
તાલિબાનોએ એકપણ ટીપુ લોહી વહાવ્યા વગર કાબુલ પર કબજો જમાવીને રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા છે. આ શક્ય કેવી રીતે બને? તે એક મોટો સવાલ છે. અશરફ ગની તાલિબાનીઓનો મુકાબલો કરવાની જગ્યાએ દેશ છોડીને ભાગી છૂટ્યા છે. અફઘાનિસ્તાન પાસે 3.50 લાખનું સૈન્ય બળ હતું અને તાલિબાનીઓ 70 હજાર હતા. તેમ છતાં અફઘાની સૈન્યએ તાલિબાનીઓનો વિરોધ સુધ્ધા કર્યો નથી. જે રીતે તાલિબાનીઓએ કબજો જમાવ્યો તેમાં અફઘાનિસ્તાન સૈન્યની શરણાગતિ અને સૈન્યમાં ફાટફૂટ હોય તો જ આ રીતે સત્તા પરિવર્તન શક્ય બને. અફઘાનિસ્તાન સૈન્ય પાસે ફાઈટર પ્લેન અને અમેરિકા દ્વારા અપાયેલ આધુનિક હથિયાર પણ હતા, તેમ છતાં તેઓ મુકાબલો નથી કર્યો. જ્યારે તાલિબાનીઓ પાસે ફાઈટર પ્લેન કે આધુનિક હથિયાર ન હતા, તેમ છતાં તેઓ માત્ર મશીનગન અને બંદુકના સહારે કાબુલમાં ઘુસી જઈને દહેશતનો માહોલ ઉભો કરવામાં સફળ રહ્યા છે, અને કબજો જમાવી દીધો છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન પર માછલા ધોવાનું શરૂ થયું છે. અફઘાનિસ્તાનમાંથી લશ્કર હટાવ્યું પછી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે. 20 વર્ષ સુધી અમેરિકન સૈન્યએ શું કર્યું? અફઘાન સૈન્યને શું ટ્રેનિંગ આપી? અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનના સૈન્યને આધુનિક હથિયારો અને ફાઈટર પ્લેન પણ આપ્યા છે, તેનો ઉપયોગ કેમ થયો નહી. અમેરિકાના વ્હાઈટ હાઉસ બહાર દેખાવો થયા, અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટોએ જો બાઈડનની ટિકા કરી છે. જો બાઈડનનો આ નિર્ણય ભુલભરેલો ગણાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો કહ્યું હતું કે ટ્રમ્પનું શાસન યાદ આવે છે કે નહી?



