કોરોનાની કોવોક્સીન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ છે, અને તેનું ક્લિનિકલ પરીક્ષણ શરૂ પણ થઈ ગયું છે. દરરોજ 20 વોલેન્ટિયર્સને રસી આપવામાં આવશે. ભારત બાયોટેક દ્વારા બનાવેલ કોવેક્સિનનું થર્ડ ટ્રાયલ ચાલી રહ્યું છે. જે માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ચાર સભ્યોની કમિટી બનાવી છે. અને થર્ડ ટ્રાયલ પર સતત નજર રાખશે. જેને રસી આપી છે, તેમનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછું સંક્રમણ થાય એટલું જ નહિ, સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળી રહે તે માટે પૂરતા બેડ, તબીબો, દવાઓ-સાધન સામગ્રીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સંક્રમિતો આના પરિણામે જલ્દીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે જાય તેવી આપણી નેમ છે, એમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યપ્રધાને એમ પણ જણાવ્યું કે કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે. તેમણે કોરોના વેકસીનની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપતાં જણાવ્યું કે, આ વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર કામ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યપ્રધાને આપી હતી.

