દિવ્ય કાશી ભવ્ય કાશી

પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત ‘નગર કોટવાલ’ (ભગવાન કાલ ભૈરવ)નાં ચરણોમાં પ્રણામ સાથે કરતાં કહ્યું કે એમના આશીર્વાદ વિના કશું જ વિશેષ થતું નથી. વડાપ્રધાને દેશવાસીઓ માટે ભગવાનના આશીર્વાદ માગ્યા હતા. વડાપ્રધાને પુરાણોને ટાંક્યા હતા જે કહે છે કે જ્યારે કોઇ કાશીમાં પ્રવેશે છે કે તરત એ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. “ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, અહીં આવતા જ એક અલૌકિક ઊર્જા આપણા અંતર-આત્માને જાગૃત કરી દે છે”. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વનાથ ધામનું આ આખું નવું પરિસર એ માત્ર એક ભવ્ય ઇમારત નથી. તે ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તે આપણી આધ્યાત્મિક આત્માનું પ્રતીક છે. તે ભારતની પ્રાચીનતા, પરંપરાઓ, ભારતની ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે. “અહીં જ્યારે કોઇ આવે છે, ત્યારે તે માત્ર આસ્થાનાં દર્શન નથી કરતો પણ અહીં આપને અતીતના ગૌરવની લાગણીનો અનુભવ થશે. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એકસાથે સજીવ થઈ રહી છે. કેવી રીતે પ્રાચીન પરંપરાઓ ભવિષ્યને દિશા આપી રહી છે. એનાં સાક્ષાત દર્શન આપણે વિશ્વનાથ ધામ પરિસરમાં કરી રહ્યા છીએ’.

કાશીની ભવ્યતાનું વર્ણન કરતા વડાપ્રધાને કહ્યું કે કાશી અવિનાશી છે અને ભગવાન શિવનાં સંરક્ષણમાં છે. આ ભવ્ય સંકુલનાં નિર્માણમાં કાર્ય કરનાર દરેક શ્રમિકનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના છતાં તેમણે અહીં કામ અટકવા ન દીધું. તેઓ શ્રમિકોને મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. મોદીએ ધામનાં બાંધકામ માટે કામ કરનાર શ્રમિકો સાથે બપોરનું ભોજન લીધું હતું. વડાપ્રધાને બાંધકામ સાથે સંકળાયેલાં લોકો, વહીવટીતંત્ર, અહીં જેમનાં ઘર છે એ પરિવારો, કારીગરોની પણ પ્રશંસા કરી હતી. આ બધાની સાથે તેમણે ઉત્તર પ્રદેશ સરકાર, કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ પૂર્ણ કરવા અથાક મહેનત કરનાર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ અભિનંદન આપ્યા હતા.

કાશીની કૃપા અને અગત્યતાનું વર્ણન આગળ વધાર્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે કાશી એ માત્ર શબ્દોનો વિષય નથી, એ સંવેદનાઓની સૃષ્ટિ છે. કાશી એ છે- જ્યાં જાગૃતિ જ જીવન છે; કાશી એ છે- જ્યાં મૃત્યુ પણ મંગળ છે; કાશી એ છે – જ્યાં સત્ય એ જ સંસ્કાર છે; કાશી એ છે- જ્યાં પ્રેમ જ પરંપરા છે. તેમણે ઉમેર્યું હતું કે વારાણસી એવું શહેર છે, જ્યાં જગદગુરુ શંકરાચાર્યને શ્રી ડોમ રાજાની પવિત્રતાથી પ્રેરણા મળી અને દેશને એક્તાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ લીધો. આ એ સ્થળ છે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ જેવી અલૈકિક રચનાઓ રચી. અહીંની ધરતી સારનાથમાં ભગવાન બુદ્ધનો બોધ વિશ્વ માટે પ્રગટ થયો. સમાજ સુધારણા માટે કબીરદાસ જેવા ઋષિમુનિ અહી પ્રગટ થયા. સમાજને જોડવાની જરૂરિયાત હતી તો સંત રૈદાસની ભક્તિની શક્તિનું કેન્દ્ર પણ આ કાશી બન્યું.

કાશી વિશ્વનાથ ધામ સમર્પિત કરવામાં આવ્યું એનાથી ભારતને નિર્ણાયક દિશા મળશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. આ સંકુલ આપણી ક્ષમતા અને આપણા કર્તવ્યનું સાક્ષી છે. સંકલ્પ અને સંહિત વિચારથી, કશું જ અશક્ય નથી. વડાપ્રધાને કહ્યું “ભારતીયો પાસે અકલ્પનીયને સાકાર કરવાની શક્તિ છે. આપણે તપ જાણીએ છીએ, તપસ્યા જાણીએ છીએ અને દેશ માટે કેવી રીતે દિન રાત એક કરવા એ જાણીએ છીએ. ગમે એટલો મોટો પડકાર કેમ ન હોય, આપણે ભારતીયો મળીને એને પરાસ્ત કરી શકીએ છીએ.”

એમના માટે જનતા જનાર્દન ઇશ્વરનું રૂપ છે અને તેમના માટે દરેક ભારતીયમાં ઈશ્વરનો અંશ છે. તેમણે દેશ માટે લોકો પાસેથી ત્રણ સંકલ્પો માગ્યા હતા- સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ.

