કોરોના ગયો નથી, હજી દુનિયાના દેશોમાં તબાહી મચાવી રહ્યો છે

by Investing A2Z

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપતાં કહ્યું છે કે હજી કોરોના મહામારીમાં કોઈ ઘટાડો થયો નથી. કેટલાય દેશોમાં કોરોના મહામારીએ તબાહી મચાવી દીધી છે. સાથે તેમણે કહ્યું હતું કે ડેલ્ટા વેરિયેન્ટના વધતા કેસને કારણે આ મહામારી વધુ ઝડપી ફેલાઈ રહી છે.

બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલ ઈન્ટરવ્યૂમાં ડબલ્યૂએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વીમાનાથને કહ્યું છે કે કોરોના વાયરસનું વધતું જતું સંક્રમણ એ વાતનું પ્રમાણ છે કે આ મહામારી હજી સમાપ્ત થઈ નથી. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કેટલાક દેશોમાં રસીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, તે દેશોમાં કોરોનાના ગંભીર કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. અને હોસ્પિટલમાં દાખલ થવાની શકયતાઓ ઘટી ગઈ છે. તેમ છતાં કેટલાક દેશો ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને ઊંચો મૃત્યુદરનો સામનો કરી રહ્યા છે.

સૌમ્યા સ્વામીનાથને એ પણ કહ્યું હતું કે વીતેલા 24 કલાકમાં પાંચ લાખ નવા કેસ સામે આવ્યા છે અને લગભગ 9,300 મૃત્યુ થયા છે. તેનાથી ખબર પડે છે કે આ મહામારી ધીમી પડી નથી. સ્વીમાનાથન કહી રહ્યા છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના છ ઝોનમાંથી પાંચ ઝોનમાં હજીપણ કોરોનાના કેસ વધી રહ્યા છે. બે સપ્તાહમાં આફ્રિકામાં મૃત્યુદર 30 ટકાથી વધીને 40 ટકા થઈ ગયો છે. ડબલ્યૂએચઓના મુખ્ય વૈજ્ઞાનિકનું કહેવું છે કે ઝડપથી ફેલાઈ રહેલ ડેલ્ટા વેરિયેન્ટ, રસીકરણમાં ઘટાડો અને કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘનને કારણે કોરોનાના કેસ વધ્યા છે.

કોરોનાના કેસ વધવાના મામલાને ધ્યાનમાં રાખીયે તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેટલાક દેશોમાં અનલોકિંગ પ્રક્રિયામાં સાવધાની રાખવાનો આગ્રહ કર્યો છે. દુનિયામાં કેટલાક દેશ તેમના ત્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે લૉકડાઉનમાં ઢીલ આપી રહ્યા છે. બ્રિટેન સહિત કેટલાક દેશોમાં કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થયા પછી ફરજિયાત માસ્ક પહેરવાનું હટાવી દીધું હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર વીતેલા 24 કલાકમાં દુનિયાભરમાં કોરોનાના 4,58,355 નવા કેસ નોંધાયા છે. જ્યારે 8,516 લોકોનું મૃત્યુ થયું છે. પુરા વિશ્વમાં અત્યાર સુધી કોરોનાના 18,52,91,530 કેસ સામે આવ્યા છે. ઉપરોક્ત સમાચાર આપણા માટે એલાર્મિંગ સ્થિતિ કહી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, તે સારી વાત છે, પણ હજી આપણે સાવેચતી રાખવાની તાતી જરૂરિયાત છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે, કોરોના ગયો નથી. આટલું યાદ રાખશો તો ત્રીજી લહેરને ખાળી શકાશે. તેમજ ગુજરાત સરકારે પણ બીજી લહેરના અંતે તમામને વેક્સિનેટ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. અત્યારે સ્થિતિ એવી છે કે નાગરિકો વેક્સિન લેવા તૈયાર છે, પણ સરકાર પાસે વેક્સિન નથી.

Related Posts

Leave a Comment