
2019ના નવેમ્બરમાં રિટેઈલ મોંઘવારી દર 5.54 ટકા હતો, જે ડિસેમ્બરમાં 1.81 ટકા વધીને 7.35 ટકા આવ્યો છે. ડિસેમ્બરમાં મોંઘવારી વધી તેની પાછળ શાકભાજીના ભાવમાં વધારો જવાબદાર રહ્યો છે. મોંઘવારી વધી તેમાં ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા તે જ છે. ગત મહિનામાં ડુંગળીનો ભાવ એક કિલોએ રૂપિયા 200 સુધી પહોંચી ગયો હતો., કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે આયાત કરી છે, તેમ છતાં ડિસેમ્બર મહિનાના અંતે ડુંગળીનો ભાવ રૂપિયા 150 રહ્યો હતો.

જો આમ ને આમ જાન્યુઆરીમાં પણ મોંઘવારી દર વધીને આવશે તો તે ઈકોનોમી અને આમ પ્રજા માટે વધુ બોજારૂપ રહેશે. પહેલાંના વર્ષોમાં મોંઘવારી વધતી હતી, ત્યારે મોંઘવારીના આંદોલન થતાં હતાં. પણ હવે બધાંએ મોંઘવારીને સ્વીકારી લીધી છે. સામે લોકોની આવક વધી છે, પણ મધ્યમવર્ગ વધુ પીસાઈ રહ્યો છે. ગરીબવર્ગ ખાદ્ય પદાર્થોના ભાવ વધતાં મેનુ ચેન્જ કરીને પણ રસોડાંના બજેટને જાળવી રાખે છે.


મતદાતાઓને મોંઘવારીનો મુદ્દો વધુ સ્પર્શે છે, તે વાત દરેક રાજકારણી ભૂલી જાય છે, હારી ગયાં પછી ચિંતન કરે છે, પણ પછી બહુ મોડું થઈ ગયું હોય છે. માટે હજી સમય છે મોદી સરકાર માટે 2020નો નવો સૂર્યોદય થયો છે, આર્થિક નિષ્ણાતોની પેનલ રચીને મોંઘવારીને કાબૂમાં લેવા જે કરવું પડે તે કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્ડ સ્ટેપ લેવા માટે ખૂબ જાણીતાં છે, તો મોંઘવારી ઘટાડવા માટે કેમ કશું કરતાં નથી.
