
વર્લ્ડ બેંકે પોતાનો નવો દક્ષિણ એશિયા આર્થિક ફોક્સ રીપોર્ટમાં નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર 7.5 ટકાથી 12.5 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. વર્લ્ડ બેંકનો આ રીપોર્ટ તેમની આઈએમએફની સાથે થનારી વાર્ષિક બેઠક પહેલા આવ્યો છે.
ભારતનું જીએસટીની આવકનું કલેક્શન માર્ચ, 2021માં 1.24 લાખ કરોડ ઑલ ટાઈમ હાઈ નોંધાયું છે, જે 27 ટકાનો વધારો દર્શાવે છે. તેમજ જાન્યુઆરી માર્ચ કવાર્ટરમાં 14 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા છ મહિનાથી દેશની જીએસટીની આવક રૂપિયા 1 લાખ કરોડ ઉપર રહી છે. જીએસટી આવકને જોતા ભારતની ઈકોનોમી ઝડપથી વૃદ્ધિ નોંધાવી રહી છે. કોરોના અને લોકડાઉનની અસર તળેથી ભારત ઝડપથી બહાર નીકળ્યું છે. અને આગામી સમયમાં તે વધુ પ્રગતિના શીખરો સર કરશે.

વર્લ્ડ બેંકનું કહેવું છે કે કોરોના આવ્યો તે પહેલા ભારતનું અર્થતંત્ર નરમાઈના ગાળમાંથી પસાર થઈ રહ્યું હતું. નાણાકીય વર્ષ 2016-17માં તે 8.3 ટકાના દરથી વૃદ્ધિ કરી રહ્યું હતું, જ્યારે 2019-20માં દેશનો આર્થિક વૃદ્ધિ દર 4 ટકા સુધી આવી ગયો હતો.

વર્લ્ડ બેંકનું કહેવું છે કે ભારતના અર્થતંત્રએ ઝડપથી ગતિ પકડી છે. અર્થવ્યવસ્થાના મોટાભાગના ક્ષેત્રો ખૂલી ગયા છે અને વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે અને સાથે વેક્સિનેશનના ઉત્પાદનમાં પણ અગ્રણી રહ્યું છે. જો કે ભારત સામે પડકારો ઉભા છે, વેક્સિનેશન કયારે પુરુ થશે? તેમ છતાં નીતિગત સુધારાને કારણે ભારતની અર્થવ્યવસ્થા 2021-22માં 7.5 ટકાથી 12.50 ટકા સુધી આર્થિક વૃદ્ધિ દર નોંધાવી શકે તેવું અનુમાન છે.