

વ્લાદિમીર પુતિને ખૂબ જ લાંબા સમય સુધી રશિયાની કમાન સંભાળી છે. તેઓ રાષ્ટ્રપતિ તો ત્યારે કયારેક વડાપ્રધાન પદે પણ રહ્યાં છે. આ તેમનો ચોથો કાર્યકાળ છે. તેમણે માર્ચ 2018માં ચૂંટણીમા ચોથીવાર જીત મેળવી હતી, અને હવે તેઓ 2024 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ પર રહેશે. રશિયાના હાલના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પુતિન ચોથા કાર્યકાળ સમાપ્ત થાય પછી તેઓ પછીની ટર્મ માટે રાષ્ટ્રપતિ નહીં બની શકે. નિષ્ણાતો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે બંધારણમાં ફેરફાર કર્યા પછી પુતિન સત્તામાં લાંબા સમય સુધી રહેવાનો રસ્તો ખુલી જશે.

વર્ષ 1996માં વ્લાદિમીર પુતિન મોસ્કો આવી ગયાં અને રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનના વહીવટી સ્ટાફ તરીકે જોડાયા હતાં. જુલાઈ 1998માં બોરિસ યેલ્તસિને પુતિનને ફેડરલ સિક્યુરિટી સર્વિસના ડાયરેક્ટર બનાવી દીધાં હતાં. પુતિન ઝડપથી પોતાની હોશિયારીથી આગળ વધ્યાં હતાં, અને તેમણે તેમનો પ્રભાવ પાડ્યો હતો. તે પછી 1999માં પુતિન રશિયાના વડાપ્રધાન બન્યાં બન્યાં હતાં, અને તે પછી સતત તેઓ તેમની લોકપ્રિયતાને પગલે ચૂંટણી જીતતા આવ્યાં છે.

રશિયામાં સ્ટેટ કાઉન્સિલ એક સલાહકાર પરિષદ છે. જેમાં 85 સ્થાનિક ગવર્નર અને રાજનીતિક નેતા હોય છે. પુતિન સ્ટેટ કાઉન્સિલને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. તેમનો ઈરાદો એવો છે કે તેઓ આ સંસ્થાને શક્તિશાળી બનાવીને તેના નેતા બની જશે. તેની પાછળ પુતિનની એક મહત્વાકાંક્ષા પણ છે. રાષ્ટ્રપતિ પદનો ચોથો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા તેઓ એક એવી જગ્યા શોધી રહ્યા છે કે જ્યાં તેઓ સત્તામાં રહી શકે. અને તે સત્તા રાષ્ટ્રપતિ પદથી પણ વધારે શક્તિશાળી હોય. અને તેઓ આ પદ પર બિરાજીને સત્તાનું સુકાન સંભાળી શકે. જો આમ થશે તો પુતિન રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં વગર દેશની સત્તા પર તેમનો કબજો રહેશે.
જો પુતિન સુરક્ષા કાઉન્સિલને વધુ મજબૂત કરવામાં સફળ રહ્યાં તો રશિયામાં સત્તાના ત્રણ કેન્દ્રો થઈ જશે. જેમાં રશિયાની સંસદ એટલે કે ડ્યૂમા થશે. તે પછી સ્ટેટ કાઉન્સિલ પણ શક્તિશાળી સંસ્થા બની જશે. તે પછી શક્તિશાળી કેન્દ્ર હશે રશિયાના રાષ્ટ્રપતિ. હવે જોવાનું એ રહે છે કે સ્ટેટ કાઉન્સિલને કેવા પ્રકારના અધિકાર આપવામાં આવે છે.
