
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શેરહોલ્ડરોને સચેત કરતા કહ્યું છે કે શેરબજારની હાલત ભારતના અસલી અર્થવ્યવસ્થા અનુસાર જોવા મળતું નથી. આથી આગામી દિવસોમાં શેરબજારમાં ઘટાડો આવી શકે છે.

સીએનબીસી આવાઝને આપેલ એક મુલાકાતમાં શક્તિકાંત દાસે કહ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોતા સિસ્ટમમાં જંગી નાણાનો પ્રવાહ છે. માટે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. પણ અસલમાં જોવા જઈએ તો વાસ્તવિકતા અલગ છે. નિશ્વિતરૂપે તેમાં ઘટાડો આવશે. પણ આ ઘટાડો કયારે આવશે તે હાલ કાંઈ કહી શકાય તેમ નથી.
રોયટર્સના આંકડામુજબ આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 35.2 ટકા અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 37.1 ટકા વધ્યા છે.

21 ઓગસ્ટના રોજ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 38,434 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 11,371 બંધ થયો હતો. બીજી તરફ અમેરિકાનો ડાઉ જોન્સ દરરોજ નવી હાઈ બતાવી રહ્યો છે. વિશ્વના માર્કેટ પણ મજબૂત છે. આમ વૈશ્વિક માર્કેટની તેજી પાછળ ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ છે. એફઆઈઆઈ મે, જૂન અને જુલાઈ મહિનામાં નેટ બાયર રહી છે. અને તે ઓગસ્ટ મહિનામાં પણ નેટ બાયર છે, આથી શેરબજારમાં મંદી કયાથી થાય.
હવે બીજો સવાલ એ છે કે ભારતીય ઈકોનોમીના ફંડામેન્ટલ્સ નબળા છે, તે વાત સ્વીકાર્ય છે. પણ ફોરેન ફંડોને ભારતીય ઈકોનોમીમાં વિશ્વાસ છે, જેથી તેઓ નેટ બાયર છે. ત્રીજી વાત ભારત-પાકિસ્તાન-ચીન-નેપાળ- અમેરિકા વચ્ચે સરહદ પર તંગદિલી છવાયેલી છે, તેમ છતાં શેરબજારમાં તેજીનો માહોલ છે. જે વાત પણ ગળે ઉતરે તેવી નથી. ચોથી વાત સોનાચાંદીમાં તેજી થાય ત્યારે શેરબજાર ઘટતું હોય છે. પણ આ વખતે સોનાચાંદી અને શેરબજારમાં સાથે તેજી થઈ છે. પાંચમી વાત સ્થાનિક નાણાસંસ્થાઓનું પ્રોફિટબુકિંગ આવ્યું હતું, જે બધુ ચવાઈ ગયું છે અને શેરબજારમાં તેજી થઈ છે.

સેન્સેક્સ (38,434)- ટેકનિકલી જોવા જઈએ તો શેરબજાર સ્ટ્રોંગ સ્થિતિમાં છે. સેન્સેક્સ 38,434 બંધ હતો. જે 52 વીક હાઈ 42,273 અને 52 વીક લો 25,638 થયો છે. સેન્સેક્સ 38,700 કૂદાવીને ઉપર બંધ આવશે તો જ તેજી આગળ વધશે. અન્યથા ઉછાળે વેચનારની જીત થશે. સેન્સેક્સ ભલે સ્ટ્રોંગ સ્થિતિમાં હોય પણ શેરબજારમાં તેજી છતરામણી છે, માટે દરેક ઉછાળે વેચનાર જ ફાવશે. આ ઈન્ડેક્સના મથાળે નવી ખરીદી ટાળવી.
નિફટી (11,371)- નિફટીમાં 52 વીક હાઈ 12,430 અને 52 વીક લો 7,511 છે. આગામી દિવસોમાં નિફટી 11,500 ઉપર બંધ આવે તો જ તેજી આગળ વધશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે.
ટેકનિકલી શેરબજાર મજબૂત છે, પણ ફંડામેન્ટલ્સ નબળા છે. રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સાચા પડશે તે સવાલ શેરબજારમાં ચર્ચાઈ રહ્યો છે.