શેરબજારના સેન્સેક્સમાં 398 પોઈન્ટનો ઉછાળો, કાલે શુક્રવારે બજાર કેવું રહેશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) પ્રત્યાઘાતી ઘટાડો પચાવીને તેજીની આગેકૂચ રહી છે. આજે ગુરુવારે મેટલ શેરોની આગેવાની હેઠળ તમામ સેક્ટરના શેરોમાં ઘટાડે નવી લેવાલી આવી હતી. જોકે બેકિંગ શેરોમાં શરૂમાં નફારૂપી વેચવાલી આવી હતી, પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી બેંક શેરોમાં નવી લેવાલી નીકળી હતી અને નિફ્ટી બેંક ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતો. આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રીયલ્ટી સેકટરના શેરોમાં તેજી રહી હતી.

સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 398 પોઈન્ટ ઉછળી 82,172 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 135 પોઈન્ટ વધી 25,181 બંધ રહ્યો હતો અને નિફ્ટી બેંક(Nifty Bank) 173 પોઈન્ટ વધી 56,192 બંધ રહ્યો હતો.

મીડકેપ ઈન્ડેક્સ 563 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 97 પોઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા.

તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી

ચાર દિવસની એકતરફી તેજી પછી ગઈકાલે બુધવારે પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. પણ આજે ગુરુવારે તેજીવાળા ખેલાડીઓની નવેસરથી લેવાલી નીકળતાં શેરબજારમાં(Share Market India) સુધારો આવ્યો હતો. તેમજ આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પણ હતી. જેથી બપોરે માર્કેટમાં કન્સોલિડેશન પણ જોવાયું હતું.

એફઆઈઆઈ નેટ બાયર

છેલ્લી બે ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈ નેટ બાયર રહી છે. સાત ઓકટોબરે એફઆઈઆઈએ નેટ રૂપિયા 1440 કરોડની ખરીદી કરી હતી અને આઠ ઓકટોબરે 81 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ છેલ્લા પાંચ મહિના સુધી નેટ સેલર રહ્યા પછી એફઆઈઆઈ નેટ બાયર થઈ છે, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

ફાર્માને ટેરિફથી રાહત

ટ્રમ્પ ટેરિફની રાહતના સમાચારથી ફાર્માસ્યુટિકલ શેરોમાં નવી લેવાલી આવી હતી. જેથી ડૉ. રેડ્ડી લેબ અને સન ફાર્મામાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. ફાર્મા પર ટ્રમ્પ સત્તાવાળા તરફથી નિવેદન આવ્યું હતું કે બહારથી આવતી જેનરીક દવાઓ પર ટેરિફ નહી લગાવવાની યોજના છે.

ભારત યુકે વચ્ચે કરાર

કેન્દ્રીય વાણિજ્યપ્રધાનના કહેવા પ્રમાણે ભારત અને બ્રિટન વચ્ચે ટર્મ ઓફ રિફ્રેન્સ પર હસ્તાક્ષર થયા છે. જોઈન્ટ ઈકોનોમીક એન્ડ ટ્રેડ સમિતી ફરીથી સ્થાપિત કરવા માટે કરાર કર્યા છે. જેનાથી ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવામાં મદદ મળશે. જે સમાચાર ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ હતા.

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતા. 1600 શેરના ભાવ વધ્યા હતા અને 1495 શેરના ભાવ ઘટ્યા હતા.

86 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 90 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

105 સ્ટોકમાં અપર સર્કિટ અને 65 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ

તાતા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેકનોલોજી અને બીઈએલ

ટોપ લુઝર્સઃ

એક્સિસ બેંક, ટાઈટન, તાતા કન્ઝ્યુમર, મારૂતિ અને એચડીએફસી બેંક

કાલે શુક્રવારે શેરબજાર કેવું રહેશે?

આજે શેરબજાર સ્ટ્રોંગ બંધ રહ્યું છે. સેન્સેક્સ 82,000, નિફ્ટી ઈન્ડેક્સ 25,100 અને નિફ્ટી બેંક 56,100 ઉપર બંધ છે, જે ખૂબ જ પોઝિટિવ નિશાની છે. જેથી આવતીકાલે શુક્રવારે શેરબજાર પોઝિટિવ મૂડમાં જોવા મળશે. ઉપરમાં સેન્સેક્સ 82,400, નિફ્ટી 25,200 અને નિફ્ટી બેંક 56,500 ઉપર નીકળશે તો શેરબજારમાં ફરીથી નવી તેજી જોવા મળશે. હાલ બજારનો અંડરકંટર તેજીનો છે.

You will also like

Leave a Comment