અમદાવાદ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital) થકી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 212 બ્રેઈનડેડ લોકોના અંગદાનથી 700થી વધુ લોકોને જીવદાન મળ્યું છે.(Organ Donation in Gujarat) ત્યારે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના હેતુ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અસ્મિતા ભવન હોલમાં ‘અંગદાનથી જીવનદાન’ના સંદેશ સાથે તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા હતા.(Organ Donation in Ahmedabad)
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નગરસેવકો, વોર્ડના પ્રમુખો, સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, આઈ.કે.ડી. કિડની હોસ્પિટલ, કિડની ઇન્સ્ટિટ્યુટના 350થી વધુ નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, વિદ્યાર્થીઓએ અંગદાનના શપથ ગ્રહણ કર્યા હતા અને અંગદાનને જનઆંદોલન બનાવવા પ્રેરણા મેળવી હતી. અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં આ શપથ લેવાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમણે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ અને તબીબોની સેવાઓને બિરદાવી હતી. પોતાના વિધાનસભા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અનેક આરોગ્ય સુવિધા અને સંસાધનોથી સજ્જ છે, ત્યારે દર્દીઓ અને સિવિલ હોસ્પિટલના પ્રશાસન સાથે કોઈપણ જરૂરિયાત અને સેવાકાર્ય માટે તત્પર હોવાનું જણાવી અંગદાનના કિસ્સામાં જાતે બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનોના કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલમાં આવતા હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું.

ધારાસભ્ય સંગીતાબેન પાટીલે વધુમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાનના ટીબીમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અમે પ્રયાસરત છીએ. ટીબીના દર્દીઓને પ્રોટીન રિચ ખોરાકની જરૂરિયાતને ધ્યાને લઈ પોષણ કિટસ વિતરણ કરીએ છીએ. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફ, સમગ્ર ગુજરાતના અંગદાન ક્ષેત્રે કામ કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ, સહકર્મીઓને અંગદાનના સેવાકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા. જેને અંગોની જરૂર છે તેઓને બ્રેઈનડેડના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તે જરૂરી છે એટલે જ અંગદાન પ્રવૃત્તિ જનઆંદોલન બને તે આવશ્યક છે એમ ભારપૂર્વક કહ્યું હતું.
ગુજરાત સહિત ત્રણ રાજ્યથી સારવાર લેવા આવતા દર્દીનારાયણની સેવામાં સમર્પિત અમદાવાદ સિવિલ હોસ્પિટલે અનેક ઓપરેશનો, જટિલ સારવાર, દર્દીઓની મહત્તમ સેવાસારવારના કારણે ગુજરાતમાં આગવી ઓળખ બનાવી હોવાનું પાટિલે જણાવ્યું હતું. અને ગુજરાતની દરેક હોસ્પિટલો અને કોલેજોએ અંગદાનની પ્રવૃત્તિમાં જોડાવા આહ્વાન કર્યું હતું.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભીએ ઉપસ્થિત સૌને અચૂક અંગદાનના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સ્વાગત પ્રવચન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કર્યું હતું.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાખરીયા, નવનિયુક્ત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ રોમાંચ ઉપાધ્યાય સહિત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટસ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, નગરસેવકો, નર્સિંગ યુનિયનના પ્રમુખ દેવીબેન દાફડા, નર્સિંગ એસો. શૈલેષ નાઈ, હેમદીપ પટેલ, ધિરેન દાફડા, નર્સિંગ કોલેજના આચાર્ય હિરલબેન શાહ સહિત મોટી સંખ્યામાં સ્ટાફ નર્સ, હેડ નર્સ, નર્સિંગ કોલેજના ફેકલ્ટી. યુ.એન. મહેતા હોસ્પિટલ અને કિડની હોસ્પિટલના સ્ટાફગણ, નર્સિંગ એસો.ની ટીમ ઉપસ્થિત રહી હતી.