અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.800 કરોડના ખર્ચે સિક્સ લેનની મંજૂરી

ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભૂજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર, કીમ-માંડવી રસ્તાનું આધુનીકરણ, સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે અગત્યના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી.
આ માર્ગના નિર્માણના પરિણામે સમગ્ર સાણંદ ઔધોગિક વિસ્તારને લાભ થશે તેમજ જી.આઈ.ડી.સી. ખાતેના નવા રોકાણકારો-ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે. આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષી શકાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
મુખ્યપ્રધાન પટેલે જી.એસ.આર.ડી.સી.ની આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે જે કામોની મંજૂરી આપી છે તેમાં વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતાં રસ્તાની સામે રૂ. 13.61 કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ અને પીપળી ગામ સામે રૂ.15 કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય છે.

આ કામોને મંજૂરી મળતા સ્થાનિક ટ્રાફિકનો લાંબા અંતરના ટ્રાફિક સાથેનો સંઘર્ષ ટળશે અને ભુજ-ભચાઉ રસ્તાનો ઉપયોગ કરતાં વાહનોને ઝડપી, અંતરાય રહિત પરિવહનનો લાભ મળશે તથા અકસ્માત ઘટશે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રૂ.937 કરોડના ખર્ચે હાથ ધરાઇ રહેલ ભૂજ-નખત્રાણા તેમજ રૂ.76.65 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ રિસરફેસના કામોની મુખ્યપ્રધાનને તલસ્પર્શી વિગતો આપવામાં આવી હતી.
આ નાંણાકીય વર્ષ 2025-26ની બજેટ જોગવાઇમાં સૂચવાયેલા નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરે કામોની જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવીને આ યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા દિશાનિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં મુખ્યપ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમ.ડી. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.