ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં ૬૪ મુદ્દાઓ ઉપર અભ્યાસપૂર્ણ સર્જનાત્મક વિચાર વિમર્શ કરાયો

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં કહ્યું હતું કે, મહામાનવ પૂજ્ય ગાંધીજીના આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવા એ આપણું લક્ષ્ય છે. આ મિશનને પાર પાડવા આપણે એક પરિવારની જેમ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરીએ.
ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક આજે રાજભવનમાં યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હું રાજકારણી નથી, હું સામાજિક કાર્યકર છું. વર્ષોથી ગાંધીવિચારને અનુરૂપ ગુરુકુળમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કરું છું. રાજકારણથી બહાર આવીને સહુએ ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા આણવાની આવશ્યકતા છે. શિક્ષણનું સ્તર વધુ ઊંચું લઈ જવાની જરૂર છે. પૂજ્ય ગાંધીજીના ગ્રામોત્થાનના વિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. રાષ્ટ્ર નિર્માણના આ મહત્વના કાર્યમાં સકારાત્મકતાથી સૌના સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે.

ચર્ચામાં ભાગ લેતાં સખાવતી દાનવીર અને ગાંધીવાદી રાજશ્રીબેન બિરલાએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠમાં પસંદગીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં સમયની માંગ પ્રમાણે ગુજરાતી માધ્યમની સાથે હિન્દી માધ્યમમાં પણ અભ્યાસ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી પદ્મશ્રી ગફૂરભાઈ બિલખીયાએ કહ્યું હતું કે, હું ‘ગાંધીજન’ છું. પૂજ્ય ગાંધીજીએ ચીંધેલું આ કામ ઈશ્વરીય કાર્ય છે. સૌના સહયોગ અને સહિયારા પ્રયત્નોથી ગુજરાત વિદ્યાપીઠમાં નવા ઉમંગ, ઉત્સાહ અને ચેતનાનો સંચાર થયો છે. ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, સાચા અર્થમાં દિગ્ગજ કહેવાય એવા વિદ્વાન કુલપતિ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ગૂજરાત વિદ્યાપીઠનું સમગ્ર વહીવટીતંત્ર સુવ્યવસ્થિત થઈ રહ્યું છે.

કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી, રજીસ્ટ્રાર ડૉ. નિખિલભાઈ ભટ્ટ તથા ગૂજરાત વિદ્યાપીઠ મંડળના તમામ ટ્રસ્ટીઓએ આ બેઠકમાં સક્રિયતાથી ભાગ લઈને રચનાત્મક સૂચનો કર્યા હતા.

- ગુજરાત વિદ્યાપીઠ મંડળ હસ્તકના વિવિધ વિભાગોમાં એકેડેમિક અને એડમીન કેલેન્ડર જે તે સંગઠન સાથેના એફિલિએશન મુજબ કરાશે, જેથી કર્મચારી સેવાઓ અને રજાઓના નિયમોમાં હવે કોઈ ગૂંચવાળા નહીં સર્જાય.
- ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સૂચિ તૈયાર કરાશે અને ભાવિ યોજનાઓમાં એલ્યુમનીનો સહયોગ લેવાશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવા માટે મોબાઈલ એપ ડેવલપ કરાશે.
- સાદરામાં આવેલા ‘પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર’નું નામ બદલીને ‘સરદાર પટેલ તાલીમ કેન્દ્ર’ કરાશે. આ તાલીમ કેન્દ્રમાં યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શિક્ષણ અને માર્ગદર્શનની વ્યવસ્થા ઉભી કરાશે.
- ગુજરાત વિદ્યાપીઠમાં ‘પ્રાચ્ય વિદ્યા અને વિરાસત વ્યવસ્થાપન સંસાધન કેન્દ્ર’ કાર્યરત છે. વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ ત્યારે આ કેન્દ્રનું નામ ‘ગુજરાત પુરાતત્વ મંદિર’ હતું. હવે આ કેન્દ્ર ‘ગુજરાત વિદ્યાપીઠ પુરાતત્વ મંદિર’ તરીકે સક્રિયતાથી કાર્યરત થશે.
- વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝની 42 જેટલી કૃતિઓ સહિતના કલા સાહિત્ય વારસાને ગૂજરાત વિદ્યાપીઠમાં ગેલેરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવાશે.
- ગુજરાત વિદ્યાપીઠના મધ્યસ્થ ગ્રંથાલયનું નવીનીકરણ કરાશે.
- પૂજ્ય ગાંધીજી સ્થાપિત સંસ્થાઓ; ગુજરાત વિદ્યાપીઠ અને ‘નવજીવન’ વચ્ચે પુસ્તક પ્રકાશન અને વેચાણ સંબંધિત સમજૂતી કરાર કરાશે.
- ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આધુનિક રમતગમત સંકુલનું નિર્માણ કરાશે. સાદરા પરિસરનું મેદાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધોરણો મુજબ તૈયાર કરાશે.