અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે, અને ખાસ મહત્વનું એ છે કે અમેરિકાથી સીધા 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ રોડ શો કરશે, જે રોડ શોમાં લાખો લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે. ત્યાર બાદ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અને 1 લાખથી વધુ લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ આગ્રા તાજમહેલ નિહાળવા જાય તેવી શકયતા છે અને 25 ફેબ્રઆરીએ દિલ્હીની મુલાકાત છે, જેમાં ભારત અને અમેરિકા વચ્ચે બિઝનેસ ડીલ થશે, સંરક્ષણના સોદા પર હસ્તાક્ષર થશે. ભારત અને અમેરિકાની ભાગીદારી વચ્ચે ચર્ચા થશે. આ તો થઈ ટ્રમ્પની મુલાકાતની વાત. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની ભારત મુલાકાત ગોઠવીને એક તીર છોડીને અનેક નિશાન સાંધી લીધા છે. જો કે અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી પણ આવી રહી છે, ભારત મુલાકાતથી ટ્રમ્પને પણ ફાયદો થવાનો છે.
USAના પ્રેસિડેન્ટે ઓવલમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભારત જવાની ઉત્સુકતા દાખવી હતી. નરેન્દ્ર મોદીને તેમના ખાસ ફ્રેન્ડ ગણાવ્યા હતા, અને કહ્યું હતું મોદી સજ્જન માણસ છે. મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શોમાં લાખો લોકો મારુ સ્વાગત કરશે, જે સાંભળીને મારી ઉત્સુકતા વધી ગઈ છે. ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનીયા ભારત આવવા અને ખાસ કરીને અમદાવાદ આવવા માટે ખુબ જ આતુર છે. ટ્રમ્પને વેલકમ કરવા માટે અમદાવાદીઓ હરખઘેલા થયા છે. સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. રાજ્ય સરકાર, પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મોટેરા સ્ટેડિયમના સંચાલકો, ગાંધી આશ્રમના સંચાલકો, ટ્રાફિક વિભાગના જવાનો, અમેરિકી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પ્રેસિડેન્ટ જે રસ્તા પર રોડ શો કરવાના છે, તે રોડનું બ્યૂટીફિકેશન જોરશોરથી ચાલી રહ્યું છે. રોડ શો વખતે ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા સ્ટેજ પર પર્ફોમન્સ, એરપોર્ટ પર પણ ગાર્ડ ઓફ ઓનર વિગેરે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઈ કચાશ ન રહી જાય તેવું ઝીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પની ભારત મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. એકતરફ ચીનમાં કોરોના વાયરસ ફેલાયો છે, અને મૃતકઆંક 1400 ઉપર નીકળ્યો છે. કોરોના વાયરસથી ચીનની ઈકોનોમી પર ગંભીર અસર પડી છે. બીજી તરફ અમેરિકા અને ભારત નજીક આવી રહ્યા છે. આપને ખબર હશે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યું છે, બેની લડાઈમાં ત્રીજો ફાવે તે ન્યાયે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ અંગે નવા સમજૂતી કરાર થશે. ટ્રેડવૉર પછી ભારત સામે બિઝનેસના નવા કરાર થશે તો ભારતને ફાયદો થશે, કેમ કે ભારતનું અર્થતંત્ર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ફુગાવાનો દર સતત વધી રહ્યો છે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે, જીડીપી ગ્રોથ છેલ્લા વર્ષથી સતત ઘટી રહ્યો છે, અને 5 ટકાના નીચે ઉતરી ગયો છે. આ સંજોગોમાં અમેરિકા સાથે બિઝનેસ ડીલ થશે તો ભારતની ઈકોનોમીને નવો બુસ્ટર ડોઝ મળી રહેશે. ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા જ અમેરિકા સાથે ભારતે 25 હજાર કરોડની ડીફેન્સ ડીલ નક્કી કરી છે. ભારત અમેરિકા પાસેથી 30 હેવી ડ્યૂટી આર્મ્ડ હેલિકોપ્ટર ખરીદશે. ચીનની ઈકોનોમીમાં કુદરતી રીતે મંદીનું ગ્રહણ લાગ્યું છે, તે સંજોગોમાં ભારત સાથે અમેરિકાની ડીલથી ભારતને આગળ વધવામાં ખુબ મદદરૂપ બની રહેશે અને ભારતીય અર્થતંત્રને નવો વેગ મળશે તે નક્કી છે.
બીજી તરફ અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડેન્શીયલ ઈલેક્શન આવી રહ્યું છે. ટ્રમ્પ ભારત મુલાકાતને અમેરિકામાં વસતા ભારતીય મતદારોને રીઝવવા માટેનો પ્રયાસ ગણી રહ્યા છે, ટ્રમ્પ તેમનો આ રીતનો ફાયદો જોઈ રહ્યા છે. ઈમ્પીચમેન્ટમાંથી સફળ રીતે બહાર નીકળ્યા પછી ટ્રમ્પની રાજકીય કારર્કિદી વધુ ઉજ્જવળ બની છે. ટ્રમ્પ તેને ચૂંટણીમાં મુદ્દો પણ બનાવી શકે છે. 2019માં અમેરિકાના હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રમ્પ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાઉડી મોદીથી ટ્રમ્પ ખાસ્સા ઈમ્પ્રેસ થયા છે, અને તેથી તેમણે મોટેરા સ્ટેડિયનું ઉદઘાટન અને ત્યાર બાદ સ્ટેડિયમમાં 1 લાખ વધુ લોકો સાથે સંવાદ કરશે. ‘કેમ છો ટ્રમ્પ’ ટ્રમ્પ માટે આ એક અદભૂત ક્ષણ છે. ટ્રમ્પની નજર ભારતીય મૂળના મતદારો પર છે, જેથી અમેરિકામાં વસતા કેટલાક અગ્રણી ભારતીયોને પણ મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે. જેથી ટ્રમ્પની વાત સીધી અમેરિકા સુધી પહોંચે.
ટ્રમ્પ અને મોદીના વધુ ઘનિષ્ઠ સંબધોથી વિશ્વ સમક્ષ એક નવો મેસેજ જશે. અને ખાસ કરીને ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે તે નક્કી છે. સામાન્ય રીતે અમેરિકાના તમામ પ્રેસિડેન્ટ ભારત આવે ત્યાર પછી પાકિસ્તાન જાય છે, પણ આ વખતે તેવું નથી. ટ્રમ્પ માત્ર ભારત મુલાકાતે આવી રહ્યા છે. તે પણ એક નવો સંદેશ આપે છે.
વડાપ્રધાન મોદી ખુદ ગુજરાતી છે, અને તેમણે એક તીરથી અનેક નિશાન તાક્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાત ટ્રમ્પ કરતાં ભારત માટે વધુ ફાયદાકારક રહેશે, તેમાં કોઈ મીનમેખ નથી. લાંબાગાળાના ફાયદા વિચારીને જ નરેન્દ્ર મોદી ડગલા માંડી રહ્યા છે. વેલકમ પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ…