખત્યાર કરવી વધુ સલાહભરેલ છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટી તંત્ર આખરે ચીન સાથે ટ્રેડ વોરનો અંત લાવશે. આ સપ્તાહના અંતે બન્ને રાષ્ટો વાટાઘાટો શરૂ કરશે તેવો આશાવાદ છે. પરંતુ યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ અંગે સર્વસંમતિ સંધાતા હજી વાર લાગશે. રાતોરાત ટ્રેડ ડીલ થઈ જવાની નથી. તેના માટે બન્ને દેશ ટેરિફની ટકાવારી મામલે સંમત થશે તો ટ્રેડ ડીલ થશે.
હજુ બે પ્રશ્નોના જવાબ આવ્યા નથી. જીઓ પોલિટિકલ ટેન્શન અને ટેરિફના મામલા પછી વૈશ્વિક અર્થતંત્રને કેટલું નુકસાન થયું છે. અને તેને સાજા થવામાં કેટલો સમય લાગશે. આ પ્રશ્નોના જવાબ નથી માટે જ ગોલ્ડ એ સલામત રોકાણ તરીકે રહ્યું છે, અને દરેક ભાવે ડિમાન્ડ રહી છે.
આમ વીતેલા સપ્તાહે ગોલ્ડમાં દરેક ઘટાડામાં નવી લેવાલી ચાલુ રહી છે અને ગોલ્ડમાં દરેક ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. તેમ છતાં તેજીવાળા ખેલાડીઓનો હાથ ઊંચો રહ્યો હતો. સપ્તાહ દરમિયાન ગોલ્ડનો ભાવ 100 ડૉલર ઊંચો બંધ રહ્યો છે.
હવે આગામી સપ્તાહે ગોલ્ડમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવશે. કારણ કે 3440 ડૉલરનું લેવલ એ રેઝિન્ટન્સ લેવલ બની ગયું છે. અને નીચામાં 3300 ડૉલરનું લેવલ એ મજબૂત સપોર્ટ લેવલ બની ગયું છે. જો 3300 ડૉલરનું લેવલ તૂટશે તો 3250 અને 3200ના લેવલ બતાવી શકે છે. જો કે ગોલ્ડના ભાવ ખૂબ ઊંચા છે, જેથી હવે હાલ આ ભાવે ખરીદી કરવી વધુ મોંઘી સાબિત થશે. ગોલ્ડનો ભાવ ઘટીને 3000 ડૉલરની આસપાસ આવે ત્યારે ખરીદી કરવી વધારે યોગ્ય રહેશે. આગામી સપ્તાહે ગોલ્ડના ભાવ ઘટવા જોઈએ.
આગામી સપ્તાહે મહત્વની ઈવેન્ટ છે, તેના પર નજર રાખવી પડશે.
મંગળવારે યુએસ સીપીઆઈ ડેટા આવશે
ગુરુવારે યુએસ પીપીઆઈ ડેટા, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ અને ફેડરલ રીઝર્વ ચેરમેન જેરોમ પોવેલ વોશિગ્ટન ડીસીમાં બોલવાના છે.
અને શુક્રવારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વે આવશે.