ગાંધીનગર- ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે(Gujarat Health Minister Hrishikesh Patel) આજે બુધવારે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક 2025 રજુ કર્યું હતું.(The Gujarat Clinical Establishment (Registration and Regulation) Second Amendment Bill, 2025)
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીકથી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ, તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો, તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તારીખ 13-09-2022 ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 2021 સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે.
રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.
આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઇજા, શારીરિક ખોડ, વિકૃતિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવિધાઓ પૂરી પાડતા હોય તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે.

આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય સાત માસ એટલે કે તારીખ 30-04-2026 સુધી વધારવામાં આવશે. આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ 2021 તારીખ 13-09-2022થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા. 26-09-2022થી અમલમાં આવેલ છે.
કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા. 13-03-2024થી અમલમાં આવ્યા છે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રૂપિયા 10 હજારથી રૂ. એક લાખ સુધીના દંડની જોગવાઇ, રજિસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂપિયા 25 હજારથી લઇ રૂ. એક લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ છે.
આ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર કરાયું હતું