
આજે પહેલી માર્ચેને સોમવારે સવારે 6 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી એઈમ્સ પહોંચ્યા ત્યારે મેડિકલ સ્ટાફ નર્વસ હતો. માહોલને હળવો કરવા માટે પીએમ મોદીએ નર્સને પહેલા એમ પુછ્યું કે તમારુ શું નામ છે? અને તમે કયાંના છો? ત્યાર પછી નરેન્દ્ર મોદીએ હસી મજાક કરતાં નર્સને કહ્યું હતું કે તમે પશુને ઉપયોગમાં લેવાતી સોયનો ઉપયોગ કરશો? ત્યારે પીએમ મોદીની વાતને નર્સ સમજી શક્યા ન હતા.
પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજનેતાઓની ચામડી બહુ જાડી હોય છે. તેમના માટે કોઈ વિશેષ મોટી સોયનો ઉપયોગ તો નથી કરાવાના ને? ત્યારે ત્યાંની નર્સો હસી પડી હતી. અને માહોલ સાવ હળવો થઈ ગયો હતો અને ત્યાર પછી પીએમ મોદીનું રસીકરણ થયું, જ્યારે ટીકાકરણ થયું ત્યારે મોદીએ કહ્યું કે મને તો ખબર જ ના નડી. વેક્સિનેશન દરમિયાન પીએમ મોદી હસતા હતા.

કોઈ વિચારી જ ન શકે તે પીએમ નરેન્દ્ર મોદી આવી રીતે એઈમ્સ પહોંચી જશે. પીએમ મોદીનું સ્વાગત એઈમ્સના ડાયરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ કર્યું હતું અને ત્યાંથી સીધા તેઓ વેક્સિન લેવાની હતી, તે રૂમમાં પહોંચી ગયા હતા. પુડુચેરીની નર્સ પી નિવેદાએ પીએમ મોદીને વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો. તેની સાથે કેરળની નર્સ રોસ્સ્મા અનિલ પણ હતી.
વેક્સિન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલનું પાલન કર્યું. અડધા કલાક રાહ જોઈ, તે દરમિયાન એઈમ્સના ડિરેક્ટર ગુલેરિયા તેમને વેક્સિન પછીની માહિતી આપી રહ્યા હતા. વડાપ્રધાનને હવે વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી લાગશે.
સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 ટકા દેશી વેક્સિન કોવેક્સિન લીધી છે, જેના પર કેટલાય સવાલો ઉભા થયા હતા અને શંકાઓ સર્જાઈ હતી. આજે પીએમ મોદીએ કોવેક્સિનનો ડોઝ લઈને તમામ શંકાઓને દૂર કરી દીધી છે.