ગાંધીનગર- હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, વલસાડ, દમણ, સુરત, ભરૂચ, દાદરા નગર હવેલી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે. તે સાથે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, ખેડા, અમરેલી, અરવલ્લી, દાહોદ, આણંદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ મધ્યમસરનો વરસાદ થશે.(Meteorological Department’s forecast of heavy rain in Gujarat)
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે.(Heavy rain on Saurashtra coast) છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમી દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે પોરબંદર તાલુકામાં ચાર ઈંચ જેટલો, માંગરોળ તાલુકામાં 3.74 ઈંચ, સુત્રાપાડા તાલુકામાં 3.35 ઈંચ, જાફરાબાદ તાલુકામાં 3.07 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ક્યા સૌથી વધુ વરસાદ
આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર ચાર કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં પાંચ ઈંચથી વધુ તથા કેશોદમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં 4.76 ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,60,174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે.
64 ડેમ હાઈ એલર્ટ
રાજ્યમાં હાલ 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તારીખ 20 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.