સતત 16 દિવસમાં લિટરે પેટ્રોલમાં રૂ.10.30 અને ડીઝલમાં રૂ.11.46નો જંગી ભાવ વધારો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે, અને જનતા પર બોજો નાંખી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતાં હોય અને ભારતની ઓઈલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો કરે છે, વધુમાં ગુજરાત સરકારે 15 જૂને પેટ્રોલ ડીઝલમાં લિટરે રૂપિયા બેનો વધારો કર્યો. જે ગુજરાતની જનતા માટે આંચકા સમાન નિર્ણય કર્યો છે. સીધી વાત છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા હોય તો મોંઘવારી વધે જ. માટે જનતાએ મોંઘવારીને સહન કરવા તૈયાર રહેવું પડશે.

સરકારનું ગણિત છે કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નીચા છે. આ વાત યોગ્ય છે, પણ હાલની સ્થિતિ કપરી છે. અઢી મહિનાના લૉક ડાઉન પછી અનલૉક-1માં પણ ગુજરાતમાં 50થી 70 ટકા વેપારધંધા બંધ હાલતમાં છે અથવા તો 50 ટકા ઉત્પાદનક્ષમતાએ કામ કરી રહ્યા છે. કોઈની પાસે નવા ઓર્ડર જ નથી, જૂના પેમેન્ટ કોઈ વેપારી કે ઉદ્યોગપતિઓ કરતાં નથી, શ્રમિકો નથી, જેથી ઉત્પાદનએકમો અશંતઃ બંધ જેવી સ્થિતિમાં છે. વેપારધંધામાં નવી ડિમાન્ડ જ નથી. બીજી તરફ નોકરી કરતાં કર્મચારીઓના પગારમાં ત્રણ મહિના સુધીનો 10 ટકાથી માંડીને 50 ટકા સુધીનો કાપ છે. આવી કપરી સ્થિતિમાં જનતાને આર્થિક રાહત આપવાના સ્થાને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને સરકાર દયાહીન થઈ છે અને આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અયોગ્ય સમયનો છે.

સતત 16 દિવસથી પેટ્રોલમાં લિટરે રૂપિયા 8.30નો વધારો થયો છે અને વત્તા ગુજરાત સરકારે વધારેલા રૂ.2 મળીને કુલ રૂ.10.30નો વધારો થયો છે.
તેવી જ રીતે 16 દિવસથી ડીઝલમાં લિટરે રૂપિયા 9.46નો વધારો થયો છે અને વત્તા ગુજરાત સરકારે વધારેલા રૂ.2 મળીને કુલ રૂ.11.46નો વધારો થયો છે.


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન એમ વિરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે મોદી સરકારનો આ નિર્ણય અયોગ્ય છે. અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ ગયું છે, લોકોની આવક ઘટી છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આવ ક્રૂર નિર્ણય ન લેવો જોઈએ.
