
વધારે મહત્વનું એ છે કે ભારત વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટી બનશે, જેનું સંચાલન યુવાન લોકો કરતાં હશે. “અને આપણી માથાદીઠ આવક જે અત્યારે 1800-2000 અમેરિકી ડોલર છે તે વધીને 5000 અમેરિકી ડોલર થશે,” તેમ પણ તેમણે જણાવી ઉમેર્યું કે આગામી દાયકાઓમાં ઝડપી બની રહેલા સામાજિક અને આર્થિક પરિવર્તનના દૌરમાં ભાગ લેવા ફેસબૂક અને તેવા જેવી વિશ્વની અન્ય અગ્રણી કંપનીઓ પાસે ભારતમાં સ્થાન જમાવવા માટે સુવર્ણ તક છે.
ઝુકરબર્ગે કહ્યું હતું કે, નોંધનીય ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ ધરાવતું ભારત તેમના માટે ખાસ દેશ છે અને એટલા માટે જ તેઓ ઇચ્છે છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલી વોટ્સએપ પેમેન્ટ સેવાઓ ભારતમાં વધુ વિસ્તારશે. ઝુકરબર્ગે જણાવ્યું કે, “ગત મહિને જ અમે ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સેવા શરૂ કરી છે — હવે તમે તમારા મિત્રો અને સંબંધીઓને મેસેજ જેટલી જ સરળતાથી વોટ્સએપ પે દ્વારા રૂપિયા પણ મોકલી શકો છો. આ બધું જ UPI પેમેન્ટ સિસ્ટમના કારણે સરળ બન્યું છે જે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે.”
તેમણે એમ પણ જણાવ્યું કે, યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI)ના કારણે અલગઅલગ એપ ઉપર પેમન્ટ સ્વીકારવાનું દરેક માટે સરળ બન્યું છે. દેશમાં પોસાય તેવી કનેક્ટિવિટી આપવાના સ્વ.ધીરુભાઈ અંબાણીના સ્વપ્નનો ઉલ્લેખ કરતાં ઝુકરબર્ગે કહ્યું હતું કે, “આજે ભારતીયો એક પોસ્ટકાર્ડની કિંમત કરતાં પણ ઓછા ખર્ચમાં કોઈની પણ સાથે વાતચીત કરી શકે છે અને અમે મેસેજિંગ વિકસાવવામાં પણ એ જ પ્રયાસ કર્યો છે અને આપણે સાથે મળીને પેમેન્ટ માટે પણ એવું જ કરીશું કે જેનાથી લોકો એટલી જ સરળતાથી ભારતની નવી યુપીઆઇ સિસ્ટમનો ઉપયોગ કરી શકે, જે ખરેખર બહુ જ મહાન સિદ્ધિ છે.”

મુંકેશ અંબાણીએ કહ્યું કે, “માર્ક હું માનું છું કે, આવનારા વર્ષોમાં અમારું કામ અમારા શબ્દો કરતાં વધારે ઊંચા અવાજે સંભળાશે. ભારતે તમામ પ્રકારના ડિજિટાઇઝેશન સહિતની ટેક્નોલોજી માટે લીધેલા પગલાં વ્યક્તિગત અને નાના વેપાર-ધંધા માટે અસ્ક્યામતોનું લોકશાહી ઢબે વિતરણ સુદૃઢ બનાવશે અને તેમના માટે મૂલ્યનું સર્જન પણ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.

જ્યારે ઝુકરબર્ગે કહ્યું હતું કે, “અમે નાના વેપાર-ધંધાને જ સેવાઓ આપીએ છીએ અને એ ભારતમાં સૌથી વધુ યથાર્થ ઠર્યું છે. આ એટલા માટે વિશેષ છે કારણ કે નાના વેપાર-ધંધા અહીં વૈશ્વિક અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવાની અને આગળ વધવાની ચાવી છે. અને અમે તેમના માટે શ્રેષ્ઠ સંસાધનો તૈયાર કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું સુનિશ્ચિત કરીએ છીએ,” તેમ જણાવી ઝુકરબર્ગે ઉમેર્યું હતું કે, “ટેક્નોલોજી દરેકના ઉપયોગ માટે હોય” તેનું તેમની કંપની ખાસ ધ્યાન રાખે છે અને રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરવા પાછળનું સૌથી મોટું કારણ પણ એ જ હતું. કારણ કે રિલાયન્સ જિયોએ લાખો-કરોડો ભારતીયો સુધી ઇન્ટરનેટના લાભ પહોંચાડવા અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને બળવત્તર બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી છે.