સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી, આ તેજીનું તોફાન કયારે શમશે?

by Investing A2Z

અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં(Gold Silver Market) બે તરફી વધઘટ પછી તેજીની આગેકૂચ રહી હતી. ગોલ્ડ(Gold Rate Today) અને સિલ્વરે(Silver Rate Today) નવા ઊંચા ભાવ દર્શાવ્યા હતા. એક તબક્કે નફારૂપી ભારે વેચવાલી પણ આવી હતી, જો કે નીચા મથાળે જોરદાર લેવાલી નીકળતાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ ફરીથી ઊંચકાયા હતા. (Gold New High) ગોલ્ડે 3744 ડૉલર અને(Silver New High) સિલ્વરે 43.43 ડૉલરની નવી હાઈ બતાવી હતી. આનાથી સાબિત થાય છે કે બુલ ઓપરેટરો ખૂબ જ સ્ટ્રોંગ છે. હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરની આ તેજી કેટલી આગળ વધશે? તેજીનું તોફાન કયારે શમશે? નફારૂપી વેચવાલી કેમ ખવાઈ જાય છે? અને આટલા ઊંચા ભાવે કોણ ખરીદી કરી રહ્યું છે? શું ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટશે જ નહી? ભારતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં સોના ચાંદીમાં ઊંચાભાવે ટોકનરૂપી ખરીદીનો માહોલ જોવાશે?

જૂઓ વીડિયો….

સૌપ્રથમ વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારના ભાવની વધઘટ પર નજર કરીએ….

અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન વધુ રૂપિયા 800 વધી 1,14,300 રહ્યો હતો અને ચાંદીનો ભાવ 2500 વધી 1,31,500 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઝડપી ઉછળી 3744 ડૉલરની નવી હાઈ બનાવીને ત્યાંથી ઘટી 3660 ડૉલર થઈ અને સપ્તાહને અંતે ફરીથી ઝડપી ઉછળી 3705 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 19 ડૉલરનો વધારો દર્શાવે છે.

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઉછળી 43.43 ડૉલરની નવી હાઈ બનાવીને ત્યાંથી ઘટી 41.48 ડૉલર થઈ અને સપ્તાહને અંતે ફરીથી ઉછળી 42.95 ડૉલર બંધ રહ્યો હતો.

સ્પોટ ગોલ્ડ સપ્તાહ દરમિયાન વધી 3707 ડૉલરની નવી હાઈ બનાવીને ત્યાંથી ઘટી 3626 ડૉલર થઈને સપ્તાહને અંતે ફરીથી વધી 3684 ડૉલર બંધ રહ્યો હતો. જે 50 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર સપ્તાહ દરમિયાન વધી 43.12 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 41.12 ડૉલર થઈ અને સપ્તાહને અંતે ફરીથી વધી 43.10 ડૉલર બંધ રહ્યો હતો.

અમેરિકન ફેડરલ રીઝર્વની 17 સપ્ટેમ્બરે બેઠક હતી. જેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. 11 વિરુદ્ધ 1 મતથી ફેડ રેટ કટ કરાયો હતો. ડીસેમ્બર 2024 પછી આ વર્ષમાં પહેલી વાર ફેડ રેટ કટ આવ્યો છે.

ફેડરલ રીઝર્વને ચેરમેન જેરોમ પોવેલે લેબર માર્કેટના નબળા ડેટાને કારણે આ વર્ષે બે વખત રેટ કટ કરવાનો સંકેત આપ્યો હતો. જે પછી 2026ના આઉટલૂકને અપગ્રેડ કરવામાં આવ્યું હતું.

જો કે ગોલ્ડ સિલ્વર માર્કેટની ધારણા હતી કે ફેડ રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો આવશે, પણ ધારણા કરતાં ઓછો ફેડ રેટ કટ આવતાં એક તબક્કે તો ભારે વેચવાલી ફરી વળી હતી. પણ સામે તેજીવાળા ઓપરેટરોએ ઘટ્યા ભાવે ભારે લેવાલી કાઢી હતી, જેથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ ફરીથી પાછા ઊંચકાયા હતા.

વિશ્વમાં હજી એનક અનિશ્ચતતાનો માહોલ છે. રશિયા યુક્રેન યુદ્ધ- ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ સાથે ટ્રમ્પ ટેરિફનો ભય. જેને કારણે વિશ્વના અર્થતંત્ર પર નેગેટિવ અસર પડી રહી છે. યુએસ ડોલર પર વિશ્વાસ નથી, જેથી સેન્ટ્રલ બેંકો હાલના ઊંચા ભાવે પણ ગોલ્ડ સિલ્વર ખરીદી રહી છે. આ સંજોગો જોતા વર્ષ 2025ના અંતમાં સુધી ગોલ્ડ 4000 ડૉલર થવાની ધારણા બજારમાંથી મળે છે.

અમેરિકાને હજી ચીન, ભારત. તાઈવાન, કેનેડા અને મેક્સિકો સાથે ટ્રેડ ડીલ કરવાની બાકી છે. જેમાં વાટાઘાટો ચાલી રહી છે. અને ટ્રમ્પ દરરોજ કોઈને કોઈ એવી જાહેરાત કરે છે કે જેની વિશ્વના બજારો પર તેની અસર જોવા મળે છે. મોદીનો દોસ્ત પણ કહે છે અને ટેરિફ પણ નાંખે છે. ચાબહાર પોર્ટ પર પ્રતિબંધ પણ લગાવે છે. ભારત પર પ્રેશર રાખવામાં ટ્રમ્પે કાંઈ બાકી રાખ્યું નથી. ટ્રેડ વોરથી અમેરિકન ઈકોનોમીને નુકસાન થઈ રહ્યું છે. તે આગામી દિવસોમાં જાહેર થનાર ડેટા પર ફલિત થશે.

એક નોંધનીય વાત છે કે સ્વીસ કસ્ટમ ડેટા અનુસાર ગોલ્ડ બાર પર  લગાવવામાં આવેલ ટેરિફને કારણે ઓગસ્ટ મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડની યુનાઈટેડ સ્ટેટ્સ(યુએસ- અમેરિકામાં સોનાની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કસ્ટમના ડેટા પર નજર કરીએ તો જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડથી શિપમેન્ટ 99 ટકાથી વધુ ઘટીને માત્ર 0.3 ટન થયું છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુએસ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડથી સોનાના બાર પર 39 ટકા આયાત ટેરિફ લાદ્યો છે. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે સોના પર ટેરિફ લાદવામાં આવશે નહી.

યુએસમાં ઓગસ્ટમાં કુલ સ્વિસ નિકાસ અગાઉના મહિના કરતાં 22 ટકા ઓછી છે. જ્યારે ચીનમાં સ્વિસ સોનાના શિપમેન્ટ ત્રણ ગણા વધ્યા છે અને 2024 પછી તેના સૌથી ઊંચા લેવલ પર છે. સ્વિસ ડેટા અનુસાર ચીનમાં ઓગસ્ટમાં સોનાની નિકાસ 35 ટન થઈ હતી જે જુલાઈમાં 9.9 ટન હતી. હવે વાત કરીએ ભારતની…. તો ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડે ભારતમાં 15.2 ટન ગોલ્ડ મોકલ્યું હતું. જે પાછલા મહિનાના 13.5 ટનથી વધુ હતું. ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડની કુલ સોનાની નિકાસ 19 ટકા ઘટી 105 ટન થઈ હતી.

જો કે રોકાણકારોએ હાલના ભાવે ગોલ્ડ અને સિલ્વરમાં નવા રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે ભાવ ખૂબ ઊંચા છે. ગોલ્ડ અને સિલ્વરમાં હવે સટ્ટાકીય તેજીનું તોફાન છે. અને આગામી સપ્તાહે પણ બે તરફી ભારે વધઘટ આવે તો નવાઈ નહી. એક વર્ષમાં ગોલ્ડ અને સિલ્વરમાં 42 ટકાથી વધુનું રીટર્ન મળ્યું છે. જેથી રોકાણકારો અને બુલ ઓપરેટર પણ નફો બુક કરવા આવી શકે છે.

આગામી સપ્તાહે ગોલ્ડ 3600 અને 3700 ડૉલરની રેન્જમાં રહેશે. ટેકનિકલી ગોલ્ડમાં 3600 ડૉલરનો સપોર્ટ લેવલ રહેશે. 3600 ડૉલરનું લેવલ તોડશે તો નીચામાં 3575 સુધી જઈ શકે છે. અને ઉપરમાં 3700 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ રહેશે.

ભારતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ગોલ્ડ સિલ્વરના ભાવ ખૂબ ઊંચા છે. જેથી ખરીદનાર વર્ગ હેબતાઈ ગયો છે. આ વર્ષે ગોલ્ડ અને સિલ્વરમાં ટોકનરૂપી ખરીદીનો માહોલ રહેશે. અથવા તો પ્રંસગોની ખરીદીવાળા હવે ઓછા કેરેટવાળા દાગીના ખરીદશે, તેઓ ટ્રેન્ડ શરૂ તો થઈ જ ગયો છે.

આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ

સોમવાર- ફેડરલ રીઝર્વના સ્ટીફન મીરાનની ન્યૂ યોર્કની ધી ઈકોનોમિક કલબમાં સ્પીચ છે

મંગળવાર- યુએસ એસ એન્ડ પી ફલેશ પીએમઆઈ

બુધવાર- યુએસ ન્યૂ હોમ સેલ્સ ડેટા

ગુરુવાર- સ્વીસ નેશનલ બેંક મોનેટરી પૉલીસી અંગે બેઠક, યુએસ ફાઈનલ કવાર્ટર-2 જીડીપી, યુએસ ડ્યૂરેબલ ગૂડ્ઝ ઓર્ડર, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા અને યુએસ એક્સિટિંગ હોમ સેલ્સ

શુક્રવાર- યુએસ પીએસઈ, રીવાઈઝ્ડ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ

You will also like

Leave a Comment