
હવે માથે બજેટ આવી રહ્યું છે, બજેટમાં એવું તો શું આવશે કે જેનાથી અર્થતંત્રની મંદી દૂર થાય. હા, કેન્દ્ર સરકાર 100 ટકા આગામી બજેટ ઉદ્યોગ ફ્રેન્ડલી બજેટ લઈ આવશે. નવી છૂટછાટો આપશે. કરમાળખું વધુ સરળ કરશે, વિદેશી રોકાણ માટે વધુ સરળતા કરી આપશે. આવા અનેક પગલાંઓ લેવાશે. પણ હાલ કેન્દ્રની મોદી સરકાર પર વિપક્ષો બરાબરના માછલાં ધોઈ રહ્યાં છે.

દેશની આર્થિક હાલતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલાં અરવિંદ સુબ્રમણ્યને તાજેતરમાં જ બહુ મોટું નિવેદન કર્યું હતું, અને તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા આઈસીયુ તરફ આગળ વધી રહી છે. જો તેને સંભાળવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. તે જ વખતે તેમણે આયાત નિકાસ અને સરકારની આવકના આકંડા દર્શાવ્યાં હતાં, અને કહ્યું હતું કે અર્થતંત્રની સ્થિતિ ગંભીર છે. આ સુસ્તી નથી, પણ મોટી સુસ્તી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં હવે ટ્વીન બેલેન્સ શીટની સમસ્યા છે, અને તે જ મંદીનું ખરુ કારણ છે.
ટ્વીન બેલેન્સ શીટનું સંકટ એટલે બેંકો પર નોન પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ)નું વધતું દબાણ છે. આ એનપીએમાં મોટી કંપનીઓનું મોટું દેવું પણ સામેલ છે. અત્રે એ નોંધવું જોઈએ કે અરવિંદ સુબ્રમણ્યને 2014માં ભારતની અર્થવ્યવસ્થાને લઈને ચેતવણી આપી હતી. ત્યારે તેઓ મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર હતાં.


ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લક્ષ્યથી 50 ટકા ઓછું થયું છે. નવેમ્બરમાં સીબીડીટીએ જણાવ્યું હતું કે સરકારને ડાયરેક્ટ ટેક્સની આવક અત્યાર સુધીમાં 6 લાખ કરોડ રૂપિયા રહી છે. જ્યારે સરકારે આટલા સમયમાં અંદાજે 13.5 લાખ કરોડ રૂપિયાના ટેક્સની આવકનો લક્ષ્યાંક મૂક્યો હતો. હવે સરકારે 4 મહિનામાં જ લક્ષ્યાંક હાંસલ કરવા માટે અંદાજે 7.5 લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાના છે.
રાજકોષીય ખાધના મુદ્દા પર મોદી સરકારના પગ પાછા પડ્યાં છે. ચાલુ વર્ષના પ્રથમ 7 મહિના એપ્રિલથી ઓકટોબરની વચ્ચે રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યથી વધુ રહી છે. શરુના 7 મહિનામાં રાજકોષીય ખાધ 100.32 અબજ ડૉલર રહી છે. જે બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ માટે રાખેલા લક્ષ્યાંક 102.4 ટકા હતી. એપ્રિલથી ઓકટોબરમાં સરકારને 6.83 અબજ રૂપિયાની આવક થઈ છે, સામે ખર્ચ 16.55 અબજ રૂપિયા થયો છે.

આ વર્ષે મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. ડુંગળી, ટામેટાં, શાકભાજી સહિત અને પેટ્રોલ-ડીઝલ અને સોનાચાંદીના ભાવમાં સતત વધારો થયો છે. સોનું 40,000 અને ચાંદી 50,000 થયું, ડુંગળી 140 રૂપિયે કિલો વેચાઈ, ટામેટાં 100 રૂપિયે કિલો વેચાયાં, આમ આરબીઆઈએ પણ મોંઘવારી દર વધવાની ભીતિ રજૂ કરી છે. જેથી એમ કહી શકાય કે હજી મોંઘવારી વધુ માથુ ઊંચકશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને એલર્ટ કરી છે, અને કહ્યું છે કે દેશની આર્થિક સ્થિતિ હજી વધુ બગડી શકે છે, જેથી બેંકોએ તૈયાર રહેવું જોઈએ. આવનાર નવા પડકારોનો સામનો કરવા માટે બેંકોએ પૂરી રીતે તૈયાર રહેવું.
હવે 2020ના વર્ષમાં પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે, જે અગાઉ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રને પાટા પર લાવવા માટે તમામ પાસેથી સૂચનો મંગાવ્યાં છે. તેમણે વિવિધ બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે.

ટૂંકમાં આર્થિક મંદીને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ઠોસ પગલાં ભરવા પડશે, નહીં તો આર્થિક મંદી એ ઉધઈ જેવી છે, ધીમેધીમે દેશને દેવામાં ડૂબાડીને કંગાળ કરી નાંખશે.