અમદાવાદ- સોના ચાંદી બજારમાં (Gold Silver Market) સપ્તાહની શરૂઆતે ઝડપી ઘટાડા પછી ઝડપી ઉછાળો આવ્યો હતો. ગોલ્ડમાં નવેસરથી તેજી થતાં સિલ્વરનો ભાવ ઘટ્યો હતો. (Silver Rate Today) જો કે સિલ્વરમાં તેજી આગળ વધી શકી નથી. પણ ગોલ્ડમાં જોરદાર લેવાલી આવતાં સપ્તાહને અંતે ગોલ્ડનો ભાવ ફરીથી 3400 ડૉલરની સપાટી કૂદાવી ગયો હતો. (Gold Rate Today) હવે સવાલ એ છે કે….
(1) ગોલ્ડમાં શા માટે નવી જોરદાર ખરીદી આવી?
(2) આગામી સપ્તાહે ગોલ્ડમાં વધુ ઉછાળો આવશે?
(3) ટ્રમ્પ ટેરિફનો ભય વિશ્વના બજારોને કેટલો ધ્રુજાવી ગયો?
(4) ટેરિફ વોરને કારણે અમેરિકન ઈકોનોમી પર કેટલી વિપરીત અસર પડશે?
(5) યુએસ ફેડરલ રીઝર્વ કયારે ફેડ રેટમાં ઘટાડો કરશે? આ તમામ સવાલના જવાબ માટે
જૂઓ વીડિયો….
વીતેલા સપ્તાહના ગોલ્ડ સિલ્વરની કીમતોની વધઘટ
અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ (Gold Price Today) 1300 રૂપિયા વધી 1,02,500 રહ્યો હતો. અને ચાંદીનો ભાવ (Silver Price Today) 2000 રૂપિયા ઘટી 1,12,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર 3392 ડૉલરની સામે સપ્તાહની શરૂઆતમાં ઘટી 3341 ડૉલર થયો હતો, અને ત્યાંથી સપ્તાહના છેલ્લા દિવસે એક જ ટ્રેડિંગ સેશનમાં ઝડપથી ઉછળી 3415 ડૉલર થઈ અને 3413 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 21 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર 38.36ની સામે સપ્તાહની શરૂઆતે ઘટી 36.21 ડૉલર થઈ સપ્તાહને અંતે ઝડપથી ઉછળી 38.53 ડૉલર થઈ અને અંતે 37.08 ડૉલર બંધ રહ્યો હતો.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટીને 3268 ડૉલર થઈ ત્યાંથી ઉછળી 3363 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3362 ડૉલર બંધ રહ્યો હતો. નોંધનીય વાત એ છે કે ફ્યુચર અને સ્પોટના ભાવ વચ્ચે 51 ડૉલરનો તફાવત હતો. સ્પોટના ભાવ કરતાં ફ્યુચરનો ભાવ 51 ડૉલર ઊંચો હતો.
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 36.21 ડૉલર થઈ અને ત્યાંથી ઉછળી 38.35 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 37.04 ડૉલર બંધ રહ્યો હતો. ગત સપ્તાહની સરખામણીએ સિલ્વરનો ભાવ એક ડોલર કરતાં વધુનો ઘટાડો દર્શાવે છે.
સોનામાં એકાએક ઝડપી તેજી આવવાના કારણો
(1) ટ્રમ્પના ટેરિફનો વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાયો છે. ટેરિફને કારણે અમેરિકાની વિદેશી વેપાર પર ઘણી મોટી વિપરીત અસર થશે. ટ્રમ્પે 70 દેશો પર 25 ટકાથી માંડીને 40 ટકા સુધીને ટેરિફ લાદ્યો છે. જેને કારણે અમેરિકા આવતી તમામ ચીજવસ્તુઓ મોંઘી આવશે અને અમેરિકાના બજારમાં તે ખૂબ ઊંચા ભાવે વેચાશે. આથી અમેરિકામાં જ ફુગાવો વધવાની ધારણા છે. બીજુ ટ્રમ્પના ટેરિફને કારણે દરેક અમેરિકન પરિવારને વાર્ષિક 2400 ડોલરનું નુકસાન થશે. એટલે કે અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થશે. જ્યારે શ્રીમંત પરિવારોને 5000 ડૉલરના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ સમાચાર પાછળ ગોલ્ડમાં નવેસરથી લેવાલી આવી હતી અને ગોલ્ડના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.
(2) ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે અને રશિયા સાથેની દોસ્તીને કારણે વધારાની પેનલ્ટી લગાવી છે. આ ટેરિફ અને પેનલ્ટી એક ઓગસ્ટથી લાગુ થવાના હતા. પણ ટ્રમ્પે પહેલી ઓગસ્ટે જ જાહેરાત કરીને સાત ઓગસ્ટથી લાગુ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ પ્રેશર ટેકનિક છે, કે ભારત ઝડપથી અમારી સાથે ટ્રેડ ડીલ કરી લે. પણ ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પણ અન્ય દેશોની સરખામણીએ ભારત પર લગાવેલ ટેરિફનો દર અને પેનલ્ટી વધારે છે. ભારતથી અમેરિકામાં 86 બિલિયન ડૉલરની નિકાસ પર વિપરીત અસર પડશે. જેનો ગભરાટ બજારમાં છવાયેલો છે. નિકાસકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આમ ટેરિફ વોરને કારણેથી વિશ્વના દેશોની ઈકોનોમી પર નેગેટિવ અસર પડશે. જેથી ગોલ્ડમાં નવેસરથી બાઈંગ આવ્યું હતું.
(3) કેનેડા, અમેરિકાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે. જે યુએસ નિકાસના લગભગ 17 ટકા હિસ્સો ધરાવે છે. કેનેડા 35 ટકાના ઊંચા ટેરિફનો સામનો કરી રહ્યો છે. દરમિયાન ભારતીય આયાતમાં 25 ટકાનો વધારો થયો છે. તાઇવાનની નિકાસ પર 20 ટકા કર લાદવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકન ઉત્પાદનો પર 30 ટકા ટેરિફનો સામનો કરવો પડશે અને સ્વિસ માલ પર 39 ટકા ડ્યુટી લાગશે. આ તો કેટલાક ઉદાહરણો છે. પણ આ બધા દેશોની નિકાસમાં ઘટાડો થશે. જેની સીધી અસર અમેરિકાના વિદેશ વેપાર પર થશે. આ જ કારણને લઈને ગોલ્ડમાં સેફ હેવન ડિમાન્ડ નીકળી છે.
(4) ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત રાખ્યા છે અને ફેડ ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરમાં સંભવિત દર ઘટાડાની આસપાસ અનિશ્ચિતતા રજૂ કર્યા પછી બુધવારે સોનામાં નોંધપાત્ર વેચવાલી આવી હતી અને સોનાના ભાવ ઘટ્યા હતા. “અમે સપ્ટેમ્બર વિશે કોઈ નિર્ણય લીધો નથી,” પોવેલે સેન્ટ્રલ બેંકના નિર્ણય પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પરંતુ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર, અર્થતંત્રએ જુલાઈમાં ફક્ત 73,000 નોકરીઓનું સર્જન કર્યું હતું. વધુમાં, મે અને જૂન માટે કુલ રોજગાર વૃદ્ધિમાં 258,000નો ઘટાડો થયો હતો. સુધારેલા ડેટાના આધારે, જૂનમાં ફક્ત 14,000 અને મે મહિનામાં 19,000 નોકરીઓનું સર્જન થયું હતું. આમ લેબર માર્કેટના ડેટા નબળા આવતાં રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનામાં નવેસરથી લેવાલી કાઢી હતી. લેબર માર્કેટના નબળા ડેટા પછી હવે એવું મનાય છે કે સપ્ટેમ્બરમાં જ ફેડ રેટ કટ કરવો પડશે. આવી સ્થિતિને પગલે સોનાના ભાવ ઝડપી ઉછળ્યા હતા.
(5) વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર, 2025 ના પ્રથમ છ મહિનામાં ગોલ્ડ ETF માં રોકાણ માંગ 2020ની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ. તેમ છતાં, કુલ ETF હોલ્ડિંગ પાંચ વર્ષ પહેલાના સ્તરથી ઘણું નીચે છે. જેથી ગોલ્ડમાં હજી વધુ ખરીદી આવવાની શકયતાઓ છે.
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ કેવું રહેશે
આગામી સપ્તાહે ટ્રમ્પના ટેરિફનો ભય વધારે રહેવાનો છે. અમેરિકામાં જ ટ્રમ્પના ટેરિફનો વિરોધ થશે. રોજગાર ડેટા નબળા આવતાં તેમજ આગામી દિવસોમાં ટેરિફને કારણે અમેરિકન ઈકોનોમીને નુકસાન થશે તેનો કયાસ લગાવાઈ રહ્યો છે. આથી સલામત રોકાણ તરીકે ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદી ચાલુ રહેશે.
શુક્રવારે નબળા રોજગાર ડેટા અને ટેરિફના ભયથી વોલ સ્ટ્રીટમાં કડાકો બોલી ગયો હતો. ડાઉ જોન્સ 542 પોઈન્ટ અને નેસ્ડેક 472 પોઈન્ટ તૂટ્યા હતા. જે ગોલ્ડ સિલ્વરમાં તેજીના સુચક છે. આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહેશે.
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 3350 ડૉલરએ સપોર્ટ લેવલ બની ગયું છે. અને હવે ફરીથી 3400 ડૉલરની ઉપર નીકળ્યું છે, જે તેજી દર્શાવે છે. અને આગામી ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડ 3440 ડૉલરનું લેવલ કૂદાવશે તો 3509 ઑલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શે તેવી સંભાવના વધી ગઈ છે.
સિલ્વર 39 ડૉલર ઉપર ચાલી શકી નથી. અને નીચામાં 36 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલનું કામ કરશે. હવે જો 39 ડૉલર કૂદાવશે તો સિલ્વર 41 ડૉલર સુધી જઈ શકે છે. જોકે ટેકનિકલી સિલ્વર નબળી પડી છે.
બીજી એક નોંધનીય વાત એ રહી છે કે ગોલ્ડની કીમતો ઘટે ત્યારે વોલ્યુમ ઘટી જાય છે, પણ ગોલ્ડના ભાવ જ્યારે વધવાનું શરૂ કરે ત્યારે ટ્રેડિંગ વોલ્યુમ વધી જાય છે.
ડૉલર સામે ભારતીય રૂપિયા વધુ તૂટી 87.50 થયો છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ સિલ્વરના ભાવ વધ્યા પણ તેની ભારતીય રૂપિયામાં સોના ચાંદીના ભાવ પર ઝાઝી અસર પડી નથી. આગામી સપ્તાહે ભારતીય રૂપિયામાં સોનાનો ભાવ 1,02,000થી 1,04,000ની રેન્જમાં રહેશે. તેમજ ચાંદીનો ભાવ 1,12,000થી 1,14,000ની રેન્જમાં અથડાશે.
Top Video News
શેરબજારનો સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે વધુ ઘટશે…
આગામી સપ્તાહની મહત્વની ઈવેન્ટ્સ
મંગળવાર– સર્વિસ પીએમઆઈ ડેટા
બુધવાર– 10 વર્ષ યુએસ ટ્રેઝરી ઓક્શન ડેટા
ગુરુવાર- બેંક ઓફ ઈંગ્લેન્ડ મોનેટરી પૉલીસી નિર્ણય, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા