અમદાવાદ– સોનાચાંદી બજારમાં (Gold Silver Market) ભારે કડાકો બોલી ગયો છે. અમદાવાદમાં 999 ટચ સોનાનો ભાવ (Gold Rate Today) પ્રતિ દસ ગ્રામે રૂપિયા 2500 તૂટી રૂપિયા 96,500 થયો છે. ચાંદીનો ભાવ (Silver Rate Today) એક કિલોગ્રામે રૂપિયા 1500 તૂટી રૂપિયા 95,000 રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડની કીમતોમાં (Gold Price Today) 100 ડૉલરથી વધુનો કડાકો બોલી ગયો છે. સોનાના ભાવ તૂટવા પાછળ અતિમહત્વના ત્રણ કારણો રહ્યા છે. તેમજ શું સોનાના હજી ભાવ વધુ ઘટશે? જૂઓ વીડિયો…
અમદાવાદ સોનાચાંદી બજારમાં સોનાનો ભાવ વધુ વધીને 1,01,500ની હાઈ બનાવી હતી, ત્યાંથી જોવા જઈએ તો સોનાના ભાવમાં દસ ગ્રામે રૂપિયા 5,500નું મસમોટુ ગાબડું પડી ચુક્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફયુચર 101 ડૉલર તૂટી 3243 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે અને સ્પોટ ગોલ્ડનો ભાવ 82 ડૉલર તૂટી 3242 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.
સોનાના ભાવ ઘટવાના ત્રણ અતિમહત્વના કારણો
(1) અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો અંત આવી ગયો છે. જીનીવામાં ચીન અને અમેરિકાના અધિકારીઓની ચર્ચાને અંતે ટેરિફમાં ઘટાડો કરવા પર સંમતિ સંઘાઈ ગઈ છે. અને ઘટાડેલા ટેરિફના દર 90 દિવસ સુધી રહેશે. બન્ને દેશોએ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું હતું. ટેરિફને મામલે ચીન અને અમેરિકા વચ્ચે સહમતી સંઘાઈ તે સમાચારે વિશ્વને ચોંકાવી દીધા હતા.
(2) રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયર થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બન્ને એક સાથે બેસીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજી થયા છે.
(3) ભારત પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ યુદ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાનના ડીજીએમઓના પ્રસ્તાવ પછી ભારતે પોતાની શરતો મુકી હતી, તે શરતોને આધીન ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું છે.
આ ત્રણેય કારણોને પગલે હવે જીઓ પોલીટિકલ ટેન્શનનો અંત આવ્યો છે. તેમજ વિશ્વની બે મહાસત્તા ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત થયું છેે. આથી ડોલરમાં ઉછાળો આવ્યો હતો. ડોલર ઈન્ડેક્સ વધીને 101.45 પર ટ્રેડ કરી રહ્યો છે. આમ સોના ચાંદીમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અને સોનાના ભાવ તૂટ્યા હતા.
આગામી દિવસોમાં સોનાના ભાવ વધુ ઘટશે? ગોલ્ડમાં આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે 3200 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલ આવે છે, જો 3200 ડૉલર તૂટશે તો 3100 ડૉલર સુધી આવી શકે છે. અને ભારતીય રૂપિયા પ્રમાણે સોનાનો ભાવ 90,000 સુધી જઈ શકે છે. પરંતુ સોનું એ સલામત રોકાણ છે, જેથી દરેક ઘટાડે તેમાં લેવાલી આવતી હોય છે. જેથી આગામી દિવસોમાં ઘટાડો આવે તો તે ખરીદી કરવાની તક મળી છે, તેમ સમજી લેવુ.