Vibrant Gujarat 2024: ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પર સેમિનાર ઉદ્યોગસાહસિકોને આકર્ષિત કરશે

by Investing A2Z

ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS સુપ્રીત સિંહ ગુલાટીએ મંગળવારે જાહેરાત કરી હતી કે 10-12 જાન્યુઆરી 2024 દરમિયાન “ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર 10મી જાન્યુઆરી 2024ના રોજ મહાત્મા મંદિરના હોલ નં.3 ખાતે યોજાશે.

સુપ્રીત સિંહ ગુલાટીના જણાવ્યા મુજબ આ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી સેમિનાર રોકાણ અંગેની ચર્ચાઓને સમજવા અને તેમાં જોડાવા માટે હિતધારકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. સેમિનાર વિશે વિગતો જણાવતા તેમણે કહ્યું કે સેમિનારમાં મુખ્ય સંબોધનો, પ્રેઝન્ટેશન, પેનલ ડિસ્કશન, નોલેજ શેરીંગ, વિચારમંથન અને નેટવર્કિંગ સેશનનો સમાવેશ થાય છે. વધુમાં, સેમિનારમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સંગઠનો, સંભવિત રોકાણકારો અને વ્યાપારી સંસ્થાઓના 500 થી વધુ સહભાગીઓ જોડાશે.

ઈવેન્ટની શરૂઆત ઉદ્ઘાટન સત્ર સાથે થશે, ત્યારબાદ પેનલ ડિસ્કશન અને થિમેટીક સેશન હશે. તેમણે ઉમેર્યું કે ઉદ્ઘાટન સત્રને ધોલેરા ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોકાણની સંભાવનાઓ અંગેની રજૂઆત સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારના મુખ્ય નિર્ણય લેનારાઓ દ્વારા સંબોધિત કરવામાં આવશે. ‘ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીઝ: ફ્યુચર ઑફ અર્બનાઇઝેશન’ પર યોજાનાર પેનલ ડિસ્કશનમાં શહેરીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ, સરકાર અને ઉદ્યોગ અગ્રણીઓ વધુ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને આયોજનબદ્ધ શહેરોની સ્થાપના માટે નવીન ઉકેલોની શોધ કરશે.

પેનલ ડિસ્કશન બાદ “ધોલેરા: ઇન્ડિયાઝ ફર્સ્ટ સેમિકોન સિટી ઇન મેકિંગ” વિષય પર સત્ર યોજાશે. આ સત્ર ધોલેરામાં ESDM ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસિત થવાની સંભાવનાઓનું અન્વેષણ કરશે, ભારત અને વિદેશ બંનેમાંથી ઉદ્યોગસાહસિકોને આકર્ષિત કરશે અને સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ માટે મજબૂત ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપશે.

તેમણે જણાવ્યું હતું કે આ સેમિનાર વિશ્વ કક્ષાના સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરાના માનનીય વડાપ્રધાનના વિઝન અને તેની વિશિષ્ટ વિશેષતાઓ દર્શાવશે, સાથે ધોલેરાની વિશ્વના નકશા પર રોકાણના સૌથી અનુકૂળ સ્થળ તરીકે સ્થાન મેળવવાની સજ્જતા દર્શાવશે. તે સેમિકન્ડક્ટર ફેબ, ડિસ્પ્લે ફેબ અને OSAT સુવિધાઓની સ્થાપના માટે મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ આવશ્યકતાઓ પર ભાર સાથે ધોલેરાને ભારતના પ્રથમ સેમિકોન તરીકે પણ પ્રદર્શિત કરશે.

તેમણે વધુમાં જણાવ્યુ કે સેમિનાર ઉપરાંત ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી, ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને માંડલ બેચરાજી SIR સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેવેલિયનના હોલ 10માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં ભાગ લેશે. 9 જાન્યુઆરી, 2024 ના રોજ યોજાનાર ટ્રેડ શૉમાં ધોલેરા SIR ના VR-ટૂર માટે વર્ચ્યુઅલ રિયાલિટી ઝોનની સ્થાપના કરવામાં આવશે.

સુપ્રીત સિંહ ગુલાટીએ તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ સત્રમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીને પોતાની વાતનું સમાપન કર્યું હતું. વધુ વિગતો અને નોંધણી માટે, કૃપા કરીને https://www.vibrantgujarat.com/ ની મુલાકાત લો.

You will also like

Leave a Comment