અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2020ના રોજ મોટેરા સ્ટેડિયમમા ઉપસ્થિત લોકો સાથે સંવાદ કરશે. આ સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમની શું છે વિશેષતા આવો જાણીએ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ બનાવવાની શરૂઆત માર્ચ 2017થી કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ 1 લાખ લોકોની ક્ષમતા ધરાવતાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ મોટું છે.
25 વર્ષ જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને ત્યાં નવેસરથી વર્લ્ડ કલાસ સ્ટેડિયમ બનાવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ) દ્વારા આ સ્ટેડિયમને નવું રૂપ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં સૌથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં 75 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. ખેલાડીઓ, એમ્પાયર્સ અને મીડિયા માટે પણ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અહીં ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ઉપલબ્ધ રહેશે. ભારતના સૌથી પહેલા સ્ટેડિયમમાં એક પણ પોલ (થાંભલા) નથી, જેથી પ્રેક્ષકો આરામથી કોઈ પરેશાની વિના ગ્રાઉન્ડની ચારેય તરફ જોઈ શકશે. તેમજ અત્યાધુનિક લાઈટ અને સાઉન્ડની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.
આ સ્ટેડિયમ દરેક ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા આ સ્ટેડિયમમાં રમવું એ દરેક ખેલાડી માટે ડ્રીમ બની રહેશે. અતિ ભવ્ય રીતે સ્ટેડિયમનું ઓપનિંગ થશે. 24 ફેબ્રુઆરીએ વિશ્વને સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ મળશે.
વિશ્વની સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતા ક્રિકેટ સ્ટેડિયમની જાહેરાત થઇ ત્યારથી જ વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ આ ભવ્ય સ્ટેડિયમમાં મેચ જોવાની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતનું ગર્વ તથા ભારત અને વિશ્વમાં ક્રિકેટની શાન બનશે અમદાવાદનું આ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ. અને ઈતિહાસની સાક્ષી બનશે મોટેરા સ્ટેડિયમ, અહીંયા બે લોકશાહી દેશના બે મોટા નેતાનું મિલન થશે. અને આ બન્ને નેતાઓને આવકારવા માટે ગુજરાતીઓ ભારે હરખઘેલા થયા છે. અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ થયો તેની સફળતા બાદ હવે અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
મોટેરા સ્ટેડિયમની વિશેષતા…
- સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અમદાવાદના સાબરમતીના એવા મોટેરા વિસ્તારમાં આવેલું છે, જેથી તે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે
- મોટેરા સ્ટેડિયમ અંદાજે 800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે
- મોટેરા સ્ટેડિયમનું કામ જાન્યુઆરી 2017માંશરૂ થયું હતું, જે ફેબ્રુઆરી 2020માં પૂર્ણ થયું છે
- સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખ પ્રેક્ષકોની છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની 1 લાખ પ્રેક્ષકોની ક્ષમતા કરતાં વધારે છે
- અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ વખત એલઈડી ફ્લડ લાઈટનો ઉપયોગ કરાયો છે. જે પૉલ માઉન્ટેડ ફ્લડ લાઈટથી અલગ છે. આ મેદાનમાં ફ્લડ લાઈટની ઊંચાઈ 90 મીટર છે, જે 25 માળની ઊંચી બિલ્ડીંગની સમકક્ષ છે.
- સ્ટેડિયમની જમીન પર ગ્રીન પીચ તૈયાર કરાઈ છે.
- મોટેરા સ્ટેડિયમની નીચે સબસફ્રેંઝ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે, તેની મદદથી વરસાદની સ્થિતીમાં 30 મીનીટમાં મેદાન ક્રિકેટ રમવા માટે તૈયાર કરી શકાશે
- સ્ટેડિયમમાં કુલ 76 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે, જે ભારતના કોઈપણ સ્ટેડિયમમાં નથી
- આ મેદાનમાં ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખો-ખો, કબડ્ડી, વૉલીબૉલ, બાસ્કેટ બૉલ, ટિનસ અને બેડમિન્ટનની મેચ રમાડી શકશે
- મોટેરા સ્ટેડિયમમાં મુખ્યગ્રાઉન્ડ ઉપરાંત પ્રેકટિસ માટે બે ક્રિકેટ મેદાન અને એક મલ્ટી સ્પોર્ટ ગ્રાઉન્ડ પણ છે
- સ્ટેડિયમમાં ફિઝિયોથેરેપી સિસ્ટમ અને હાઈડ્રોથેરેપી સિસ્ટમ મુકવામાં આવી છે, જેથી મેદાન પર ઈજાગ્રસ્ત ખેલાડીઓને તાત્કાલિક સારવાર આપી શકાશે
- સ્ટેડિયમ એવી રીતે ડિઝાઈન કરાયું છે કે ખેલાડી ચોગ્ગો કે છગ્ગો મારે તો સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો તેને વિના વિક્ષેપ જોઈ શકશે.
- દરેક સ્ટેન્ડની નજીક ફૂડ કોર્ટ અને હોસ્પિટાલિટી મળી રહેશે
- ક્રિકેટ એકેડમીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે
- સ્ટેડિયમની બહાર 3000 કાર પાર્કિંગ અને 10,000 ટુ વ્હીલર પાર્કિંગની સવગડ ઉભી કરાઈ છે, ભારતમાં આટલી મોટી પાર્કિંગ ફેસીલીટી સાથેનું કોઈ જ ગ્રાઉન્ડ નથી
- કલબ હાઉસ સાથે 55 રુમ, ઈન્ડોર આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પીક સાઈઝનો સ્વીમીંગ પુલ, જીમ્નેશીયમ, પાર્ટી એરિયા વિગેરે સુવિધાઓથી સજ્જ છે આ નવા સ્ટેડિયમમાં કલબ હાઉસની મેમ્બર ફી અંદાજે 7 લાખ રાખવામાં આવી છે
- સ્ટેડિયમની પાસેથી મેટ્રો ટ્રેન પસાર થવાની છે, જેથી સ્ટેડિયમમાં જવા આવવા માટે મેટ્રોની કેનેકટિવીટી મળી રહેશે
- નાના પેવેલિયન એરીયા સાથેના બે ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ નિર્માણ કરાયું છે
- નોર્થ પેવેલિયનનું નામ રીલાયન્સ પેવેલિયન અને સાઉથ પેવેલિયનનું નામ અદાણી પેવેલિયન રખાયું છે
- ઓસ્ટ્રેલિયાની કંપની Populous એ મુખ્ય આર્કિટેક છે, એલ એન્ડ ટી ડેવલપર છે અને કન્સલટન્ટ તરીકે STUP આ પ્રોજેક્ટ માટે PMC હતા
વર્લ્ડ કલાસ મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત 1.10 લાખ જનમેદની સાથે ટ્રમ્પ સંવાદ કરશે, જેના માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આતુર છે, તેમ તેમણે એક વિડીયો મુલાકાતમાં જણાવ્યું હતું. ટ્રમ્પની મુલાકાત ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે વિશેષ બની રહેશે. હાલ અમદાવાદીઓ ટ્રમ્પને આવકારવા ભારે આનંદિત થયા છે. ગુજરાતનું આતિથ્ય વિશ્વમાં વખણાય છે, ત્યારે હવે ટ્રમ્પ અને તેમના પત્ની મિલનિયા ગુજરાતના મહેમાન થશે, અને તેઓ ગુજરાતનું આતિથ્ય માણશે.