
રાતોરાત રાજ્યપાલ કોશિયારીએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી દીધું, રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લીધું, વહેલી સવારે સીએમ પદે દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના શરદ પવારના ભત્રીજા અજીત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધાં. ત્યારે બધાને એમ થયું કે જોરદાર થયું બાકી… પણ બહુમતી કેવી રીતે હાંસલ થશે, તે મોટો સવાલ હતો. પછી તો એનસીપીને તોડવાની હિલચાલ થઈ, અમિત શાહ સૌથી મોટા ચાણકય બન્યાં હોય તેવી રીતે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયાં. તે વખતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના તમામ નેતાઓ અવાક્ બની ગયાં હતાં, આ શું થઇ ગયું… શરદ પવાર જેવા સીનીયર લીડર અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને સુદ્ધાં ગંધ ન આવી. રાતોરાત સરકાર બની ગઈ, રાજ્યપાલ પર સવાલો ઉઠ્યાં, કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ પર પણ સવાલો થયા, લોકશાહીનું ચીરહરણ કર્યું તેવા આક્ષેપ થયાં. આ તો રાજકારણ છે, અહીંયા કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો દુશ્મન નથી સત્તા માટે બધા મિત્રો, સત્તા છોડ્યાં પછી બધાં દુશ્મન.





મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ નુકસાન ભાજપને થયું છે. તે 105 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં વિધાનસભામાં વિરોધપક્ષમાં બેસવું પડશે. શિવસેના સાથે સાથ છૂટી ગયો, સાથે બેસીને વાતચીત થઈ શકી હોત. પણ બન્ને સત્તાના મદમાં રહ્યાં, અને વાતચીત જ ન કરી. અજિત પવાર સાથે મળીને સરકાર બનાવી તો તેમાં પણ નિષ્ફળતા મળી અને ભાજપની ઈમેજ ખરડાઈ. મહારાષ્ટ્રમાંથી ભાજપનું શાસન ગયું, તે નફામાં નુકશાન થયું.

