
પુરુષપ્રધાન દેશમાં મહિલાઓ પર થતાં અત્યાચાર કે દુષ્કર્મ પીડિતાને યોગ્ય ન્યાય માટે લડવું પડે તે કમનસીબી છે. કે જે દેશ સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ સમજે છે, સ્ત્રીને શક્તિનું પ્રતીક માને છે, સમાજજીવનમાં સ્ત્રી અતિમહત્વનું પાત્ર છે. આ જ સ્ત્રીને ભારત દેશમાં ન્યાય માટે ઝઝૂમવું પડે, દયાની ભીખ માગવી પડે, તે તો સાવ નમાલી વાત છે. દુષ્કર્મ પીડિતાને ન્યાય તો મળવો જ જોઈએ, અને ઝડપી ન્યાય મળવો જોઈએ, તે દિશામાં સરકાર અને ન્યાયિક સીસ્ટમે વિચારવાની તાતી જરૂરિયાત છે.
હૈદરાબાદમાં 27 નવેમ્બરની રાત્રે મહિલા વેટરનરી ડૉકટરની સાથે ગેંગરેપ થયો અને પછી તેની હત્યા કરી નાંખવામાં આવી, પોલીસને 28 નવેમ્બરે મહિલા ડૉકટરનું શબ બળેલી હાલતમાં મળ્યું. આવા જધન્ય અપરાધ પછી હૈદરાબાદ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી, અને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી. આ ઘટના ઘટી પછી આખા દેશમાં વિરોધ પ્રદર્શન થયાં, સંસદથી લઈને સડક સુધી વિરોધના સૂરો સંભળાયાં અને બસ એક જ માગ હતી કે આરોપીઓને આકરી સજા થાય અને દુષ્કર્મ પીડિતાને ન્યાય મળે. મહિલા ડૉકટરના પિતાએ પણ આ મામલે દોષિતોને ઝડપથી સજા મળે તેવી માંગ કરી હતી. તેલગાંણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે ગેંગરેપ અને હત્યાના મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી, અને ઝડપથી તપાસના આદેશ આપ્યાં હતાં. આ તો થઈ ઘટનાની વાત. પણ ત્યાર પછી જે થયો એ ઘટનાક્રમ કાબિલેતારીફ પણ લાગ્યો છે.


બીજી તરફ ઘટનાક્રમને લઇને સામી દિશાની પ્રતિક્રિયાઓ પણ આવી. કેટલાક લોકોએ આ એકાઉન્ટરને વખોડી નાંખ્યું. આવી રીતે ન્યાય ન કરાય, ન્યાય માટે કોર્ટ છે. કાયદો હાથમાં ન લેવાય… વગેરે વગેરે નિવેદનો આવ્યાં. લોકશાહી છે, બધાંને બોલવાનો હક છે, પણ આટલા જબરજસ્ત જધન્ય કહી શકાય તેવું દુષ્કર્મ કર્યું હોય, દુષ્કર્મનો ભોગ બનનારી પીડિતા પર શું ગુજરી હશે?, તેનો કોઈ વિચાર કર્યો ખરો, કે પછી બસ નિવેદન આપી દેવું. આપણે ન્યાયની ટીકા નથી કરતાં, પણ પોલીસ સામેનો હૂમલો, પોલીસના હથિયારો છીનવવાનો પ્રયાસ, અને પોલીસની કસ્ટડીમાં ભાગવું, આ બધું પોલીસ મૂંગી બનીને જોઈ રહે, કે પછી સ્પોટ પર કાર્યવાહી કરે. પોલીસ શેના માટે છે, તે સૌના રક્ષણ માટે છે, પોલીસ પોતાના બચાવમાં ફાયરિંગ કરે તો શું તે ગુનેગાર છે. અને ધારો કે પોલીસની કસ્ટડીમાંથી ચાર આરોપીઓ ભાગી છૂટ્યા હોત તો આ જ પોલીસને દેશના લોકોએ છોતરાં ફાડી નાંખ્યાં હોત, નમાલા કહ્યાં હોત અને દેશભરમાં હોહલ્લા પણ આ લોકોએ જ કરી હોત. હાલ તો પોલીસે કાબિલેતારીફ કામ કર્યું છે.

સમય પર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્ટેટમેન્ટ પણ આવ્યું છે કે પોક્સો હેઠળ રેપના આરોપીઓને દયા અરજી કરવાનો અધિકાર મળવો જ ન જોઈએ. મહિલાઓની સુરક્ષાએ મહત્વપૂર્ણ મુદ્દો છે, તેના માટે સંસદે નિર્ણય લઈને બંધારણમાં જરૂરી સુધારા કરવા જોઈએ. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ(પોક્સો) એક્ટ હેઠળ સગીર બાળકોની સાથે થનારા જાતીય અપરાધો અને છેડતીના કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્ટ બાળકોને જાતીય સતામણી જેવા ગંભીર અપરાધ સામે રક્ષણ આપે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આબુરોડ પરના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હાલમાં બંધારણ હેઠળ બળાત્કારના આરોપીઓને દયા અરજી દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મારા મતે આ અધિકાર અંગે ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. બળાત્કારના આરોપીને દયા અરજી કરવાનો અધિકાર મળવો જ ન જોઈએ. હૈદરાબાદ અને ઉન્નાવની ઘટના પછી રાષ્ટ્રપતિનું આ નિવેદન ખૂબ જ સૂચક અને મહત્વનું બની જાય છે. કેન્દ્ર સરકાર 100 ટકા આ બાબતે ચર્ચા વિચારણા કરીને યોગ્ય કાયદો બનાવશે જ.

હવે સમાજ અને દીકરીઓ જાગૃત થઈ છે. ન્યાય પણ મળે છે. બસ હવે તો માત્રને માત્ર કડક કાયદો ઘડવાની તાતી જરૂરિયાત છે. બળાત્કારના કેસમાં પકડાય તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, આરોપી સાબિત થાય તો જામીન નહી, અને ફાંસીની સજા. તેમ જ કોઈ દયાની અરજી કરવાનો અધિકાર જ ન મળવો જોઈએ. આમ થશે તો જ બળાત્કારમુક્ત દેશનું નિર્માણ થશે.
શા માટે બળાત્કારની ઘટનાઓ ઘટે છે, તે પણ સમાજજીવનના અગ્રણીઓ વિચારવાની જરૂર છે. શું મોબાઈલ જવાબદાર છે? સોશિયલ મીડિયા જવાબદાર છે? કે પછી પોર્ન વેબસાઈટ દર્શાવાતી વિકૃતિઓ જવાબદાર છે? કે પછી બોલીવુડમાં દર્શાવાતા આઈટમ સોંગ્સ જવાબદાર છે? બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્ર તો આપણે ખૂબ સાંભળ્યું, પણ હવે બેટીને ડિફેન્સની તાલીમ પણ આપવાનો અવાજ પ્રબળ બની ગયો છે.
‘બેટી પઢાવો… બેટીને ડિફેન્સની ફરજિયાત તાલીમ’