અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે બુધવારે બીજા દિવસે મજબૂતી આગળ વધી હતી. જુલાઈ ફ્યુચર એન્ડ ઓપ્શનની આવતીકાલે ગુરુવારે એક્સપાયરી આવી રહી છે. જે અગાઉ બન્ને તરફી વધઘટ રહી હતી. જો કે દરેક ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની ઉભા લેણ સરખા કરવારૂપી વેચવાલી હતી. તો બીજી તરફ દરેક નીચા મથાળે મંદીવાળાઓની કાપણી હતી. પરિણામે બેઉ તરફી વધઘટ વચ્ચે મજબૂતી રહી હતી. આજે બુધવારે આઈટી, મેટલ અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલી સાથે મજબૂતી રહી હતી, જ્યારે ઓટોમોબાઈલ, રીયલ્ટી અને એફએમસીજી શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 143 પોઈન્ટ વધી 81,481 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 33 પોઈન્ટ વધી 24,855 બંધ હતો. જો કે બેંક નિફ્ટી (Nifty Bank) 71 પોઈન્ટ ઘટી 56,150 બંધ થયો હતો. મીડકેપ ઈન્ડેક્સ (Midcap) 42 પોઈન્ટ ઘટ્યો હતો તો સ્મોલકેપ ઈન્ડેક્સ (Smallcap) 91 પોઈન્ટ પ્લસ હતો.
ભારતીય શેરબજારમાં (Share Market India) એફઆઈઆઈ (FII Net Sales) સતત વેચવાલ રહી છે. 29 જુલાઈએ એફઆઈઆઈએ રૂપિયા 4,636 કરોડનું નેટ વેચાણ કર્યું હતું. તો સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 6,146 કરોડની નેટ ખરીદી કરી હતી. આમ એફઆઈઆઈએ જુલાઈ મહિનામાં જ રૂપિયા 41,227 કરોડનું નેટ સેલ્સ કર્યું છે.
આજે બુધવારે બ્રેન્ડ ક્રૂડ વધીને 71 ડૉલર અને ક્રૂડ વધીને 68 ડૉલરની સપાટી વટાવી ગયા છે. જે નેગેટિવ ફેકટર વચ્ચે પણ ભારતીય શેરોમાં અને ખાસ કરીને ઈન્ડેક્સ બેઝ્ડ હેવી વેઈટ શેરોમાં લેવાલી હતી.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1508 શેરના ભાવ વધ્યા હતા અને 1465 શેરના ભાવ ઘટ્યા હતા.
85 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 35 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
94 શેરમાં અપર સર્કિટ અને 26 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ લાર્સન ટુબ્રો, સન ફાર્મા, તાતા કન્ઝ્યુમર્સ, એનટીપીસી અને મારૂતિ
ટોપ લુઝર્સઃ તાતા મોટર, હીરો મોટો, પાવર ગ્રીડ, બજાજ ઓટો અને સિપ્લા
આગામી દિવસોમાં બજારની ચાલ
શેરબજારમાં બીજા દિવસે મજબૂતી આગળ વધી છે. પણ હજી જોઈએ તેવો તેજીનો કરંટ નથી. ક્રૂડના ભાવ વધ્યા છે, એફઆઈઆઈ નેટ સેલર છે અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ નથી. આ બધા જ કારણો શેરબજારમાં નરમાઈ તરફી છે. અને સાથે જુલાઈ એફ એન્ડ ઓની એક્સપાયરી છે. જેથી રેન્જબાઉન્ડ રહ્યા બાદ બજાર ઘટશે. ટેકનિકલી બજાર મજબૂત છે, પણ ફંડામેન્ટલ વીક છે. માટે બજારની છેતરામણી ચાલથી સાવચેતી રહેવું જોઇએ. નિફ્ટી 24,800નું લેવલ તોડશે તો 24,500 સુધી બતાવી શકે છે. બેંક નિફ્ટી 56,500ની બંધ છે, જે વીકનેસ દર્શાવે છે. 56,500 ઉપર બંધ આવશે તો જ તેજીની આગેકૂચ જળવાશે.