રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 43મી વાર્ષિક સાધારણ સભા (આઇપીઓ પછી)નું આયોજન જિયોમીટના માધ્યમથી કરવામાં આવ્યું હતું, આ વર્ચ્યુઅલ મિટીંગમાં દેશભરમાંથી હજારો શેરધારકોએ ભાગ લીધો હતો. આ સભાને સંબોધતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે ત્રણ હાઇપર-ગ્રોથ એન્જિનનું નિર્માણ કર્યું છે, જેમાં જિઓ પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ ન્યૂ કોમર્સ બિઝનેસ અને રિલાયન્સના ઓઇલ ટુ કેમિકલ (ઓ2સી) વ્યવસાયનો સમાવેશ થાય છે. રિલાયન્સના ડાવર્સિફાઇડ ગ્રોથને ઝડપી બનાવવા માટે કંપની નવા ગ્રોથ એન્જિનનું નિર્માણ પણ ભવિષ્યમાં કરતી રહેશે. “અમારું વિઝન રિલાયન્સને ન્યૂ એનર્જી અને ન્યૂ મટીરીલય કંપની બનાવવાનું છે.” તેમ અંબાણીએ કહ્યું હતું. જિઓ પ્લેટફોર્મ દ્વારા મેડ ઈન ઈન્ડિયા 5 જી સોલ્યુશન એક વર્ષમાં લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિઓ સરળતાથી 4જીમાંથી 5જીમાં અપગ્રેડ કરી શકશે.

મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું કે, આપણે બધાં જ જાણીએ છીએ કે આપણે આપણી રીતે જ આ વિઝનને સાકાર કરી શકીએ નહીં. હકીકતમાં કોઇપણ એકલી કંપની આ કરી શકે નહીં. તેથી અમે બે પીનો વ્યૂહ અપનાવ્યો છે – લાખો નાના વેપારીઓ, ખેડૂતો, શિક્ષકો, આરોગ્યકર્મીઓ સાથે ભાગીદારી કરીને તેમને વધારે પ્રોડક્ટીવ (ઉત્પાદક) અને પ્રોફિટેબલ (નફોકર્તા) બનાવવામાં મદદ કરવી અને સારું ભવિષ્ય ધરાવતા સ્ટાર્ટ-અપ્સ અને વૈશ્વિક સ્તરે નામના ધરાવતા ટેકનોલોજી અને એનર્જી કંપનીઓ સાથે ભાગીદારી.

“હું દૃઢપણે માનું છું કે દરેક આપત્તિ અનેક નવી તકો પૂરી પાડે છે. આ વાર્ષિક સાધારણ સભા જ જોઇ લો. આપણે બધાં તેમાં નવી ડિજીટલ પ્રોડક્ટ– જિઓમીટથી ભાગ લઇ રહ્યા છીએ,” એમ મૂકેશ અંબાણી જણાવતાં ઉમેર્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ લોન્ચ કરવામાં આવેલા જીઓમીટને અત્યાર સુધીમાં પાંચ મિલિયન (પચાસ લાખ) લોકોએ ડાઉનલોડ કર્યું છે. આ ભારતનું પ્રથમ અને એકમાત્ર ક્લાઉડ આધારીત વિડિયો-કોન્ફરન્સિંગ એપ છે. અને આપને જાણીને ગર્વ થશે કે તેને જિયો પ્લેટફોર્મ્સની ટીમ દ્વારા માત્ર બે મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યું છે.
આગામી ત્રણ વર્ષમાં જિયો કનેક્ટ લગભગ પચાસ કરોડ ગ્રાહકો, એક અબજ સ્માર્ટ સેન્સર્સ અને લગભગ પાંચ કરોડ ઘર અને બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ ધરાવશે.

રિલાયન્સનો દેશના અર્થતંત્રના વિકાસ માટે અદ્વિતીય ફાળો રહ્યો છે, વિશ્વના 109 દેશોમાં થતી કુલ વેપારી નિકાસમાં અમે 9.1% જેટલા હિસ્સા એટલે કે રૂ. 2,02,830 કરોડની નિકાસ સાથે દેશના સૌથી મોટા એક્સપોર્ટર તરીકેનું સ્થાન ધરાવીએ છીએ અને ખાનગી ક્ષેત્રના કરદાતાઓમાં અમે સૌથી વધુ રૂ. 21,660 કરોડ રૂપિયાની કસ્ટમ્સ અને એક્સાઇઝ ડ્યુટી ચૂકવનાર છીએ તેમજ અમે સૌથી વધુ રૂ. 69,372 કરોડનો જીએસટી અને વેટ ચૂકવનાર છીએ. ખાનગી ક્ષેત્રના કરદાતાઓમાં અમે સૌથી વધુ રૂ. 8,386 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવનાર છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
જીઓમાં ગૂગલનો 7.7 ટકા હિસ્સો

મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટ
ન્યૂઝ અને એન્ટરટેઇન્મેન્ટ ક્ષેત્રમાં અમારા નેટવર્ક18 ગ્રુપની 72 ચેનલ્સ મજબૂત ટીવી બ્રોડકાસ્ટ નેટવર્ક સાથે 800 મિલિયન ભારતીયો સુધી પહોંચી છે અને અમારી ડિજિટલ પ્રોપર્ટીઝ હવે દર મહિને 200 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે તેમજ અમે સમગ્ર બજારના ટોચના 10 ડિજિટલ ન્યૂઝ પ્લેયર્સમાં સામેલ છીએ. અમે અમારા મીડિયા એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયોને મજબૂત બનાવી રહ્યા છીએ.
નિયમનકારી મંજૂરીઓને આધિન ડેન એન્ડ હેથવેને નેટવર્ક18 અને ટીવી18 સાથે મર્જ કરી રહ્યા છીએ. આ સાથે જ નેટવર્ક18 ગ્રુપ દેશની સૌથી મોટી લિસ્ટેડ મીડિયા એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં સામેલ થઇ જશે.

દેશમાં સંગઠિત રિટેલ ક્રાંતિ લાવવામાં રિલાયન્સ રિટેલ અગ્રેસર રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં રિટેલ વ્યવસાયમાં આઠ ગણી વૃધ્ધિ થઇ છે, જ્યારે તેનો નફો 11 ગણો વધ્યો છે. કંપનીના કુલ 12,000 સ્ટોર્સમાંથી લગભગ બે તૃતિયાંશ સ્ટોર્સ દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણીના શહેરોમાં ધરાવે છે. હજારો ખેડૂતો પાસેથી લગભગ 80 ટકા ફળ અને શાકભાજી સીધાં જ ખરીદવામાં આવે છે. કંપની દેશભરમાં લાખો લોકોને રોજગારી અને વિકાસની તકો પૂરી પાડે છે અને કંપનીનું ગ્રોથ મોડલ નાના વેપારીઓ અને દુકાનદારો સાથેની ભાગીદારી પર આધારીત છે.
ગયા વર્ષે રિલાયન્સ રિટેલની આવક રૂ. 1,62,936 કરોડ હતી અને EBITDA રૂ. 9,654 કરોડ હતું. અમે ખેડૂતો, નાના તથા મધ્યમ કદના ઉત્પાદકો, વેપારીઓ, ફેરિયાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ગ્લોબલ કંપનીઓ સાથે જોડાણ કરીને આ શક્ય બનાવીએ છીએ. અમે દેશના સૌથી મોટા અને સૌથી નફાકારક રિટેલ વ્યવસાયક છીએ. રિલાયન્સ રિટેલ એ દુનિયાનો સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી રિટેલર છે, અને વિશ્વના ટોચના 100 ગ્લોબલ રિટેલર્સનું યાદીમાં સ્થાન ધરાવતી એકમાત્ર ભારતીય રિટેલર છે.

લોકડાઉનના સમયમાં કંપનીએ તેની પેટ્રોકેમિકલ અને ઇંધણની નિકાસ માત્ર બે જ અઠવાડિયામાં અઢી ગણી વધારી દીધી હતી. મને એ જણાવતાં ગર્વ થાય છે કે, એપ્રિલ 2020માં આપણો ઓ2સી વ્યવસાય ભારતની કુલ નિકાસમાં 50 ટકા હિસ્સો ધરાવતો હતો.
કંપનીએ ભારતનો પ્રથમ બ્યુટાઇલ રબર પ્લાન્ટ શરૂ કર્યો છે, જેનાથી રિલાયન્સ વિશ્વના ટોચના 10 બ્યુટાઇલ રબર ઉત્પાદકોની યાદીમાં સ્થાન પામી છે. આપણો ઓ2સી વ્યવસાયે સ્પર્ધાત્મક કાચામાલની શ્રૃંખલાનું સર્જન કર્યું છે જે એસીટીલ, એક્રિલાઇટ્સ, ફિનોલ્સ અને પોલિયુરેથેનેસ જેવી સ્પેશ્યાલિટી અને નવી મૂલ્ય શ્રૃંખલાના નિર્માણમાં સહાયક બને છે.
પેટ્રોકેમિલ વ્યવસાયમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે વૈશ્વિક કંપનીઓ સંપર્કમાં છે. ગત વર્ષની વાર્ષિક સાધારણ સભામાં ઓ2સી વ્યવસાયમાં સાઉદી અરામ્કો સાથે ઇક્વિટી ભાગીદારી અંગે જણાવ્યું હતું, પરંતુ ઊર્જા બજારમાં સર્જાયેલા અસાધારણ સંજોગો અને કોવિડ-19 ના કારણે આ સોદામાં સમયમર્યાદામાં કોઇ પ્રગતિ થઈ ન હતી. આ ભાગીદારીને સુગમ બનાવવા માટે ઓ2સી વ્યવસાયને અલગ પેટાકંપની બનાવવા માટે અમે એન.સી.એલ.ટી.નો સંપર્ક કરીશું. આ પ્રક્રિયા 2021 સુધીમાં પૂર્ણ થઈ જવાની અપેક્ષા છે.
