
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે.
મુખ્યપ્રધાને રાજ્યની આ નવી પોલિસીની જાહેરાત ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કરી હતી.

રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે આ નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યા છે, જેના થકી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસના તેજસ્વી ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં પ્રેરક બળ પૂરૂ પાડશે. એટલું જ નહિ, લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે.
સોલર પોલીસીની હાઈલાઈટ્સ
- રાજ્યના લઘુ-MSME, મધ્યમ ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે.
- આ નવી સોલર પાવર પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે 31-12-2025 સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સ માટેના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. આ પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે.
પોલીસીમાં અપાયેલા પ્રોત્સાહન
- આ પોલીસી હેઠળ, કોઈપણ વ્યક્તિ/ વિકાસકર્તા (developer)/ ગ્રાહક/ ઇન્ડસ્ટ્રી જરુરીયાત મુજબ, ક્ષમતાની મર્યાદા વિના, સોલર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરી શકે છે, જ્યારે હાલના મંજૂર થયેલ લોડ/ કરાર માંગની 50%ની મર્યાદા દૂર કરવામાં આવી છે.
- ગ્રાહકો તેમની છત/ જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અથવા તેમની છત/ જગ્યાનાં પરિસરને વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે તૃતીય પક્ષને લીઝ પર પણ આપી શકશે.
- આ ઉપરાંત ગ્રાહકોનું કોઈ એક જૂથ સામૂહિક માલિકીના પ્રોજેક્ટ તરીકે સ્વવપરાશ માટે સૉલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અને તેઓની માલિકીના હિસ્સા પ્રમાણે ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો વપરાશ કરી શકે છે.
- પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ રૂ. 25 લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ રૂ. રૂ. 5 લાખ કરવામાં આવી છે.
- સૂર્ય ગુજરાત યોજના, પીએમ-કુસુમ યોજના અને સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ પોલીસી 2019 જેવી વિવિધ નવી નીતિઓની પહેલ દ્વારા રાજ્ય સરકાર ગ્રાહકો, ખેડૂતો, સહકારી મંડળીઓ, રહેણાંક હેતુના ગ્રાહકો અને નાના વિકાસકર્તાઓને સોલર પ્રોજેક્ટ્સ સ્થાપવા અને રાજ્ય સરકારની સ્વચ્છ અને ગ્રીન ઊર્જાના વિકાસની પહેલમાં મહત્વનો ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેને આ પોલીસીના માધ્યમથી બળ મળશે.
- નાના પાયાના સોલાર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે, વીજ વિતરણ કંપનીઓ હવે આ નાના પાયાના સોલર પ્રોજેક્ટ્સ (4 મેગાવોટ સુધી)માંથી સ્પર્ધાત્મક બીડ (competitive bidding) દ્વારા નક્કી થયેલ ટેરિફ ઉપરાંત 20 પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવી વીજ ખરીદી કરશે. જ્યારે ચાર મેગાવોટથી વધારાની કેપેસીટીનાં પ્રોજેક્ટ્સમાંથી વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્પર્ધાત્મક બીડ (competitive bidding) હેઠળ સૌર ઉર્જા ખરીદી કરશે.
- ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી રાજય સરકાર કરશે. રહેણાંક ગ્રાહકો (સૂર્ય ગુજરાત યોજના) અને એમએસએમઇ (મેન્યુફેક્ચરીંગ) દ્વારા કેપ્ટિવ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલ વધારાની ઉર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ રૂ. 2.25 પ્રમાણેના દરથી પ્રથમ પાંચ વર્ષ માટે ચૂકવશે.
- ત્યારબાદ પ્રોજેક્ટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ (ટેન્ડર) પ્રક્રિયા દ્વારા શોધાયેલ અને કરાર કરાયેલા સરેરાશ ટેરિફના 75% ના દર પ્રમાણે વધારાની ઊર્જાની ખરીદી કરાશે, જે બાકીના સમયગાળા માટે નિશ્ચિત રહેશે.
- અન્ય તમામ ગ્રાહકો માટે, પ્રોજકટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી થયેલ અને કરાર કરાયેલા નવીનતમ ટેરિફના 75% ના દરે કરશે જે 25 વર્ષના પ્રોજેક્ટ જીવનકાળ માટે નિશ્ચિત રહેશે.
- HT તથા LT (ડિમાન્ડ આધારિત) ગ્રાહકો માટે બેન્કિંગ ચાર્જ સોલર વીજ વપરાશ મુજબ રૂ.1.50 પ્રતિ યુનિટ રહેશે, જ્યારે તે સિવાયના ગ્રાહકો તેમજ MSME એકમોના કિસ્સામાં બેન્કિંગ ચાર્જ પ્રતિ યુનિટ રૂ. 1.10 રહેશે.
- વધુમાં રહેણાંક ગ્રાહકો તથા સરકારી બિલ્ડિંગ માટે બેન્કિંગ ચાર્જ લાગુ પડશે નહીં.
- આ ઉપરાંત, સ્વવપરાશ (કેપ્ટિવ)ના કિસ્સામાં કોઈ ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે નહીં.
- થર્ડ પાર્ટી વેચાણના કિસ્સામાં અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતો ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે.
- ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જ/ લોસ અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતા દર મુજબ રહેશે.
- સૂર્ય ગુજરાત યોજના હેઠળ સ્થપાતા સોલાર રૂફટોપ પ્રોજેક્ટને સરકાર દ્વારા સબસીડી ચાલુ રહેશે.
- આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાંક ગ્રાહકોને 1.77 – 3.78 પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (કેપ્ટિવ) Rs. 2.92 – 4.31 પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેકટમાંથી ખરીદી) Rs. 0.91 – 2.30 પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે.

મુખ્યપ્રધાને ગ્રીન એનર્જી ક્ષ્રેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાતે 11 હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને 2022 સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય છે. જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી 800 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી રહેલ છે તેમજ રાજ્ય સોલાર રૂફટોપ યોજનામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

રીન્યુએબલ એનર્જી માટે 60 હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાને કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ખાતમુહૂર્ત કર્યુ છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે. 30 ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થવાથી 60,000 મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી કાર્બનના ઉત્સર્જનમાં 60 મીલીયન ટન જેટલો ઘટાડો થશે. એટલું જ નહી 40 મિલીયન ટન કોલસાની પણ બચત થશે અને વાર્ષિક 25 હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાતની સાથોસાથ અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જાની સાથેસાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.