અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) બે દિવસની મજબૂતી પછી આજે ગુરુવારે ઘટાડો આવ્યો હતો. નવી તેજીના નવા કારણોનો અભાવ હતો અને અત્યાર સુધી કંપનીઓના કવાર્ટર વનના જે પરિણામ આવ્યા છે તે એટલા બધા ઉત્સાહજનક આવ્યા નથી. આથી શેરોમાં દરેક ઉછાળે વેચવાલી આવી હતી. આજે આઈટી અને બેંક શેરોની રાહબર હેઠળ નરમાઈ રહી હતી. તો સામે રીયલ્ટી, મેટલ અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી જોવાઈ હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 375 પોઈન્ટ ઘટી 82,259 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 100 પોઈન્ટ ઘટી 25,111.45 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 340 પોઈન્ટ ઘટી 56,628 બંધ રહ્યો હતો.
અમેરિકા અને યુએ સ વચ્ચે ટ્રેડ ડીલના (US India Trade Deal) કોઈ સત્તાવાર સમાચાર આવ્યા નથી, કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો અનુમાન મુજબ પ્રોત્સાહક નથી. અને આજે ગુરુવારે નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી તેજીવાળા ખેલાડીઓની ભારે વેચવાલી આવી હતી અને બજાર (Share Market India) ખૂલ્યા પછી સતત ઘટીને આવ્યું હતું.
આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1433 શેરના ભાવ વધ્યા હતા અને 1503 શેરના ભાવ ઘટ્યા હતા.
આજે 71 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 19 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
89 શેરમાં અપર સર્કિટ અને 40 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ તાતા કન્ઝ્યુમર, તાતા સ્ટીલ, હિન્દાલકો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટ્રેન્ટ
ટોપ લુઝર્સઃ ટેક મહિન્દ્રા, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ ટેકનોલોજી, વિપ્રો અને એસબીઆઈ લાઈફ
ગ્લોબલ માર્કેટના સંકેતો પોઝિટિવ હતા. અમેરિકન સહિત યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. એશિયામાં હોંગકોંગ સિવાય તમામ એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી હતી. પણ તેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ પોઝિટિવ અસર પડી ન હતી.
વિપ્રોનો પ્રથમ ત્રિમાસિકગાળાનો નફો 10.89 ટકા વધીને 3330 કરોડ રૂપિયા આવ્યો હતો. આવક 0.77 ટકા વધી હતી. કંપનીની બોર્ડે પ્રતિશેર 5 રૂપિયા પ્રથમ વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે અને તેના માટે રેકોર્ડ ડેટ 28 જુલાઈ નક્કી કરાઈ છે. વિપ્રોના પરિણામ પછી વિપ્રોમાં ભારે વેચવાલી રહી હતી અને શેરનો ભાવ 1.54 ટકા તૂટી રૂપિયા 258.75 બંધ રહ્યો હતો.
પતંજલિ ફૂડ્સે પ્રથમ વાર બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ દર એક શેરે બે બોનસ શેર આપવાનું જાહેર કર્યું છે.
આવતીકાલ 18 જુલાઈને શુક્રવારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થનાર છે.
આજના બજારમાં મીડકેપ ઈન્ડેક્સ 101 પોઈન્ટ ઘટ્યો હતો. જો કે સ્મોલકેપ ઈન્ડેક્સ 164 પોઈન્ટ પ્લસમાં બંધ હતો.
આગામી દિવસોમાં બજાર કેવું?
આગામી દિવસમાં શેરબજાર થોડીક ચિંતાવાળું રહેશે. સાંકડી રેન્જમાં અથડાશે. કારણે તે છેલ્લા પંદર દિવસથી માર્કેટ બે તરફી રેન્જમાં અથડાઈ ગયું છે અને ટેકનિકલી રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થઈ શક્તા નથી. હાલ તેજીના નવા કારણોનો અભાવ છે. હા બજાર અત્યારે યુએસ અમેરિકાની ટ્રેડ ડીલ પર નજર માંડીને બેઠું છે. ટ્રેડ ડીલની જાહેરાત નહી થાય ત્યાં સુધી બજારમાં લેવાલી વેચવાલી એમ બેઉ તરફી કામકાજ રહેશે.
Top Trending News
ગુજરાતના સાંસદો MPLAD ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, આનો ઉપાય ખરો…
ટેકનિકલ લેવલ
ટેકનિકલી જોવા જઈએ આજે ગુરુવારે સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી, સ્મોલકેપ ઈન્ડેક્સમાં કલોઝિંગ પોઝિટિવ જ રહ્યા છે. સપોર્ટ લેવલની નીચે બંધ નથી આવ્યા, જેથી તે મજબૂત છે. બજાર માત્ર તેજીના કારણની રાહ જોઈને બેઠું છે. નિફ્ટીમાં 25,100નું પ્રથમ સપોર્ટ લેવલ અને 24,900 એ બીજુ સપોર્ટ લેવલ છે. બેંક નિફ્ટીમાં 56,500નું મજબૂત સપોર્ટ લેવલ છે. જો આ સપોર્ટ લેવલ તૂટે તો જ નવું વેચવું.