

ઝારખંડમાં કુલ 81 બેઠકોમાંથી 67 બેઠકોનો વિસ્તાર નક્સલગ્રસ્ત છે. 19 જિલ્લામાંથી 13 જિલ્લા અતિસંવેદનશીલ છે. જેથી ચૂંટણી પંચ માટે ઝારખંડનું મતદાન ખુબ મહત્વ ધરાવે છે. મતદાન અને મતગણતરી ખુબ શાંતિ પૂર્વક થાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડશે. આચારસંહિતા તો લાગુ પડી ગઈ છે. ઝારખંડમાં કુલ 2.26 કરોડ મતકદારો છે, અને વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયત્નશીલ રહે છે.
હવે વાત કરીએ 2014ના પરિણામની… તો 2014માં કુલ 81 બેઠકોમાંથી ભાજપને 37 બેઠકો જ મળી હતી, અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન(આજસુ)ને 5 બેઠકો મળી હતી. આમ 42 બેઠકો સાથે ભાજપ અને તેના સાથી પક્ષે સત્તા હાંસલ કરી હતી. આજસુએ 8 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા, તેમાંથી તે 5 બેઠક પર જીત મેળવી હતી. તેવી જ રીતે કોંગ્રેસે 62 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા, અને 6 બેઠકો પર જ કોંગ્રેસની જીત થઈ હતી. ઝારખંડ મુક્તિ મોરચો 79 બેઠકોમાંથી 19 બેઠકો જીતી હતી અને ઝારખંડ વિકાસ મોરચો 73 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો, અને તેમાંથી 8 બેઠકો જીતી હતી. આમ ઝારખંડમાં સ્થાનિક પાર્ટીઓનું વર્ચસ્વ વધારે છે.

બીજી તરફ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો છે. ગુજરાતમાં પણ બાય ઈલેક્શનમાં કોંગ્રેસ 6 માંથી 3 બેઠક જીતી ગયું છે. આથી કોંગ્રેસ પણ ઝારખંડમાં નવું મેદાન મારવા માટે જોરથી પ્રચાર કરશે. ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સુધી લઈ જશે. ઝારખંડમાં આદિવાસી પ્રજા વધારે છે. આદિવાસીઓને લોભાવવા માટે કોંગ્રેસ તેમના ચૂંટણી ઢંઢેરામાં મોટા વચનો આપશે. સ્થાનિક પાર્ટીઓ પણ ઝારખંડમાં પ્રચારમાં કોઈ કમી નહી રાખે. નાનાનાના પક્ષો સરકાર રચવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આથી નાના પક્ષો પણ સ્થાનિક પ્રશ્નો ઉકેલવાના વચનો આપશે.
