Vibrant Gujarat 20 વર્ષની ઉજવણી, PM મોદી કહી મહત્વની વાત

by Investing A2Z

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં આયોજિત સમિટ ઓફ સક્સેસ (Summit of Success ) ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ( PM Narendra Modi ) જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ( Vibrant Gujarat ) ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે.

હાઈલાઈટ્સ

  • વાઇબ્રન્ટ સમિટની સફળતામાં આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટનો ફાળો
  • યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું
  • વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે
  • ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા 20 વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ
  • વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની રહી છે
  • વાઇબ્રન્ટ સમિટની સફળતાના 40 વર્ષ મનાવીએ ત્યારે વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું છે

વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટ વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સામેલ છે. તેમણે કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.

વડાપ્રધાને આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા આહવાન કર્યું હતું. વડાપ્રધાને સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરી ત્યારે કહેવાતું કે આ તો માત્ર બ્રાન્ડિંગ ઇવેન્ટ છે. પરંતુ દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે. ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા 20 વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ બની રહી છે.

વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની સફળતાનો ચિતાર આપતા કહ્યું કે, 2003માં અમુક સેંકડો પાર્ટીસિપન્ટસ આવ્યા હતા અને હવે 40 હજારથી વધુ પાર્ટીસિપન્ટસ આ સમિટમાં જોડાય છે. 2003માં જૂજ દેશો ભાગીદાર બન્યા હતા જ્યારે હવે 135થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. 2003માં 30ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા જ્યારે હવે 2,000થી વધુ એક્ઝિબિટર્સ આ સમીટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે.

ગુજરાતે અલગ-યુનિક રીતે વિચાર્યુ. વાઇબ્રન્ટ સમીટમાં કોઇ ડેવલપ્ડ નેશનને પાર્ટનર કન્ટ્રી બનાવવાનું જ્યારે કોઈએ વિચાર્યું ન હતું પણ ગુજરાતે કરી દેખાડ્યું. એ જ ઓફિસર્સ અને એ જ રિસોર્સ સાથે ગુજરાતે એવું કરી દેખાડ્યું જેનું કોઈએ વિચાર કર્યો ન હતો. દેશના અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનોને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે, તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા. દેશના જુદા જુદા સંગઠનો, જુદા જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને જોડીને એનેક વર્ટિકલને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા.

તેમણે કહ્યું કે, 20 વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર રહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી! 2001 પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી લાખો લોકોની બેહાલી અને તકલીફ ભર્યું જીવન હતું.
વડાપ્રધાને ઉમેર્યું કે, મુશ્કેલ પરિસ્થિતિ અહીં જ અટકી ન હતી, માધવપુરા મર્કેન્ટાઇલ બેંક બંધ થવાથી બીજી 133 જેટલી સહકારી બેંકોને અસર થઇ હતી. એક રીતે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર વ્યાપ્યો હતો. આ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરાત બહાર આવશે તેવો તેમને અતૂટ ભરોસો હતો. જે લોકો ગુજરાત વિરોધી એજન્ડા લઈને આવતા હતા, તેઓ દરેક ઘટનાનું એનાલિસિસ કરતા અને ગુજરાતને બદનામ કરવાની કોશિશો કરતા. આવા લોકો કહેતા કે ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગો, વ્યાપારીઓ બધા જ પલાયન કરશે, ગુજરાત બરબાદ થઈ જશે અને દેશ માટે બોજારૂપ બની જશે. બદનામીના ષડયંત્રો લઈને ચાલનારા લોકોએ નિરાશાનો માહોલ ઊભો કર્યો હતો, તેઓ કહેતા કે ગુજરાત ક્યારેય પગભર નહીં થાય.

વડાપ્રધાને આ સંદર્ભમાં કહ્યું કે, આવા મુસિબતના સમયે તેમણે સંકલ્પ લીધો કે કોઈપણ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લઈ આવું છે, આગળ લઈ જવું છે, આ વિચારમાંથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો અને ગુજરાતનું માત્ર પુનઃનિર્માણ નહીં પરંતુ દાયકાઓ આગળનું વિચારી રાજ્યના વિકાસ માટેના કાર્ય સરકારે આરંભ્યા. આ દીર્ઘકાલીન વિકાસનું એક માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બની છે. વાઇબ્રન્ટ સમિટ પરંપરા શરૂ થઇ ત્યારે એ તબક્કે તત્કાલિન કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસ માટે અરુચિ દાખવતી હતી. પરંતુ ગુડ, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇકવલ સીસ્ટમ ઓફ ગ્રોથને પરિણામે દેશ-વિદેશના ઉદ્યોગો ગુજરાતમાં આવતા ગયા.

પીએમ મોદીએ વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનો હતો. સમગ્ર દેશે આ પરિકલ્પનાને હકીકતમાં સાકાર થતાં જોઈ છે. 2014માં જ્યારે કેન્દ્રમાં નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ તેમણે કર્યો હતો. ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતને દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 20મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને 21મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચરલ પાવર હાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ અપાવી. આના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની. આ બધુ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આઈડિયા. ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઈસ મેન્યફેક્ચરીંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા સોપાનો સર કર્યા છે. ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ બે બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવવાનું છે. ભારત આજે દુનિયામાં સસ્ટેનેબિલીટીની બાબતમાં નેતૃત્વ કરી રહ્યું છે. દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વાઇબ્રન્ટ સમિટને કેવી રીતે મહત્તમ લાભ મળી શકે તે અંગે પણ વિચારવું પડશે.

હવેનો આ સમય વિરામનો સમય નથી. પાછલા 20 વર્ષ કરતા આવનારા 20 વર્ષ વધુ મહત્વના છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાના 40 વર્ષ મનાવીએ ત્યારે વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ભારત સાથે વિશ્વના દેશો સહભાગીતા માટે તત્પર છે. તેના કારણે આજે ભારતમાં નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગો અને નવા રોજગારનાં અવસરો આવી રહ્યાં છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાને વાઇબ્રન્‍ટ સમિટનો વિચાર આપ્યો હતો. નરેન્દ્રભાઈ મોદીએ 2003માં વાવેલું વાઇબ્રન્‍ટ સમિટનું બીજ આજે 20 વર્ષે એક વટવૃક્ષ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતને ઉદ્યોગો, મૂડીરોકાણો અને રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું નરેન્‍દ્રભાઈએ સેવેલું સપનું સાકાર થયું છે. આ અવસરને આપણે સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી રહ્યા છીએ.

મુખ્યપ્રધાને ઉમેર્યું કે, આજે ગુજરાતમાં ભારતનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર GIFT CITY ગિફટ સિટી, સૌથી મોટું ગ્રીન ફિલ્ડ સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રિજિયન ધોલેરા, વિશ્વનું સૌથી મોટું સિંગલ ઓફિસ કોમ્પ્લેક્સ DREAM સિટી, વગેરે જેવા વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિ કન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્સ, ગ્રીન હાઇડ્રોજન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ઇ-કોમર્સ જેવા ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આવનારા વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનીને વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારો સામે અને ગ્લોબલ સસ્ટેનેબીલિટીમાં પોતાનું યોગદાન આપવા માટે પણ ગુજરાત તૈયાર છે. ગુજરાત પોતાની આવી ક્ષમતાઓ ઉજાગર કરીને દુનિયાના દેશો માટે ગેટ વે ટુ ધી ફ્યુચર બનવા સજ્જ છે, તેમ તેમણે દ્રઢતાપૂર્વક ઉમેર્યું હતું.

ઉદ્યોગપ્રધાન બળવંત સિંહ રાજપૂતે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2019ના નવમા વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમ.ઓ.યુ. MoU પૈકીના 90 ટકા એમ.ઓ.યુ. MoU સફળ થયાં છે. આઝાદીના અમૃતકાળ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન રાજ્યમાં ડીસેમ્બર 2022 થી આજદીન સુધી 118 પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. કર્યા અને રૂ.1,47,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણ થનાર છે. જેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ ઉત્પાદનમાં આવી ગયાં છે અને બાકીના અમલીકરણ હેઠળ છે.

આ પ્રસંગે જેટ્રો સાઉથ એશિયાના ડારેકટર જનરલ તાકાસી સુઝુકી, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ, વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે.ગોએન્કા એ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

વડાપ્રધાને આ પહેલા સાયન્સ સિટી ખાતેના ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયન નું ઉદ્ઘાટન કરીને મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ના રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના પ્રધાનમંડળના સભ્યો, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન સહિત ઉચ્ચ અધિકારીઓ, રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Leave a Comment