અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે ગુરુવારે નવો કડાકો બોલી ગયો હતો. શેરોની જાતેજાતમાં ઓલરાઉન્ડ વેચવાલી ચાલુ રહી હતી. 27 ઓગસ્ટથી ભારત પર 50 ટકા ટ્રમ્પ ટેરિફ લાગુ થયો છે. જેને પગલે શેરબજારનું (Share Market India) સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો આજે ગુરુવારે છેલ્લો દિવસ હતો. જેથી તેજીવાળા ઓપરેટરોની ભારે વેચવાલીથી શેરોના ભાવ વધુ તૂટ્યા હતા. આજે આઈટી, ફાર્મા, રિયલ્ટી, એનબીએફસી સેકટરના શેરોમાં વેચવાલીથી ગાબડા પડ્યા હતા. આજે મીડકેપ (Midcap) અને સ્મોલકેપ (SmallCap) શેરોમાં જોરદાર વેચવાલીનો મારો આવ્યો હતો. આજે ગુરુવારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4 લાખ કરોડનું ધોવાણ થયું હતું એટલે કે રોકાણકારોની મૂડીમાં અંદાજે 4 લાખ કરોડનું ધોવાણ થયું છે.
સેન્સેક્સ 705 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 80,754ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 80,786 થઈ ત્યાંથી ઓલરાઉન્ડ વેચવાલી નીકળતાં ઝડપી તૂટી 80,013 બંધ થયો હતો. જે મંગળવારના બંધની સરખામણીએ 705.97નું ગાબડું દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 211 પોઈન્ટ ગબડ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 24,695ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,702 થઈ અને તે લેવલથી ઝડપી તૂટી 24,481 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,500 બંધ રહ્યો હતો. જે 211 પોઈન્ટનું નવું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટી બેંક(Nifty Bank) 630 પોઈન્ટ તૂટી 53,820 બંધ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 718 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 498 પોઈન્ટ તૂટ્યા હતા.
એફઆઈઆઈની (FII Ner Sale) સતત વેચવાલી ચાલુ રહી હતી. 26 ઓગસ્ટે એફઆઈઆઈએ 6516 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે ડીઆઈઆઈએ (DII Net Buy) 7060 કરોડનું નેટ બાય કર્યું હતું.
પોઝિટિવ ન્યૂઝ
(1) વધુમાં 50 ટકા યુએસ ટેરિફની વચ્ચે ટેક્સટાઈલ સેક્ટરને સરકાર તરફથી મોટી રાહત મળી છે. કોટન પર આયાત ડ્યૂટીની છૂટની મર્યાદા વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. હવે ડિસેમ્બર સુધી કોટન પર આયાત ડ્યૂટીની છૂટ મળશે. આ રાહત સપ્ટેમ્બરમાં સમાપ્ત થવાની હતી.
(2) ટ્રમ્પના 50 ટેરિફના અમલ પછી સમાચાર આવ્યા છે કે અમેરિકા સાથે બન્ને બાજુથી વાતચીતના રસ્તા બંધ થયા નથી. બન્ને દેશો તરફથી વાતચીત અંગેના સકારાત્મક સંકેત મળ્યા છે.
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 960 શેરના ભાવ વધ્યા હતા અને 2015 શેરના ભાવ ઘટ્યા હતા.
32 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 83 શેર બાવન વીક લો પર બંધ હતા.
57 શેરમાં અપર સર્કિટ અને 98 શેરમાં લોઅર સર્કિટ હતી.
ટોપ ગેઈનર્સઃ ટાઈટન, કોલ ઈન્ડિયા, હીરો મોટો, લાર્સન ટુબ્રો અને મારૂતિ
ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, એચસીએલ ટેકનોલોજી, પાવરગ્રીડ, ટીસીએસ અને તાતા કન્ઝ્યુમર
ટેકનિકલી માર્કેટમાં નરમાઈ
ટેકનિકલી જોવા જઈએ તો માર્કેટ ખૂબ જ વીક છે. આગામી દિવસોમાં નિફ્ટીમાં 24,350નું સપોર્ટ લેવલ આવે છે, ત્યાં કદાચ બજાર સપોર્ટ મેળવે તેવી શકયતા છે. પરંતુ નિફ્ટીમાં 24,500નું લેવલ તૂટયું છે, જે ટેકનિકલી મોટી નરમાઈ દર્શાવે છે. જેથી હાલ બજારમાં કાંઈ ખરીદવા જેવું નથી. કારણ કે હાલ મંદીના અનેક કારણો મોજૂદ છે અને તેજીવાળા વેચવાલ થયા છે.