
હીટ વેવના વરતારા જોતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારોને મતદાન કરવાની લાઈનમાં ગરમીમાં રાહત માટે ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમવાર ખાસ આયોજન કરાયું છે. અમદાવાદ જિલ્લામાં આવેલા અને જરૂરિયાત જણાઈ છે, એવા કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા અને ત્રણ કે તેથી વધારે બુથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ દિવસે દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીના પાંચ-પાંચ જગની વ્યવસ્થા કરાશે અને દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે.

મતદાન મથકો સિનિયર સિટીઝનો અને 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2438 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક મતદાન મથક દીઠ બે વોલીન્ટિયર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મતદારોની સાથે સાથે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિધાનસભા કક્ષાએ વેલ્ફેર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. દરેક વિધાનસભા કક્ષાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.