હવે બચત બેંક ખાતાની જેમ પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ઓછામાં ઓછુ બેલેન્સ રાખવું ફરજિયાત થયું છે. ભારતીય ડાક વિભાગે શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
પોતાના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું ખાતાધારકો માટે પરેશાની હોય છે, કારણ કે બેંકોમાં મિનિમમ બેલેન્સની રકમ ખૂબ વધારે હોય છે. જો કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતાધારકો માટે આ રકમ નાની હોય છે. એટલા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ ધરાવતા ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સ રાખવું સરળ રહેશે.

ભારતીય પોસ્ટે ટ્વીટમાં લખ્યું છે કે 11-12-2020 પછી પોસ્ટ ઓફિસમાં બચત ખાતા પર રૂપિયા 500નું ઓછામાં આછું બેલેન્સ રાખવું પડશે, મિનિમમ બેલેન્સ નહી હોય તો પોસ્ટ વિભાગ ચાર્જ વસુલી શકશે અને ખાતાધારકે તે ચાર્જ ચુકવવો પડશે. આ ચાર્જિસ રૂપિયા 100 હશે.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પુખ્ત વયના લોકો અને 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો પોતોના નામે ખાતુ ખોલાવી શકે છે. એક વ્યક્તિ એક એકાઉન્ટ ખોલાવી શકે છે. એકાઉન્ટ ખોલાવતી વખતે નોમિનેશન ફરજિયાત છે. 500 રૂપિયાની મિનિમમ રકમ સાથે બચત ખાતુ ખોલાવી શકાય છે. તેના પર વાર્ષિક ચાર ટકા વ્યાજ આપવામાં આવે છે. પરંતુ કોઈપણ મહિનાની 10 તારીખથી અંતિમ દિવસ સુધીમાં એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રૂપિયા 500 હોવું જોઈએ, તો તે મહિનાનું વ્યાજ જમા આપવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષના અંતમાં વ્યાજ બચત ખાતામાં જમા કરવામાં આવે છે. આવા ખાતમાંથી ઓછામાં ઓછા રૂપિયા પચાસ ઉપાડી શકાય છે.
