નારી શક્તિ વંદન બિલ આજે લોકસભામાં રજૂ થયું છે. સંસદના વિશેષ સત્રમાં બીજા દિવસની કાર્યવાહી આજે મંગળવારે ગણેશ ચતુર્થીના શુભ દિવસે નવા સંસદ ભવનમાં થઈ હતી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામતની જોગવાઈવાળું બિલ આજે લોકસભામાં રજૂ કરી દીધું છે. આ બિલને કાયદાપ્રધાન અર્જુનરામ મેઘવાલે લોકસભામાં રજૂ કર્યું હતું.
મહિલા અનામત બિલ પર આવતીકાલે બુધવારે ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ બિલથી લોકતંત્ર મજબૂત થશે અને લોકસભામાં મહિલાઓની ભાગીદારી વધશે.

નારી શક્તિ વંદન બિલમાં અનુસુચિત જાતિઓ(SC) અને અનુસુચિત જનજાતિઓ(ST) માટે એક તૃતિયાંશ અનામતની જોગવાઈ કરાઈ છે. ઓબીસી(OBC)ને નારી શક્તિ વંદન અધિનિયમમાં જગ્યા અપાઈ નથી. કારણ કે બંધારણમાં આ મહિલા સાંસદો માટેની વાત નથી. આ કવૉટા રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભામાં લાગુ કરાશે નહી.

રાજ્યસભામાં આ મુદ્દા પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગે અને નાણાપ્રધાન નિર્મલા સીતારમનની વચ્ચે ચકમક ઝરી હતી. મલ્લિકાર્જુન ખરગેએ આ બિલમાં ઓબીસીને સામેલ નહી કરતાં સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઓબીસી સાથે અન્યાય થયો છે, તે પછી ખરગેના આ નિવેદન પર હંગામો થયો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે આ નિવેદન બિલકુલ વાજબી નથી.
બીજી તરફ કોંગ્રેસે લોકસભામાં રજૂ કરેલ મહિલા અનામત બિલને ચૂંટણીલક્ષી જુમલો દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે મહિલાઓ સાથે છેતરપીંડી સમાન છે. કારણ કે બિલમાં કહ્યું છે. વસ્તી ગણતરી પછી 2029માં લાગુ કરાશે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે સરકારનું આ પગલું ઈવીએમ(ઈવેન્ટ મેનેજમેન્ટ) છે. અને તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર 2021માં વસ્તી ગણતરી કરાવમાં નિષ્ફળ ગઈ હતી.