દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્ય શકિતપીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બન્યું છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસપ્રધાન દિલીપકુમાર ઠાકોર અને વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કરી આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના આ આદ્ય શકિતપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે આ ISO 9001 : 2015 સર્ટીફિકેશન માટે યાત્રાધામ વિકાસપ્રધાન દિલીપકુમાર ઠાકોર અને રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરીબહેન દવેના પ્રેરણા માર્ગદર્શનમાં જે રજૂઆત કરી હતી તેની ફલશ્રુતિએ ISO ના માનદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળ નિવડતાં આ સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે. આ સર્ટીફિકેટ ૩ વર્ષ માટે માન્ય રહે છે. એટલું જ નહિ, દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ થતી હોય છે.
