
કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં તાજેતરમાં કેટલાક નવા સુધારા કરાયા, અને ટ્રાફિકના દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરાયો, તેનો અમલ કરવામાં ગુજરાત સૌથી પહેલું રહ્યું, પણ પછી આમ જનતાનો ભારે ઉહાપોહ થતાં ગુજરાત સરકાર ટ્રાફિકના દંડની રકમ અડધી કરી નાંખી. ખરેખર તો ટ્રાફિકના દંડની રકમ આકરી જ હોવી જોઈએ. તો જ ભારતના નાગરિકોમાં ટ્રાફિકની સેન્સ આવશે. શહેરી વિસ્તારમાં અને તેય ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં બેફામ વાહનો ચલાવવા, આડેધડ પાર્કિગની સમસ્યા, રોડ પર ગમે તે બાજુ વાહન વાળીને રોંગ સાઈડમાં ડ્રાઈવ કરવું, ટ્રાફિક સીગ્નલનો સરેઆમ ભંગ, રેડ લાઈટમાં પણ વાહન મારમમાર જવા દેવું, સિટી બસના સ્ટેન્ડ પાસે વાહનોનું ગેરકાયદે પાર્કિંગ, રસ્તાનું રીતસરનું દબાણ કરીને વાહન પાર્ક કરવું, વાહન ચલાવતાં મોબાઈલ પર વાત કરવી, આવા ભયંકર ગુના હોવા છતાં સરકાર આ મામલે જરાય સંવેદનશીલ નથી. ટ્રાફિક સેન્સ લાવવા માટે આકરા દંડની જોગવાઈઓ હોવી જ જોઈએ. આકરા દંડ નહી હોય તો અનેક નિર્દોષ લોકોની જીવ જશે, રોડ ક્રોસ કરતાં લોકોનાં મોત થશે. અરે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનશે. રાજ્ય સરકારે હજી વિચારવા જેવું છે કે આકરામાં આકરા દંડની જોગવાઈનો અમલ કરો.

ગુજરાત સરકારે કેમ પાછી પાની કરી?
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ થયો તે વખતે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી હતી. તે વખતે ટ્રાફિકના આકરા નિયમોનો અમલ અને અમલ પછી ભારે ઉહાપોહ થયો, ભારે વિરોધ થયો, દર ચાર રસ્તાએ ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે ચકમક ઝરી, ઝપાઝપી પણ થઈ, મારામારી પણ થઈ, ખરેખર અમદાવાદ શિસ્તમાં આવી ગયું હતું. પણ કાગને બેસવું ને ડાળનું ભાંગવું, પેટાચૂંટણીના પરિણામમાં 6 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપની હાર થઈ. કોઈએ પકડી લીધું કે પેટાચૂંટણીમાં હાર થઈ તેના માટે ટ્રાફિકના આકરા નિયમો જવાબદાર છે. મસમોટો દંડ જવાબદાર રહ્યો છે. બસ આ વાત રાજ્ય સરકારે પકડી લીધી. પાછું હજી તો આગામી દિવસોમાં 8 મહાનગર પાલિકા(મ્યૂનિસિપલ કોર્પોરેશન) અને પંચાયતોની ચૂંટણી આવે છે, તેમાં પણ ભાજપનો સફાયો થઈ જશે. આ વાત સરકારને ગળે ઉતરી ગઈ અને બુધવારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ લીધો કે ગુજરાતના 8 મહાનગરો, 162 નગરપાલિકા વિસ્તારમાં હેલમેટ ફરજિયાત નથી. સ્ટેટ-નેશનલ હાઈવે પર હેલમેટ પહેરવી ફરજિયાત છે.

હેલમેટ મરજિયાત થયાં પછી પણ લોકોનો રોષ?
હેલમેટ મરજિયાત કર્યા પછી આમ જનતા ભારે રોષે ભરાઈ હતી. બધાં લોકોએ હેલમેટ ખરીદી લીધો, પછી સરકારે નિર્ણય ફેરવ્યો, હેલમેટ કંપનીઓને બખ્ખાં કરાવી દીધાં, હેલમેટના નામે આકરો દંડ ભર્યો તેનું શું? એક સર્વેના આંકડા પર નજર કરીએ તો હેલમેટ નહીં પહેરનાર અમદાવાદીઓ પાસેથી વર્ષ 2018માં 6.55 કરોડનો દંડ લીધો છે. અને 2019માં 5.94 કરોડ દંડની રકમ ઉઘરાવી છે. આ દંડની રકમ સરકાર પાછી આપશે ખરી? એક તબક્કે તો માર્કેટમાંથી હેલમેટ ખલાસ થઈ ગયાં હતાં. હેલમેટની દુકાનોવાળાઓએ મનફાવે તેવા ભાવ લેવાના ચાલુ કર્યા હતાં. આઈએસઆઈ માર્કાના હેલમેટ તો ખલાસ થઈ ગયાં હતાં. કેટલીક જાગૃત જનતાએ તો પોલીસ હેલમેટ વિના વાહન ચલાવતી હોવાના વિડીયો કેપ્ચર કર્યા હતા, અને સોશિયલ મીડિયામાં ફરતાં કર્યા, સરકારે આવા પોલીસ પાસે દંડ પણ ભરાવ્યો હતો.
હેલમેટ વગર દંડની રકમ વધારીને 500 કરાઈ પછી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હેલમેટ વગરના સરેરાશ 600 વાહનચાલકોને પકડ્યાં અને તેમની પાસેથી દરરોજના સરેરાશ 30-35 હજારનો દંડ વસૂલ્યો હતો. હેલમેટ વગરના 10 લાખ લોકોને ઈ મેમો અપાયાં હતાં. આવી વસૂલાત કરી હોય અને પછી સરકારે હેલમેટને મરજિયાત કરે તો આ નિર્ણય કેવો છાતીએ વાગે. દંડની રકમ પણ પાછી માગે જ ને પબ્લિક… યે પબ્લિક હૈ સબ જાનતી હે…

ગુજરાત સરકારે હેલમેટ પર મતકારણ કર્યું છે, તે તો સ્પષ્ટ થયું છે. પણ સરકાર હેલમેટને ફરજિયાત કરે કે મરજિયાત… દરેક વ્યક્તિએ ટુ વ્હીલર ચલાવતી વખતે સ્વૈચ્છિક રીતે વિચારીને હેલમેટ પહેરવું જ જોઈએ. કારણ કે માથું આપણું છે, તેની સલામતી આપણે કરવાની છે. અને આપણા ઘેર પરિવારના સભ્યો રાહ જોઈ રહ્યાં છે. બસ આટલું વિચારશો ને તો હેલમેટ પહેરવાનું 100 ટકા મન થશે જ. અને ટ્રાફિકવાળાના રૂપિયા 500ના દંડની બચી જશો તે નફામાં. હેલમેટ પહેરવાના અનેક ફાયદા છે, હેલમેટ પહેરીને બાઈક કે એક્ટિવા ચલાવશો તો આંખમાં ધૂળ નહીં ઉડે, નાકમાં તે ધૂળ નહીં જાય, કાનને રોડનો વધુ ઘોંઘાટ નહી સંભળાય, એલર્જિકલ શરદી-ખાંસી-દમના રોગમાંથી મુક્તિ મળી જશે, કાનમાં પવન નહીં ભરાય, અને હેલમેટથી વાહનચાલકને ડ્રાઈવિંગનો થાક નહી લાગે, સાથે શરીરનું અતિમહત્વનું અંગ માથું, તેની સુરક્ષા થશે. એટલે સરકાર હેલમેટને ફરજિયાત કે મરજિયાત કરે. આપણે હેલમેટ પહેરવાનું નક્કી કરી નાંખો.