
આજથી એક વર્ષ અગાઉ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ જોડાઈ ગયું હતું. દેશમાં દાયકાઓ પછી કોઈ પણ સરકારને સતત બીજી વાર સંપૂર્ણ બહુમતી આપીને જનતા જનાર્દને દેશની ધૂરા સંભાળવવાની જવાબદારી સુપરત કરી હતી. આ પ્રકરણમાં તમારી બહુ મોટી ભૂમિકા રહી છે. આ સ્થિતિ સંજોગોમાં આ દિવસ મારા માટે, આ પ્રસંગ મારા માટે તમને નમન કરવાનો છે, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે તમારી આ નિષ્ઠાને પ્રણામ કરવાનો.
જો સ્થિતિ સંજોગો સામાન્ય હોત, તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હોત. પણ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓમાં હું તમને આ પત્ર દ્વ્રારા તમારા ચરણોમાં પ્રણામ કરું છું અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.
ગયા વર્ષે તમારા સ્નેહ, શુભાશિષ અને તમારા સક્રિય સહયોગે મને સતત એક નવી ઊર્જા, નવી પ્રેરણા આપી છે. આ દરમિયાન તમે લોકશાહીની જે સામૂહિક શક્તિના દર્શન કરાવ્યા અને અત્યારે સંપૂર્ણ વિશ્વ માટે એક દ્રષ્ટાંત બની ગયું છે.
વર્ષ 2014માં તમે, દેશની જનતાએ, દેશમાં એક મોટા પરિવર્તન માટે મતદાન કર્યું હતું, દેશની નીતિ અને રીતિ બદલવા માટે મતદાન કર્યું હતું. વીતેલા પાંચ વર્ષમાં દેશને જડ વ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર નીકળતા જોયો છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અંત્યોદયની ભાવનાની સાથે ગરીબોનું જીવન સરળ બનાવવા માટે વહીવટી વ્યવસ્થામાં પરિવર્તન જોયું છે, લોકોએ એને અનુભવ્યું છે.

વર્ષ 2019માં તમારા આશીર્વાદ, દેશની જનતાના આશીર્વાદ, દેશના વિરાટ સ્વપ્નો માટે હતો, આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે હતો. આ એક વર્ષમાં સરકારે કરેલા નિર્ણયો આ જ વિરાટ સ્વપ્નોની ઉડાનના છે. અત્યારે જન-જન સાથે જોડાયેલી જનમનની જનશક્તિ, રાષ્ટ્રશક્તિની ચેતનાને પ્રજ્જવલિત કરી રહી છે. ગયા એક વર્ષ દરમિયાન દેશે સતત નવા સ્વપ્નો જોયા છે, નવો સંકલ્પ કર્યો છે અને આ જ સંકલ્પનો સિદ્ધ કરવા માટે સતત નિર્ણય લઈને એક પછી એક પગલાં પણ લીધા છે. ભારતની આ ઐતિહાસિક સફરમાં દેશનો દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સપેરે અદા કરી છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ આ મંત્રને લઈને અત્યારે દેશ સામજિક કહો કે આર્થિક, વૈશ્વિક કે આંતરિક – દરેક દેશમાં આગેકૂચ કરી રહ્યો છે.
છેલ્લાં એક વર્ષમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો વધારે ચર્ચાસ્પદ રહ્યાં છે અને આ કારણે આ ઉપલબ્ધિઓ યાદ રહે એ બહુ સ્વાભાવિક છે. રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે કલમ 370ની વાત હોય, સદીઓ જૂનાં સંઘર્ષના સુખદ પરિણામ – રામમંદિરના નિર્માણની વાત હોય, આધુનિક સમાજ વ્યવસ્થામાં અવરોધરૂપ બનેલી ટ્રિપલ તલાકની કુપ્રથાની વાત હોય, કે પછી ભારતની કરુણાનું પ્રતીક નાગરિકતા સંશોધન કાયદો હોય – આ તમામ ઉપલબ્ધિઓ તમને બધાને યાદ છે.

આ દરમિયાન ગરીબોને, ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને સશક્ત કરવા અમારી પ્રાથમિકતા રહી છે. અત્યારે પીએમ કિસાન સમ્માન ભંડોળનો લાભ દેશના દરેક ખેડૂતને મળે છે. છેલ્લાં એક વર્ષમાં આ યોજના અંતર્ગત 9 કરોડ 50 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 72 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. દેશના 15 કરોડથી વધારે ગ્રામીણ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પાઇપથી મળે એ માટે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે. આપણા 50 કરોડથી વધારે પશુધનનું સ્વાસ્થ્ય સુધારવા માટે મફત રસી આપવાનું મોટું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
ખેડૂતો, ખેતમજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિત સાથીદારો – આ તમામ માટે 60 વર્ષની વય પછી નિયમિત રીતે રૂ. 3,0000નાં માસિક પેન્શનની સુવિધા સુનિશ્ચિત થઈ છે. આવું દેશના ઇતિહાસમાં પહેલી વાર થયું છે. માછીમારોની સુવિધા વધારવા માટે તેમને મળતી સુવિધાઓ વધારવા અને બ્લૂ ઇકોનોમીને મજબૂત કરવા માટે વિશેષ યોજનાઓની સાથે સાથે અલગથી વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. આ જ રીતે વેપારીઓની સમસ્યાઓનું સમયસર સમાધાન કરવા માટે વેપારી કલ્યાણ મંડળનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વયંસહાયતા સમૂહો સાથે જોડાયેલી લગભગ 7 કરોડ બહેનોને પણ અત્યારે વધારે નાણાકીય સહાયતા આપવામાં આવે છે. તાજેતરમાં સ્વયંસહાયતા સમૂહો માટે ગેરેન્ટી વિના ઋણને 10 લાખથી વધારીને બે ગણું એટલે કે 20 લાખ કરવામાં આવ્યું છે.

સરકારની નીતિઓ અને નિર્ણયોને કારણે શહેરો અને ગામડાઓ વચ્ચેનો ફરક ઓછો થઈ રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે, જેમાં ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ કરતાં યુઝરની સંખ્યા શહેરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા યુઝરથી 10 ટકા વધી ગઈ છે. દેશહિતમાં કરેલા આ પ્રકારના ઐતિહાસિક કાર્યો અને નિર્ણયોની યાદી બહુ લાંબી છે. આ પત્રમાં તમામ કાર્યોને સવિસ્તાર જણાવવાનું સંભવ નથી. પણ હું એટલું જરૂર કહીશ કે એક વર્ષના કાર્યકાળના દરેક દિવસના 24 કલાક સંપૂર્ણ સજાગતા સાથે કામ થયું છે, સંવેદનશીલતા સાથે કામ થયું છે, નિર્ણય લેવામાં આવ્યાં છે.

તાળી-થાળી વગાડીને અને દીપ પ્રકટાવવાથી લઈને ભારતની સેના દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન હોય, જનતા કરફ્યૂ હોય કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન હોય – દરેક પ્રસંગે તમે સાબિત કર્યું છે કે એક ભારત જ શ્રેષ્ઠની ગેરેન્ટી છે.
ચોક્કસ, આટલા મોટા સંકટમાં કોઈ આ દાવો ન કરી શકે કે કોઈને કશી તકલીફ પડી નથી, કોઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. આપણા શ્રમિક સાથીદારો, પ્રવાસી મજબૂત ભાઇબહેનો, નાનાં-નાનાં ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, રેલવે સ્ટેશન પર ચીજવસ્તુઓનુ વેચાણ કરતાં ફેરિયાઓ, લારી-ગલ્લાં ચલાવતાં, આપણાં દુકાનદાર ભાઇબહેનો, લઘુ ઉદ્યોગસાહસિકો – આ તમામ દેશવાસીઓને ઘણી મુશ્કેલી પડી છે. એમની સમસ્યાઓનું સમાધાન કરવા તમામ મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ.

આ સ્થિતિ સંજોગોમાં અત્યારે એ ચર્ચા બહુ વ્યાપક રીતે થઈ રહી છે કે ભારત સહિત તમામ દેશોની અર્થવ્યવસ્થા કોરોના વાયરસની માઠી અસરમાંથી કેવી રીતે બેઠા થશે? પણ બીજી તરફ એ વિશ્વાસ પણ છે કે, જેમ ભારતે પોતાની એકતા સાથે કોરોના સામેની લડાઈમાં દુનિયાને ચકિત કરી દીધી છે, એ જ રીતે આર્થિક ક્ષેત્રમાં પણ આપણે નવું ઉદાહરણ સ્થાપિત કરીશું. 130 કરોડ ભારતીય પોતાના સામર્થ્ય સાથે આર્થિક ક્ષેત્રમાં પણ વિશ્વને ચકિત કરવાની સાથે પ્રેરિત પણ કરી શકે છે. હવે આપણે સ્વનિર્ભર થવાનો સમય આવી ગયો છે. આપણે સ્વનિર્ભર થવું જ પડશે અને આ માટે એક જ માર્ગ છે – આત્મનિર્ભર ભારત.
થોડા દિવસ અગાઉ આત્મનિર્ભર ભારત અભિયાનમાં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું છે, જે આ દિશામાં ઉઠાવેલું એક મોટું પગલું છે. આ અભિયાન દરેક દેશાવાસી માટે, આપણા ખેડૂત, આપણા શ્રમિક, આપણા લઘુ ઉદ્યોગસાહસિકો, આપણા સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા નવયુવાનો – તમામ માટે નવી તકોનું સર્જન કરશે. ભારતીયોના પરિશ્રમથી અને તેમની પ્રતિભા સાથે બનેલા સ્થાનિક ઉત્પાદનોના બળે ભારત આયાત પર પોતાની નિર્ભરતા ઘટાડશે અને સ્વનિર્ભરતા તરફ અગ્રેસર થશે.
છેલ્લાં છ વર્ષની આ સફરમાં તમે સતત મને આશીર્વાદ આપ્યા છે, તમારો પ્રેમ વધાર્યો છે. તમારા આશીર્વાદની શક્તિથી જ દેશ છેલ્લાં એક વર્ષમાં ઐતિહાસિક નિર્ણયો અને વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ સાથે આગળ વધ્યો છે. છતાં હું જાણું છું કે, હજુ લાંબી મજલ કાપવાની છે, હજુ ઘણા કાર્યો કરવાના બાકી છે. દેશની સામે અનેક પડકારો છે, ભાતભાતની સમસ્યાઓ છે. હું રાતદિવસ પ્રયાસ કરી રહ્યો છું. મારામાં પણ ખામી હોઈ શકે છે, મારી કામગીરી પણ શ્રેષ્ઠ ન હોય એવું બની શકે છે, પણ દેશ પ્રત્યેની ભાવનામાં કોઈ ખામી નથી. એટલે મને મારા કરતા તમારાં પર વિશ્વાસ વધારે છે, તમારી શક્તિમાં, તમારા સામર્થ્ય પર. મારો સંકલ્પ તમારી ઊર્જા, તમારું સમર્થન, તમારા આશીર્વાદ, તમારો પ્રેમ જ છે. વૈશ્વિક રોગચાળાને કારણે અત્યારે સંકટની ઘડી છે, પણ આપણે દેશવાસીઓ માટે આ સંકલ્પનો પણ સમય છે.

આપણે આપણું વર્તમાન અને ભવિષ્ય સ્વબળે ઘડવાનું છે.
આપણે આગળ વધીશું, આપણે પ્રગતિના પથ પર દોડીશું, આપણે વિજયી થઈશું.
આપણે ત્યાં કહેવાય છે – ‘कृतम्मेदक्षिणेहस्ते, जयोमेसव्यआहितः’॥
એટલે કે આપણા એક હાથમાં કર્મ અને કર્તવ્ય છે, તો બીજા હાથમાં સફળતા સુનિશ્ચિત છે.
દેશની સતત સફળતાની કામના સાથે હું તમને ફરી નમન કરું છું.
તમને અને તમારા પરિવારને મારી હાર્દિક શુભેચ્છા.
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો !
જાગૃત રહો, જાગૃત કરો !
તમારો પ્રધાનસેવક
નરેન્દ્ર મોદી