નવી દિલ્હી- ભારતની અર્થતંત્રએ (Indian Economy) જૂન ક્વાર્ટરમાં પ્રોત્સાહક પ્રદર્શન કર્યું છે. જેમાં 7.8 ટકાનો ઝડપી વિકાસ થયો છે. (India GDP Growth) આ છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઝડપી GDP ગ્રોથ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 6.5 ટકાના અંદાજને પણ ભારતનો જીડીપી ગ્રોથનો (GDP Growth in June Quarter 2025) આંક વટાવી ગયો છે. પરંતુ શેરબજારની (Stock Market India) અપેક્ષાઓ કરતાં પણ વધુ સારો જીડીપી ગ્રોથ આવ્યો છે. અગાઉ, માર્ચ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિનો આંક 7.4 ટકા અને એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 6.5 ટકા હતો.
આ વૃદ્ધિ દર અપેક્ષા કરતા વધારે છે અને તે દર્શાવે છે કે ટેરિફ અંગે વૈશ્વિક સ્તરે ચાલી રહેલ ચિંતાના વાદળોને દૂર કરનાર છે. ટ્રમ્પ ટેરિફનો(Trump Tariff) ભારતના અર્થતંત્ર પર ખૂબ જ મર્યાદિત અસર જોવા મળી છે. જૂન ત્રિમાસિક ગાળામાં સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રોએ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે કૃષિ અને ખાણકામ ક્ષેત્રો અપેક્ષા કરતા નબળા રહ્યા હતા.
જૂન ત્રિમાસિકગાળામાં સર્વીસીઝ ક્ષેત્ર સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થયો છે. જેમાં 9.3 ટકાનો વિકાસ થયો. આ છેલ્લા બે વર્ષમાં સૌથી ઝડપી ગતિ છે. સરકારી સેવાઓનો વિકાસ દર 9.8 ટકા પર પહોંચ્યો છે, જે છેલ્લા 12 ક્વાર્ટરમાં સૌથી ઊંચા લેવલ પર છે. તે જ સમયે, ફાઈનાન્સિયલ સર્વીસીઝ સેક્ટર ક્ષેત્રે 8.6 ટકાનો વિકાસદર નોંધાવ્યો છે અને વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન સેવાઓમાં 9.5 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. આ સાથે, ભારતના GDPમાં સેવા ક્ષેત્રનો ફાળો હવે 53 ટકા પર પહોંચી ગયો છે.
ઉત્પાદન ક્ષેત્રે પણ મજબૂત પ્રદર્શન રહ્યું છે અને 7.7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. જ્યારે બાંધકામ ક્ષેત્રની ગતિ ધીમી પડીને 7.6 ટકા થઈ ગઈ છે. ખાણકામ ક્ષેત્ર સૌથી નબળું રહ્યું અને 3.1 ટકા ઘટ્યું છે, જે 11 ક્વાર્ટરમાં સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, વીજળી ઉત્પાદનમાં માત્ર 0.5 ટકાનો વધારો થયો, જે 19 ક્વાર્ટરમાં સૌથી નીચો સ્તર છે.
ખાનગી વપરાશમાં પણ સુધારો જોવા મળ્યો છે અને તે ત્રણ ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તર 7 ટકા પર પહોંચ્યો છે. ગ્રામીણ અર્થતંત્રની મજબૂતાઈએ આ વૃદ્ધિને ટેકો આપ્યો છે. સરકારી વપરાશ 7.5 ટકા વધ્યો છે, જ્યારે ઈન્વેસ્ટમેન્ટ ટુ GDP ગુણોત્તર 34.6 ટકા પર પહોંચ્યો છે. જે ત્રણ વર્ષની ઊંચી સપાટી પર છે. ખાનગી વપરાશ હવે GDPમાં 56.7 ટકાનું યોગદાન આપે છે, જે અર્થતંત્રના વિકાસને જાળવવામાં તેની મજબૂત ભૂમિકા દર્શાવે છે.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભારતના જીડીપી ગ્રોથથી સાબિત થાય છે કે વૈશ્વિક પ્રેશર, ગ્લોબલ અનિશ્ચિતતા, જીઓ પોલિટિકલ ટેન્શન અને ટ્રમ્પ ટેરિફ સંબંધિત પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર ગ્રોથ દર્શાવી રહ્યું છે.
જૂન ત્રિમાસિકગાળાના આંકડા દર્શાવે છે કે ભારત માત્ર વૈશ્વિક દબાણનો સામનો કરી રહ્યું નથી, પરંતુ તેનાથી આગળ વધી રહ્યું છે અને વિકાસની નવી ઊંચાઈઓને સર કરી રહ્યું છે. તાજેતરમાં S&P ગ્લોબલ રેટિંગ્સે લગભગ બે દાયકા પછી ભારતના રેટિંગને અપગ્રેડ કર્યું છે અને આગામી ત્રણ વર્ષ માટે 6.8 ટકા સુધીના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે.