
લદાખના પૂર્વ વિસ્તારમાં આવેલ ગલવાન ઘાટીમાં સોમવારને 15 જૂને ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં એક કમાન્ડિંગ ઓફિસર સહિત ભારતીય સેનાના 20 જવાન શહીદ થયાં છે. છેલ્લાં પચાસ વર્ષમાં બન્ને સેનાઓ વચ્ચે આ સૌથી મોટી અથડામણ થઈ છે. સેનાએ મંગળવારે સવારે કહ્યું હતું કે એક અધિકારી અને બે સૈનિક શહીદ થયાં છે, પણ સાંજે સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે ભારતીય સેનાએ સ્વીકાર પણ કર્યો હતો કે ચીની સેના સાથેના હિંસક સંઘર્ષમાં 20 જવાનો શહીદ થયાં છે.
સેનાના 20 જવાન શહીદ થયાં, તેમાં 17 જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ગલવાનની ઘાટીમાં શૂન્ય તાપમાન હતું, ગંભીર ઘાયલ હોવાથી આ 17 જવાનોનું મોત થયું હતું. સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. ચીનના 43 સૈનિકોને પણ ભારે નુકસાન થયું હતું, તેમાં કેટલાક મૃત્યુ પામ્યાં હતાં, તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયાં છે.

15 જૂનને સોમવારે ગલવાન નદીની પાસે બન્ને પક્ષના સૈનિકો વચ્ચે ફરીથી છૂટાં હાથની મારામારી થઈ હતી. સૂત્રોના કહેવા પ્રમાણે આ અથડામણમાં કેટલાક ભારતીય સૈનિકો નદીમાં પડી ગયાં હતાં. ચીનના સૈનિકોએ પાછા હટવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર બાદ 16 બિહાર રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં ભારતીય સેનાએ શસ્ત્રો વગરની એક ટૂકડી ચીનની સેના પાસે મોકલી હતી. પરંતુ ચીની સેનાએ પાછળ હટવાની ના કહી દીધી હતી અને જાણીજોઈને તંગદિલી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ચીની સૈનિકો દ્વારા કરાયેલ હૂમલામાં કર્નલ સંતોષ બાબુ ઘાયલ થયાં હતાં. ભારતીય સૈનિકોને ચીનની સેના સાથે લઈ ગઈ હતી, પણ તે પછી ઘાયલ સૈનિકોને પાછા આપ્યાં હતાં. લગભગ 40 મીનીટ પછી આ જ યુનિટ પાછું આવ્યું, અને ત્યાર પછી સ્થિતિ કાબૂ બહાર જતી રહી. ભારતીય સૈનિકોએ ચીની પોસ્ટ પર ક્રૂરતા સાથે હૂમલો કર્યો અને લગભગ 55-56 ચીની સૈનિકોને ગંભીરરૂપે ઘાયલ કર્યા હતા. તેમાં ચીનના કેટલાક સૈનિકો માર્યા ગયાં હતાં. પરંતુ ચીન તરફથી હજી સુધી માર્યાં ગયેલાં સૈનિકોની ચોક્કસ સંખ્યા પર સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ અથડામણ મોડી રાત સુધી ચાલી હતી. બન્ને સેનાઓ એકબીજા પર પથ્થરો ફેંકતાં રહ્યાં હતાં. જેને કારણે તમામ સૈનિકો ઘાયલ થયાં હતાં. આ અથડામણ સાડા ત્રણ કલાક ચાલી હતી. અડધી રાતે આ લડાઈ પૂર્ણ રીતે બંધ થઈ ગઈ, સૂત્રોના કહેવા પ્રમાણે કેટલાક સૈનિકોના શબ નદીમાંથી બહાર કઢાયાં હતાં, અને કેટલાક ઘાયલો સવાર સુધી ત્યાં પડ્યાં રહ્યાં. મોડીરાતે ચીની હેલિકોપ્ટર લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર જોવા મળ્યાં હતાં, જાણવા મળ્યાં મુજબ તે હેલિકોપ્ટર ચીની સૈનિકોના મૃતદેહને એરલિફટ કરવા આવ્યાં હતાં.
ભારત અને ચીન વચ્ચેના આ હિંસક અથડામણ પછી ચીનના વિદેશપ્રધાન વાંગ યી એ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી. વાંગે જયશંકરને કહ્યું હતું કે ભારત અને ચીને તેના નેતાઓ દ્વારા તૈયાર થયેલ મહત્વપૂર્ણ સહમતિનું પાલન કરવું જોઈએ. વાંગે એ વાત પર ભાર મુક્યો હતો કે મતભેદોને દૂર કરવા માટે બન્ને પક્ષોએ હાલના તંત્ર દ્વારા સંચાર અન સમન્વય મજબૂત કરવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથેના સંબધો અંગે ચર્ચા કરવા માટે 19 જૂને સાંજે 5 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક મળશે, જેમાં પીએમ વાત કરશે.

ચીન કોરોના વાયરસ ફેલાવાના મામલે વિશ્વનું ધ્યાન બીજી તરફ વાળવા માટે તે ભારત સામે સીધી રીતે ઘર્ષણમાં ઉતર્યું છે. અમેરિકાથી માંડીને યુએનએ ભારત અને ચીનને શાંતિથી ચર્ચા કરીને ઉકેલ લાવવાની વાત કરી છે. ચીને નેપાળને ઉશ્કેરીને ભારત વિરુદ્ધ કર્યું છે. હોંગકોંગમાં પણ ચીન વિરોધી દેખાવો થયાં છે.

હાલ ભારતની ત્રણેય બાજુની સરહદે અશાંતિ છે, અને ભારતમાં કોરોનાનો હાહાકાર છે. આ સ્થિતિમાં ભારત ઝઝૂમી રહ્યો છે. તેમ છતાં ભારતીય જવાન પર નાઝ છે કે તેઓ દુશ્મનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. 21મી સદી ભારતની છે, તેને કોઈ રોકી શકશે નહીં. 1962નું ભારત અલગ હતું અને હાલનું ભારત અલગ છે. ભારતના પડોશી રાષ્ટ્રોએ આટલું સમજી લેવાની જરૂર છે.