નવી દિલ્હી- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (USA President Donald Trump) 1 ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. (Trump Tariff) પરંતુ હવે આ નિર્ણય સાત દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે તે 7 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક નવો આદેશ જારી કર્યો હતો, જેના હેઠળ ઘણા દેશોમાંથી આવતા માલ પરના ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટેક્સ હવે 10% થી 41% સુધીના રહેશે.(US India Tariff War)
જેના પર ભારતે કોઈ જવાબી કાર્યવાહી કર્યા વગર સીધા શબ્દોમાં કહ્યું હતું કે દેશહિતમાં દરેક સંભવ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સરકારી અધિકારીના કહેવા મુજબ ભારત નેગોશિએશન ટેબલ પર અમેરિકાની ટેરિફનો જવાબ આપશે. કેન્દ્રિય પ્રધાન પીયુષ ગોયલે લોકસભામાં કહ્યું હતું કે અમેરિકા સાથે 10થી 15 ટકા ટેરિફની વાતચીત થઈ હતી. પરંતુ ટેરિફને લઈને દેશહિતમાં તમામ સંભવ હશે તે કાર્યવાહી કરવામાં આવશે.
ભારત પર દબાણ વધારવા માટે અમેરિકા ટેરિફ લગાવી રહી છે. તેઓ ઈચ્છે તે ઝડપથી ભારત પોતાના એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ સેક્ટર સાથે સમજૂતી કરીને ટ્રેડ ડીલ કરી લે. પણ ભારત તેના પર રાજી નથી.
આમાંથી સીરિયા પર સૌથી વધુ ટેક્સ લાદવામાં આવ્યો છે, જેના પર 41 ટકા ડ્યુટી લાદવામાં આવશે. લાઓસ અને મ્યાનમારથી આવતા માલ પર 40 ટકા ટેક્સ લાદવામાં આવશે. આ ઉપરાંત, સ્વિટ્ઝર્લૅન્ડ પર 39 ટકા અને દક્ષિણ આફ્રિકા પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પે શુક્રવારથી કેનેડાથી આયાત પર ટેક્સ (ટેરિફ) 25 ટકાથી વધારીને 35 ટકા કર્યો છે. જો કે, આ વધેલો ટેક્સ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા યુએસ-મેક્સિકો-કેનેડા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (USMCA) હેઠળ આવતા માલ પર લાદવામાં આવશે નહીં. એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુએસ લગભગ બધા દેશો પર 10 ટકાનો સમાન કર લાદશે, અને આ કર ચોક્કસ દેશો પર 50 ટકા સુધી હોઈ શકે છે.
કેટલાક એશિયન દેશોને અમેરિકા તરફથી થોડી રાહત મળી છે. જે દેશો અમેરિકા સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શક્યા નથી તેમના માટે ટેક્સમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે થાઇલેન્ડથી આવતા માલ પરનો ટેક્સ 36 ટકાથી ઘટાડીને 19 ટકા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, મલેશિયાથી આવતા માલ પરનો ટેક્સ પણ 24 ટકાથી ઘટાડીને 19 ટકા કરવામાં આવ્યો છે. તાઇવાનથી આવતા માલ પર હવે 32 ટકા ને બદલે 20 ટકા ટેક્સ લાગશે. વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું છે કે જો કોઈ દેશ બીજા દેશના નામે માલ મોકલીને કર ટાળવાનો પ્રયાસ કરશે, તો તેના પર 40 ટકાનો વધારાનો કર લાદવામાં આવશે.
નવા આદેશમાં જણાવાયું છે કે જે દેશોના નામ આ યાદીમાં નથી તેમના માલ પર પણ હવે 10 ટકા વધારાનો કર લાગશે. આ નિર્ણય એપ્રિલમાં જારી કરાયેલા જૂના આદેશમાં કરવામાં આવેલા ફેરફારોનો એક ભાગ છે. બદલાયેલા કર દરો રાત્રે 12:01 વાગ્યે અથવા ઓર્ડર જારી થયાના સાત દિવસ પછી યુએસમાં પ્રવેશતા માલ પર લાગુ થશે. જો કે, આ કેટલાક ખાસ કિસ્સાઓમાં પણ બદલી શકાય છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે દેશોએ યુએસ સાથે વેપાર અને સુરક્ષા કરાર કર્યા છે અથવા કરવાના છે તેમણે પણ હાલમાં નવા દરો અનુસાર ટેક્સ ચૂકવવો પડશે. જ્યાં સુધી તેમના કરારો સંપૂર્ણપણે અમલમાં ન આવે.
નવા યુએસ એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા ટ્રેડિંગ પાર્ટનર્સ સાથે લાદવામાં આવેલા નવા કરની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂતપૂર્વ યુએસ ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ વેન્ડી કટલરે જણાવ્યું હતું કે જે દેશોને યુએસ સાથે વેપાર ખાધ છે તેમના પર વધુ કર લાદવામાં આવ્યો છે. કટલરે એમ પણ કહ્યું હતું કે ઓર્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે હાલના નિયમો બનાવવામાં આવશે કે વાટાઘાટો કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિયેતનામ જેવા દેશોમાંથી આવતા માલ પર 40 ટકા ટ્રાન્સશિપમેન્ટ ટેક્સ લાદવો એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.